કેન્દ્ર સરકારે સંસદની સુરક્ષા બાબતે મહત્વનો નિર્ણય લેતા આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. હવેથી સંસદની સુરક્ષા CISFના જવાનો કરશે. આ પહેલાં આ વિભાગ દિલ્હી પોલીસ અને પાર્લામેન્ટના સુરક્ષા કર્મીઓ જ સાંભળી રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે 31 જાન્યુઆરી 2024થી શરૂ થવા જઈ રહેલા સંસદ સત્ર પહેલાં જૂની અને નવી સંસદની ઇમારતોની સુરક્ષાની જવાબદારી CISFની ટુકડીને સોપવામાં આવશે. નવા સંસદની સુરક્ષા દિલ્હી પોલીસ અને CISFની ટીમ સાથે મળીને કરશે. આ ઉપરાંત સંસદ સત્ર દરમિયાન અંદર અને બહાર જવાના માર્ગો પર પણ સીઆઈએસએફની ટીમ ધ્યાન રાખશે. CISFની ટુકડી મહેમાનોની સુરક્ષા અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. CISF પાસે વ્યક્તિ અને સમાનની તપાસ માટે એરપોર્ટસ પર વપરાતા એક્સ-રે મશીન અને મેટલ ડિટેક્ટર પણ હશે. જેનાથી બુટ, ભારે જેકેટ અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સંસદમાં થયેલી સુરક્ષામાં ચૂકને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 13 ડિસેમ્બર 2023ના રોજ દર્શકોની જગ્યાએ બેસેલા બે વ્યક્તિઓ અચાનક સાંસદોથી ભરેલા લોકસભા કક્ષમાં કુદી પડ્યા હતા અને સંસદમાં કલર સ્પ્રે છાંટી હોબાળો મચાવ્યો હતો. હાજર સાંસદોએ બને વ્યક્તિઓને પકડી લીધા હતા. જે પછી પોલીસે તેમની અટકાયત કરી હતી. વિપક્ષોએ આ મુદ્દાને ખુબ ચગાવ્યો હતો. સંજોગે તે જ દિવસે 2001માં સંસદ પર થયેલા આતંકી હુમાલની 22મી વરસી પણ હતી.
જે પછી સરકાર દ્વારા સંસદની સુરક્ષાના વધારો કરાતા હવે સુરક્ષા કરવાની જવાબદારી CISFના જવાનોની ટીમને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, CISF એ કેન્દ્રના ગૃહ વિભાગ હેઠળ આવતું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. CISF એરોસ્પેસ અને પરમાણુ ઉર્જાના મહત્વના સ્થાનોની સુરક્ષા સાથે દેશનાં 68 જેટલા સિવિલ એરપોર્ટસની પણ સુરક્ષા કરે છે. સીઆઈએસએફમાં 1.70 લાખ જવાનો કાર્યરત છે.