કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ડિસેમ્બરથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપને ભવ્ય જીત મળ્યા બાદ પ્રથમવાર ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે. સૌથી પહેલાં તેઓ અમદાવાદના સાણંદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે વિકસિત ભારતની સરકારની વ્યાખ્યા જણાવી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં આવેલા પરિવર્તન વિશે પણ વાત કરી હતી. સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલા નોંધપાત્ર પરિવર્તનને ટાંકીને તેમણે કહ્યું હતું કે, “2002માં હુલ્લડ કરનારાઓને PM મોદીએ એવો પાઠ ભણાવ્યો હતો કે આજ સુધી કોઈ એવી હિંમત કરી શક્યું નથી.”
ચાંગોદર, સાણંદ (ગુજરાત) ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'માં જનતા સાથે સંવાદ… https://t.co/W5WTKGanLH
— Amit Shah (@AmitShah) December 16, 2023
શનિવારે (16 ડિસેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કરશે. જે દરમિયાન તેમણે સૌ પ્રથમ અમદાવાદના સાણંદ ખાતે ચાંગોદરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત જનતા સાથે સંવાદ કર્યો હતો. તેમણે સંબોધનમાં સરકાર માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની પરિભાષા શું છે તે વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતના રોડ-રસ્તાઓમાં આવેલા પરિવર્તન વિશે પણ વાત કરી હતી. ગુજરાતના વિકાસથી લઈને દેશના વિકાસ સુધીની વાતોમાં તેમણે PM મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2002માં ગુજરાતમાં હુલ્લડ થયું હતું હતું, જે બાદ PM મોદીએ હુલ્લડ કરનારાઓને એવો પાઠ ભણાવ્યો કે આજ સુધી કોઈએ હુલ્લડ કરવાની હિંમત નથી કરી.
ગુજરાતની પરંપરાને આગળ વધારવાનું કામ છે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, “ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ BJPએ કર્યું છે.” તેમણે ઉમેર્યું કે, “ગુજરાતમાં શાંતિ, વિકાસ, સમૃદ્ધિ અને ગરીબમાં ગરીબ માણસને ઊભો કરવા માટેની મદદ કરવાનો આ વિશ્વાસ જેવી PM નરેન્દ્ર મોદીએ જે પરંપરા ઊભી કરી છે. તે પરંપરાને આગળ વધારવાનું કામ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.” આ ઉપરાંત તેમણે વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવા માટે યુવાનોને હાકલ કરી હતી.
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે સરકારની ઉપલબ્ધિ જણાવતા કહ્યું હતું કે, પહેલાં દેશમાં રોજ બોમ્બ ધડાકા થતાં હતા. હવે PM મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. આ ઉપરાંત અમિત શાહે આર્ટીકલ 370 હટાવવાના પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ સિવાય તેમણે રામ મંદિર, ચંદ્રયાન-3 મિશન અને ઔધોગિત વિકાસમાં ભારતનું મજબૂત કદ હોવાની વાત કહી હતી.