કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને પરત ખેંચવા જઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પરના પ્રતિબંધને પરત ખેંચવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં આવેલી સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવવા માટે અધિકારીઓને નિર્દેશ અપાયા છે. કર્ણાટક ભાજપે આ બાબતે કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે.
શુક્રવારે (22 ડિસેમ્બર) કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પરત ખેંચવા માટેના નિર્દેશ જારી કર્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ વ્યક્તિને તેની પસંદના કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિએ તેને ગમતા કપડાં પહેરવાનો અધિકાર છે. મે કર્ણાટકમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવવા માટે નિર્દેશ આપ્યા છે. PM મોદીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો નારો નકલી છે.” તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું, “ભાજપ પરિધાન અને જાતિના આધારે લોકો અને સમાજને તોડવાનું કામ કરી રહી છે.”
ಪ್ರಧಾನಿ @narendramodi ಅವರ ಸಬ್ ಕಾ ಸಾಥ್-ಸಬ್ ಕಾ ವಿಕಾಸ್ ಎನ್ನುವುದು ಬೋಗಸ್. ಬಟ್ಟೆ, ಉಡುಪು, ಜಾತಿ, ಆಧಾರದ ಮೇಲೆ ಜನರನ್ನು ವಿಭಜಿಸುವ, ಸಮಾಜವನ್ನು ಒಡೆಯುವ ಕೆಲಸವನ್ನು @BJP4India ಮಾಡುತ್ತಿದೆ. ಹಿಜಾಬ್ ನಿಷೇಧವನ್ನು ವಾಪಾಸ್ ಪಡೆಯಲು ತಿಳಿಸಿದ್ದೇನೆ.#Hijab pic.twitter.com/EIHU5V7zas
— Siddaramaiah (@siddaramaiah) December 22, 2023
નોંધનીય છે કે, આ વર્ષે ઓકટોબર મહિનામાં જ કર્ણાટકની કોંગ્રેસ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારથી એવી રાજકીય અટકળો ચાલી રહી હતી કે, કર્ણાટક સરકાર રાજ્યમાં હિજાબ પર લગાયેલા પ્રતિબંધને હટાવશે. જે બાદ શુક્રવારે (22 ડિસેમ્બર) કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ હિજાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પરત ખેંચવાના નિર્દેશ કર્યા છે.
કર્ણાટક ભાજપે સાધ્યું નિશાન
બીજી તરફ ભાજપે કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધ હટાવવા મુદ્દે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે તેના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે,, “સિદ્ધારમૈયાની ગેરંટી તમામ જાતિઓ વચ્ચે રહેલા શાંતિના બગીચામાં ધર્મનાં ઝેરીલાં બીજ વાવવાની છે. બાળકોમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે સ્કૂલો અને કોલેજોમાં એક સમાન નીતિ લાગુ કરવામાં આવી છે. આ નીતિને સુપ્રીમ કોર્ટે પણ માન્ય ગણી છે.”
ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ ತೋಟದಲ್ಲಿ ಧರ್ಮದ ವಿಷ ಬೀಜ ಬಿತ್ತುವುದೇ ಮಜವಾದಿ @siddaramaiah ಅವರ ಗ್ಯಾರಂಟಿ.
— BJP Karnataka (@BJP4Karnataka) December 22, 2023
ಶಾಲೆ – ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳು ಸಮಾನತೆಯಿಂದ ಕೂಡಿರಬೇಕು ಎಂದೇ ಸಮವಸ್ತ್ರ ನೀತಿಯನ್ನು ಜಾರಿಗೊಳಿಸಲಾಗಿದೆ. ಇದನ್ನು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಸಹ ಎತ್ತಿ ಹಿಡಿದಿದೆ.
ಆದರೆ, ಶಾಲಾ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಮನಸ್ಸಲ್ಲಿ ಸಮವಸ್ತ್ರ ವಿಚಾರವಾಗಿ… https://t.co/L4vtHXNPF7
ભાજપે વધુમાં લખ્યું કે, “પરંતુ મુખ્યમંત્રી પોશાકના મુદ્દાને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓના મનમાં મતભેદ પેદા કરી રહ્યા છે. સિદ્ધારમૈયા PFIના ગુંડા અને લઘુમતીઓને ખુશ કરવા માટે, વોટ બેન્ક માટે બંધારણમાં જ સંશોધન કરવા જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જનતા પોતે જ તેમને પાઠ ભણાવશે.”
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કર્ણાટકમાં હિજાબને લઈને મોટો વિવાદ થયો હતો. અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને આવતી રોકવામાં આવતાં સમગ્ર રાજ્યમાં મુદ્દો ચગ્યો હતો. સંસ્થાઓનું કહેવું હતું કે તેમના ચોક્કસ યુનિફોર્મ છે અને દરેક વિદ્યાર્થી તેનું પાલન કરે તે જરૂરી છે. પછીથી મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે આદેશને યથાવત રાખતાં કહ્યું હતું કે હિજાબ એ જરૂરી ઇસ્લામી પ્રથાનો ભાગ નથી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જ્યાં બે અલગ-અલગ ચુકાદા અપાતાં મોટી બેન્ચને રિફર કરવામાં આવ્યો હતો.