ગુજરાતના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી તેમની સરપ્રાઈઝ વિઝિટ માટે જાણીતા છે. તેઓ ઓચિંતા જ કોઈપણ એસટી બસમાં મુસાફરી કરતાં પણ અવારનવાર જોવા મળે છે. ગુરુવારે (21 ડિસેમ્બર) તેઓ આણંદ ગયા હતા. ત્યાં પણ તેમણે આણંદ ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીની આકસ્મિક મુલાકાતથી ડેપો તંત્ર દોડતું થઈ ગયું હતું . આ દરમિયાન ડેપો મેનેજર પણ ત્યાં હાજર નહોતા, એ ઉપરાંત સ્વચ્છતા અને બેસવાના બાંકડાના અભાવને જોતાં હર્ષ સંઘવીએ સ્ટાફનો ઉધડો લીધો હતો. જ્યારે આકસ્મિક મુલાકાત લેવાના થોડા જ દિવસોમાં વહીવટી કચેરીએ શિસ્ત ભંગનો પાઠ ભણાવીને આણંદ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરી નડિયાદ બદલી કરી નાખી છે.
Transport Minister Harsh Sanghavi suspends #Anand ST Depo Manager against negligence towards his work#Gujarat #TV9News pic.twitter.com/kkhmYjRgxL
— Tv9 Gujarati (@tv9gujarati) December 23, 2023
માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ગુરુવારે (21 ડિસેમ્બર) ભાલેજ ઓવરબ્રિજ પાસેના પોલીસ આવાસના ઉદ્ઘાટન માટે આણંદની મુલાકાતે ગયા હતા. જે દરમિયાન તેમણે ઓચિંતા જ આણંદ નવા એસટી ડેપોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગંદકી, બેસવાના બાંકડાનો અભાવ અને સ્વચ્છતાનો અભાવ જોયો હતો. એ ઉપરાંત ત્યાં ડેપો મેનેજર પણ ગેરહાજર હતા. હર્ષ સંઘવીએ ત્યાં હાજર કર્મચારીઓનો આ બધા મુદ્દાઓને લઈને ઉધડો લીધો હતો. જે બાદ ત્યાંનાં ડેપો મેનેજરને સસ્પેન્ડ કરીને નડિયાદ બદલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પેટલાદ ડેપો મેનેજરને સોંપવામાં આવ્યો ચાર્જ
વિભાગીય નિયામક સીડી મહાજને જણાવ્યું હતું કે, ગાંધીનગર વડી કચેરીએ આણંદ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સામે ખાતાકીય પગલાં ભરીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. સાથે જ તેમની નડિયાદ વિભાગીય ડિવિઝન ખાતે બદલી કરી દેવામાં આવી છે. પેટલાદ ડેપો મેનેજર બી.ડી રબારીને આણંદ ડેપો મેનેજર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ હર્ષ સંઘવીની આકસ્મિક મુલાકાત બાદ ગણતરીના કલાકોમાં જ નડિયાદ એસટી વિભાગીય નિયામક સીડી મહાજન સહિતની ટીમનો કાફલો વહેલી સવારે આણંદ ડેપો પર હાજર થઈ ગયો હતો.
જેના લીધે ગેરહાજર રહેતા કર્મચારીઓ પણ એકાએક હાજર થઈ ગયા હતા. નિયામકે તાત્કાલિક ધોરણે નવા ડેપોમાં સીસીટીવી કેમેરા નખાવવાની કામગીરી હાથ ધરી હતી. એ ઉપરાંત જૂના બાંકડાની જગ્યાએ નવા બાંકડા પણ મૂકવામાં આવ્યા હતા. જૂના અને નવા ડેપો પર રહેલી તમામ બસોની પણ સાફસફાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત શૌચાલયથી લઈને ડેપોના ગેટ સુધીની સફાઈ કરવામાં આવી હતી.