અયોધ્યામાં યોજાયેલ ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના વિરોધમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરની પુત્રી સુરન્યા ઐયરે ત્રણ દિવસ માટે ‘ઉપવાસ’ રાખ્યો હતો અને તે બાબરની જાણકારી સોશિયલ મીડિયા પર પણ આપી હતી. ત્યારે હવે આ મામલે તેમનું જ્યાં ઘર છે તે સોસાયટીના રેસિડેન્ટ વેલફેર એસોસિએશન (RWA)એ વાંધો ઉઠાવ્યો છે અને બંને પિતા-પુત્રીને નોટિસ મોકલીને કહ્યું છે કે તેઓ આવી હરકતો બદલ કાં તો માફી માંગે અથવા ઘર ખાલી કરી દે.
RWAએ નોટિસમાં બંને પિતા-પુત્રીને આગ્રહ કર્યો હતો કે, તેઓ એવી વાતો ન કરે જેનાથી શાંતિ ભંગ થાય, કે અન્ય રહેવાસીઓની ધાર્મિક લાગણી દુભાય. આ ઉપરાંત, સોસાયટીએ તેમને રામ મંદિરના વિરોધ અને સનાતન ધર્મના અપમાન બદલ સાર્વજનિક માફી માંગવા માટે પણ કહ્યું હતું. સોસાયટીએ નોટિસમાં કહ્યું કે, “જો તમે આ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના વિરોધમાં કર્યું હોય, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે સોસાયટી છોડીને એવી કોઈ કોલોનીમાં રહેવા ચાલ્યા જાઓ, જ્યાં લોકો આ પ્રકારની નફરત સામે આંખ આડા કાન કરતા હોય.”
This should serve as a message for everyone, who think abusing Hindu beliefs is par for the course. The Jangpura Extension Welfare Association, in a terse letter, have asked Congress leader Mani Shankar Aiyar and his daughter to apologise for defiling the Pran Pratistha ceremony… pic.twitter.com/6eQ0U1AmzW
— Amit Malviya (@amitmalviya) January 31, 2024
RWAએ કહ્યું, “સુરન્યા ઐયરે સોશિયલ મીડિયા પર જે હરકતો કરી, તે એક શિક્ષિત વ્યક્તિ માટે અયોગ્ય હતી. તેમણે સમજવું જોઈએ કે રામ મંદિર 500 વર્ષ પછી બનાવવામાં આવી રહ્યું છે અને તે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ. તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકો પરંતુ કૃપા કરીને યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ મુજબ ફ્રિડમ ઓફ સ્પીચ નિરપેક્ષ હોય શકતી નથી.” વધુમાં કહ્યું કે, “તમે તમારા દેશના સારા માટે રાજકારણમાં ગમે તે કરી શકો, પરંતુ યાદ રાખો કે તમારા કાર્યોથી તમારી સોસાયટીનું પણ સારું કે ખરાબ નામ થાય છે. જેથી તમને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને આવી પોસ્ટ/ટિપ્પણીઓ કરવાથી દૂર રહો,”
જોકે, આ મામલે સુરન્યાનું કહેવું છે કે સંબંધિત રેસિડન્ટ્સ વેલફેર એસોશિએશન જે કોલોની સાથે સંબંધ ધરાવે છે, ત્યાં તેઓ રહેતાં નથી. આગળ કહ્યું, “બીજી વાત એ કે મેં હાલ મીડિયા સાથે વાતચીત ન કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે ભારતમાં મીડિયા માત્ર ઝેર અને ભ્રમ ફેલાવી રહ્યું છે.” આગળ દાવો કરે છે કે, “તમે બધા મને જાણો છો. હું ભારતમાં લગભગ 50 વર્ષ તમામ રાજનીતિક દ્રષ્ટિકોણ ધરાવતા લોકો સાથે રહી છું, અભ્યાસ કર્યો છે, કામ કર્યું છે અને એક્ટિવિઝમ પણ કર્યું છે. હાલ હું મારી વાતો ફેસબુક અને યુ-ટ્યૂબ પર જ મૂકીશ જેથી તમે સ્વયં તેનું તારણ કાઢી શકો. હું મીડિયા સર્કસથી બચવાના પ્રયાસ કરી રહી છું, કારણ કે મારું માનવું છે કે ભારતમાં આપણને એક યોગ્ય સાર્વજનિક સંવાદ કરી શકાય તેવા વાતાવરણની જરૂર છે.”
અનશનને લઈને સુરન્યાએ અગાઉ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, પહેલાંથી પ્રદૂષિત દિલ્હીની હવામાં હવે ઉગ્ર હિંદુવાદ અને દુર્ભાવના ઉમેરાયાં છે અને તેમાં ‘આધ્યાત્મિક ઝેર’ પણ ભળી ગયું છે. તેમણે લખ્યું કે, આ અનશન તેઓ ભારતના મુસ્લિમ નાગરિકો માટે કરી રહી છે. સાથે લખ્યું હતું કે, અયોધ્યામાં હિંદુ રાષ્ટ્રવાદના નામે જે થઈ રહ્યું છે તેની તેઓ નિંદા કરે છે.