ઝારખંડમાં પ્રતિબંધિત સંગઠનના માઓવાદીઓએ ચાઈબાસા નજીક રેલ્વે ટ્રેક પર બોમ્બ વિસ્ફોટ કરી તેને ઉડાવી દીધો છે. જેના કારણે રેલવે વ્યવહાર ઠપ થઇ ગયો હતો. ઘટનાની જાણ બાદ રેલવે તંત્રએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે માઓવાદીઓએ પોસ્ટરો પણ લગાડ્યા હતા.
મળતી માહિતી મુજબ ઝારખંડમાં માઓવાદી સંગઠન ભાકપા, કે જેના પર સરકારે પ્રતિબંધ લગાવેલો છે. તેને 22 ડિસેમ્બર 2023ના ભારત બંધનું આહ્વાહન કર્યું હતું. પરંતુ બંધ શરૂ થાય તે પહેલાં જ આ માઓવાદી સંગઠને ચાઈબાસા નજીક રેલ્વે ટ્રેકને બોમ્બ વિસ્ફોટકનો ઉપયોગ કરી ઉડાવી દીધો હતો. માઓવાદીઓએ ચક્રપુર રેલ ડિવીઝનમાં આવતા ગોઈલકેરા અને પસૌતા રેલવે સ્ટેશનો વચ્ચે આવેલા પોલ નંબર 356/29એ અને 31એને અડીને આવેલી થર્ડ લાઈનમાં વિસ્ફોટ કર્યો હતો. રેલવે ટ્રેક પર થયેલા વિસ્ફોટના કારણે હાવડા-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. જેના કારણે રેલવે વ્યવહાર ઠપ થઇ ગયો હતો.
માઓવાદી સંગઠન ભાકપાએ ગુરુવારે (21 ડિસેમ્બર 2023) રાતના અંદાજે 9 વાગ્યની આસપાસ આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ રેલવે તંત્રએ તત્કાલ કાર્યવાહી કરતા ટ્રેન નંબર 18030 શાલીમાર-કુર્લા એક્સપ્રેસને ગોઈલકેરા રેલવે સ્ટેશન પર જ રોકી દીધી હતી. આ બનાવ બાદ મોડી રાત સુધી ટ્રેનોની અવરજવર બંધ રહેતા રેલવે વ્યવહાર અટવાયો હતો.
ઘટનાની જાણકારી વિસ્ફોટ થયો તેની બીજી લાઈન પરથી નીકળેલી ગુડ્સ ટ્રેનના કર્મચારીઓ દ્વારા રેલવે તંત્રને આપવામાં આવી. ઘટના ગંભીર હોવાથી તે રૂટની બધી જ ટ્રેનોને તત્કાલ રોકી દેવામાં આવી હતી. જે પછી આરપીએફ અને તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વિસ્ફોટની ઘટના બાદ સીનીયર ડીએસએમ ગજરાજ સિંધે રોકવામાં આવેલી ટ્રેનોની લીસ્ટ જાહેર કરી હતી.
ગુજરાતમાં રેલવે ટ્રેક મુકાયા હતા પથ્થરો, ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
આવી જ એક ઘટના ગુજરાત જોવા મળી હતી. ગુજરાતમાં 17 ડિસેમ્બર 2023ના રોજ નડિયાદ અને ગોઠાજ વચ્ચેના રેલવે ટ્રેક પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 5થી 6 કિલો વજનના પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. આવું કરવા પાછળનો ઈરાદો ટ્રેક પર આવતી ટ્રેનને ઉથલાવી દેવાનો હતો. પરંતુ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેન સાથે આ પથ્થરો અથડાતા પથ્થરો ખસી ગયા હતા. જેથી દુર્ઘટના ટળી ગઈ હતી. પથ્થરો મુકેલાં ટ્રેક પર પસાર થતી ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને ટ્રેન સાથે કૈક અથડાયું હોવાનો આભાસ થતા જ તેણે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આ વિષયે જાણ કરી હતી.