Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાઆત્મશ્લાઘા, તથ્ય વગરના સવાલો, પાયાવિહોણી દલીલો…: 'પાર્ટટાઇમ પત્રકાર' ઈસુદાન ગઢવીનો નવો શો...

    આત્મશ્લાઘા, તથ્ય વગરના સવાલો, પાયાવિહોણી દલીલો…: ‘પાર્ટટાઇમ પત્રકાર’ ઈસુદાન ગઢવીનો નવો શો એટલે- પ્રોપગેન્ડા વહી, સોચ નઈ

    તેમનો શો જોશો તો સમજાય જશે કે આ નવો શો બીજું કશું જ નહીં પરંતુ પ્રોપગેન્ડા ફેલાવવાનું એક સાધન માત્ર છે. તેમાં તેઓ એ જ કરે છે જે કામ એક પાર્ટીના નેતાનું છે, પરંતુ થોડી જુદી રીતે કારણ કે ત્યાં તટસ્થતા અને નિષ્પક્ષતાનો અંચળો ઓઢી રાખ્યો હોય છે. 

    - Advertisement -

    સ્ટુડિયોમાં બેસીને બૂમબરાડા પાડવા અને જાણ્યા-સમજ્યા વગર સવાલો કરીને ક્રાંતિકારી બની જવું એ સૌથી સરળ કામ છે. તેમાં વધુ મહેનતની જરૂર પડતી નથી. મહેનત જે-તે બાબતમાં ઊંડો અભ્યાસ કરીને જાણવા-સમજવામાં પડે છે. સરકારને સવાલો ચોક્કસ કરવા જોઈએ, પણ જે દલીલો આપવામાં આવે તેમાં તથ્ય હોવું જોઈએ. તો જ વાતમાં વજન પડે, સાંભળનારા કે વાંચનારા ગંભીરતાથી લે. નહીં તો શું થાય તેનું ઉદાહરણ પત્રકારમાંથી રાજકારણી અને હવે રાજકારણીમાંથી ફરી પાર્ટટાઇમ પત્રકાર બનેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો શો ‘શંખનાદ’ છે. 

    આમ તો જ્યારે જાહેરાત કરી ત્યારે અને શોમાં પણ ઘણી વખત ઈસુદાન એવું કહેતા જોવા મળ્યા કે તેઓ અહીં એક નેતા તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે લોકોનો અવાજ ઉઠાવવા માટે આવ્યા છે અને લોકો માટે લડશે. પરંતુ તાજેતરમાં પ્રસારિત થયેલો તેમનો શો જોશો તો સમજાય જશે કે આ નવો શો બીજું કશું જ નહીં પરંતુ પ્રોપગેન્ડા ફેલાવવાનું એક સાધન માત્ર છે. તેમાં તેઓ એ જ કરે છે જે કામ એક પાર્ટીના નેતાનું છે, પરંતુ થોડી જુદી રીતે કારણ કે ત્યાં તટસ્થતા અને નિષ્પક્ષતાનો અંચળો ઓઢી રાખ્યો હોય છે. 

    ઈસુદાન ગઢવીએ ગુરુવારથી GSTV પર પોતાના શો ‘શંખનાદ’ની શરૂઆત કરી. શુક્રવારે (15 ડિસેમ્બર) તેમણે એક કાર્યક્રમ કર્યો, જેનું શીર્ષક છે- ‘પ્રતિબંધથી પાયમાલ’. શોનો વિષય એવો છે કે તાજેતરમાં ડુંગળીના ભાવો વધી રહ્યા છે. તેને જોતાં કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખેડૂતો પણ આ પગલાનો વિરોધ કરી રહ્યા છે. આ વિષય પર ઈસુદાન ગઢવી અને તેમની સાથે 4 પેનલિસ્ટે 55 મિનીટ સુધી ચર્ચા કરી છે. 

