22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે. 500 વર્ષોના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય રાજમહેલમાં વિરાજિત થયા છે. સૌ કોઈ આ ક્ષણના સાક્ષી બન્યા હતા અને ભાવુક પણ થયા હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશના રામભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. ત્યારે અંકલેશ્વરની કૃષણકુંજ સોસાયટીમાં પણ એક અનોખા રામ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અંકલેશ્વરના રામભક્તો દ્વારા એક એવું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં ગર્ભગૃહમાં રામ દરબારની પૂજા કરવામાં આવે છે. સાથે મંદિરના ગર્ભગૃહની બહાર દ્વાર પર ભગવાન રામના રક્ષક તરીકે વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની પ્રતિમાઓ મૂકવામાં આવી છે.
અંકલેશ્વરના રામભક્તોએ બનાવેલું આ અનોખુ મંદિર રાજપીપળા ચોકડી નજીક કૃષણકુંજ સોસાયટીમાં સ્થિત છે. ભગવાન રામની સાથે અહિયાં પ્રભુના રક્ષક તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દર્શાવવામાં આવ્યા છે. અંકલેશ્વરનું આ અનોખુ રામ મંદિર સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વરના રામભક્તો 500 વર્ષ બાદ રામલલાને નીજ મંદિરમાં લાવવા બદલ PM મોદી અને CM યોગીનો આભાર પ્રગટ કરવા માંગતા હતા. તેથી તેમણે આ અનોખા રામ મંદિરની સ્થાપના કરી છે અને PM મોદી અને CM યોગીની પ્રતિમાનું અનાવરણ કરીને આભાર પ્રગટ કર્યો છે.
‘PM મોદી અને CM યોગી પ્રભુ શ્રીરામને મહેલમાં લાવ્યા’
અનોખા રામ મંદિરની સ્થાપના કરનારા અંકલેશ્વરના રામભક્તોએ જણાવ્યું હતું કે, 500 વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યાના ભવ્ય રાજમહેલમાં પ્રભુ શ્રીરામ સિંહાસન પર વિરાજિત થયા છે. 5 વર્ષના રામલલાને સુવર્ણ આભૂષણોથી સજ્જ જોઈને સૌ કોઈ રામભકતો ભાવુક થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, “PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથ અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામને મહેલમાં લાવ્યા છે. તેથી અમે PM મોદી અને CM યોગીનો અનોખી રીતે આભાર માન્યો છે. જેમાં વિધિ-વિધાનથી PM મોદી અને CM યોગીની પ્રતિમાને પ્રભુના રક્ષક તરીકે મંદિર દ્વાર પર સ્થાપિત કરી છે.”
નોંધનીય છે કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામભક્તોએ બનાવેલું આ અનોખુ રામ મંદિર ₹20 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને ભગવાન હનુમાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને PM મોદી અને CM યોગીને ભગવાનના રક્ષક તરીકે મંદિરમાં દર્શાવવામાં આવ્યા છે.