રામનવમીના દિવસે ખંભાતના મુસ્લિમ બહુમતી વિસ્તાર શક્કરપુરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસા બાદ ગઈકાલે ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને હિંસાના આરોપીઓનાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે, સરકારની આ કાર્યવાહી સામે ગુજરાત કોંગ્રેસને વાંધો પડ્યો છે અને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસના બંને ધારાસભ્યોએ એક પ્રેસનોટ જારી કરીને સરકારની આ કાર્યવાહીને કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વગર થયેલી અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી તેને રોકવા માટે અપીલ કરી હતી. ઉપરાંત તેમણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફોનકોલ પર ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં થઇ રહેલી આ ડિમોલિશનની કાર્યવાહી રોકવા માટે અપીલ પણ કરી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે જો આરોપીઓ પર કોર્ટમાં ગુનો સાબિત થઇ ગયો હોત અને આ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ થઇ હોત તો તેમણે વાંધો ઉઠાવ્યો ન હોત. ઉપરાંત આ પ્રકારની ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલાં કલેક્ટર અને જિલ્લા તંત્ર દ્વારા જે-તે માલિકને નોટીસ પાઠવવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
જોકે, બીજી તરફ પ્રાંત અધિકારીએ આ કાર્યવાહી બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા શક્કરપુરામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, સમગ્ર ખંભાતમાં દબાણો હટાવવામાં આવશે અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. જ્યારે જિલ્લાના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ પોલીસે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાય રહે તે માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
શું બની હતી ઘટના?
રામનવમીના દિવસે ગુજરાતના ખંભાત અને હિંમતનગર સહિતના શહેરોમાં શોભાયાત્રા દરમિયાન પ્રિ-પ્લાન્ડ હિંસા થઇ હતી. ખંભાતમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા શહેરમાં હિંદુઓ ફરી આવી શોભાયાત્રા નહીં કાઢે તે માટે ડરનો માહોલ ઉભો કરવા માટે અગાઉથી જ પ્લાન ઘડીને હિંસા આચરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ખંભાતમાં શોભાયાત્રા મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે દરગાહ નજીક તોફાનીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાનો, બે લારીઓ અને એક મકાનમાં આગચંપી કરી દેવાતા માહોલ વધુ તંગ બન્યો હતો. આ બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી તો એક 62 વર્ષીય વ્યક્તિ કનૈયાલાલ રાણાનું મૃત્યુ થઇ ગયું હતું.
મૌલવી અયુબ મલેકે અન્ય પાંચ-છ જણાને સાથે રાખી અગાઉથી આયોજન કર્યું હતું
મુખ્ય આરોપીઓએ ઘટના અગાઉના બે-ત્રણ દિવસોથી ખાનગીમાં મીટીંગ કરી હતી અને તમામ આયોજન કર્યાં હતાં. જેમાં ઘટના બાદ આરોપીઓને ક્યાં સંતાડવા, તેમની રહેવાની વ્યવસ્થા ક્યાં કરવી, તેમને કાયદાકીય મદદ પૂરી પાડવી થી માંડીને તેમના પરિવારોને મદદ કરવા માટે મસ્જિદો અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ચાદર ફેરવીને ફંડ પણ એકઠું કરવા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મામલે મૌલવી અયુબ મલેક સહિત 11 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.