    - Advertisement -

    કાર્યક્રમની શરૂઆતમાં ઈસુદાન ગઢવી લોકો માટે અવાજ ઉઠાવવાની અને મરી મિટવાની વાતો કર્યા કરે છે. જનતા માટે અવાજ ઉઠાવવા માટે ડબલ રોલમાં આવ્યા હોવાનું અને બીજું ઘણું કહે છે જે, જેને સાદી અને સરળ ભાષામાં આત્મશ્લાઘા કહેવાય. વધુ થોડું સરળ કરીએ તો ફાંકા ફોજદારી. આ બધા પછી તેઓ મૂળ મુદ્દાની વાત પર આવીને સિસ્ટમ પર સવાલ કરવા માંડે છે અને કહે છે કે આ કેવી ખોખલી સિસ્ટમ છે કે ખેડૂતોના ખેતરમાં પાક આવે એટલે નિકાસ બંધ કરી દેવાની? 

    વાસ્તવિકતા એ છે કે સરકારે ખેડૂતોના ખેતરમાં પાક આવે એટલે નિકાસ બંધ નથી કરી, પણ ભાવ નિયંત્રણમાં લેવા માટે તેમજ જથ્થો જળવાય રહે અને ભારતીય ગ્રાહકોને યોગ્ય કિંમતે ઉત્પાદન મળી શકે તે માટે નિર્ણય લીધો છે. રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, “સરકારે ખેડૂતો અને ગ્રાહકો બંનેનાં હિતો જળવાય રહે તે માટે કાળજીપૂર્વક કામ કરવું પડે છે. ચિંતા થાય તે હું સમજી શકું છું પરંતુ જો પાકમાં ઘટાડો થાય અને માર્કેટમાં જો ડુંગળી જેવી જરૂરી ચીજ મેળવવામાં મુશ્કેલી પડે તો અમારે એ સુનિશ્ચિત કરવું પડે કે ભારતીય ગ્રાહકોને પ્રાથમિકતા મળે અને તે માટે અમારે આ પ્રકારનાં પગલાં લેવાં પડ્યાં છે.” 

    વિપક્ષનો ‘ઉદ્યોગપતિઓ’ વિરુદ્ધનો નેરેટિવ આગળ વધારવાનો પ્રયાસ 

    આગળ ઈસુદાન ગઢવી એ જ નેરેટિવને આગળ વધારવાનો પ્રયાસ કરે છે જે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ વર્ષોથી ચલાવતી આવી છે. જેમાં એ આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થાય છે, જેના ઈસુદાન ગઢવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બની બેઠા છે. ઈસુદાન કહે છે કે, ખેડૂતોએ ચૂંટણી આવે ત્યારે એક થવાની જરૂર છે. પરંતુ નક્કી ઉદ્યોગપતિઓ કરે છે, ફંડ તેઓ આપે, ભાવ તેઓ નક્કી કરે. 

    નરેન્દ્ર મોદીને કોઇ રીતે વ્યક્તિગત રીતે ટાર્ગેટ થઈ શકે તેમ નથી એટલે કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓ આ ઉદ્યોગપતિઓવાળું તૂત લઇ આવી છે. કાયમ એવા આરોપો લગાવતી રહે છે કે મોદી માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરતા રહે છે અને જનતાની તેમને કોઇ ચિંતા નથી. દર ચૂંટણી પહેલાં આ ભૂત ધૂણે છે અને મોટાભાગની ચૂંટણીઓમાં વિપક્ષો ઉંધા માથે પછડાટ ખાય છે. છતાં હજુ પણ આ નેરેટિવ મૂક્યો નથી. 

    ‘પોલીસનો ઉપયોગ વિરોધને દબાવવામાં થાય છે’ કહેવામાં એ ભૂલી ગયા કે પંજાબની AAP સરકાર પણ આવું કરે છે 

    સાથે તેઓ એમ પણ કહે છે કે જ્યારે કોઇ વિરોધ કરવાના પ્રયાસ કરે ત્યારે પોલીસનો ઉપયોગ કરીને તેને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ મજાની વાત એ છે કે જે પાર્ટીના તેઓ નેતા છે, જેનું પંજાબમાં શાસન છે તે પાર્ટીની સરકાર પણ આવું કરે છે. 2 જુલાઈ, 2023ની જ વાત છે, જ્યારે પંજાબ CM ભગવંત માનના ઘર પાસે શિક્ષકોએ પ્રદર્શન કર્યું હતું ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને તેમને ભગાડી દીધા હતા. 30 નવેમ્બર, 2022ના દિવસે જ્યારે લેબર યુનિયને પ્રદર્શન કર્યું હતું ત્યારે પણ AAP શાસિત પંજાબની પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 

    વાઈબ્રન્ટ ગુજરાત સાથે હાસ્યાસ્પદ સરખામણી 

    આગળ AAP નેતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ટાર્ગેટ કરીને હાસ્યસ્પદ વાત કરી નાખે છે. તેઓ કહે છે કે, જો સરકાર વાઈબ્રન્ટ ગુજરાત કરી શકતી હોય તો વાઈબ્રન્ટ કૃષિ કેમ નહીં? પરંતુ દેખીતી વાત છે કે આ બંને ભિન્ન બાબતો છે. તેને કશું જ લાગતું-વળગતું નથી. આજે ગુજરાતનો વિકાસ જે દેખાય છે તેમાં મુખ્યમંત્રી રહેતાં નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી આ સમિટનો પણ મોટો ફાળો છે. આ જ સમિટના ફૉર્મેટને હવે અન્ય રાજ્યો પણ અનુસરતાં થયાં છે. સમિટને તેની સાથે જોડવી અને આવા સવાલો કરવા એ પૂરતી સમજ અને જ્ઞાનનો અભાવ દર્શાવે છે. 

    કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી પરત ખેંચી લેવામાં આવેલા કાયદાને લઈને પણ ભ્રમ ફેલાવતા જોવા મળ્યા હતા. તેઓ કહે છે, “માની લો કે ઉદ્યોગપતિઓએ અત્યારે જમીન લઇ લીધી હોત અને પેલા ત્રણ કાયદા આવ્યા હતા અને તેમાં નક્કી થયું હોત કે ગુજરાતની જમીન 5 ઉદ્યોગપતિઓ વાવે. તો ડુંગળીના શું ભાવ હોત?” અહીં નોંધવાનું એ છે કે કૃષિ કાયદાઓમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઇ જરૂર હતી, પણ તેનો અર્થ એવો ન કાઢી શકાય કે ગુજરાતની જમીન 5 ઉદ્યોગપતિઓ હસ્તક થઈ જશે. જો તે લાગુ થયું હોત તો તેનું માળખું બન્યું હોત અને ખેડૂત અને જે-તે કંપની વચ્ચે રીતસરના કરાર કરવામાં આવ્યા હોત. 

    સરકારે ડુંગળીના ભાવ નિયંત્રિત કરવા શું પગલાં લીધાં?

    આમ આદમી પાર્ટીના નેતા એવું પણ બોલે છે કે સરકાર શું પીપૂડી વગાડવા માટે બનાવવામાં આવી છે? તેમની પાર્ટીનાં જ્યાં શાસન છે તે 2 રાજ્યોનો તેમને અનુભવ હોય તો ખબર નહીં પણ ડુંગળીના ભાવો નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્રની મોદી સરકારે શું પગલાં લીધાં તે માહિતી તો પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. એટલે ખરેખર જે વ્યક્તિ નિષ્પક્ષ હોય તેણે બંને પાસાંની ચર્ચા કરવી પડે. માત્ર સરકારને સવાલો કર્યા કરવા એ નિષ્પક્ષતા નથી, સાથે એ પણ જોવું પડે કે જે-તે મુદ્દાને લઈને સરકારે શું કર્યું છે. ત્યારબાદ લાગે કે સરકારનાં કામમાં ઉણપ છે તો તેની ઉપર સવાલો થઈ શકે. 

    ડુંગળીના ભાવો વધી રહ્યા છે તે વાસ્તવિકતા છે, પરંતુ તેની પાછળનાં કારણો પણ તપાસવાં પડે. અહીં ચોમાસાનું મોડું આગમન અને આ વર્ષની શરૂઆતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે પાકને થયેલ નુકસાન મૂળ રીતે જવાબદાર છે. ખેડૂતો ડિસેમ્બર-જાન્યુઆરીમાં રવિ પાક તરીકે ડુંગળી વાવે છે અને માર્ચ પછી લણણી કરે છે. ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે સંગ્રહ થઈ શકે તેમ છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાકને પણ ઘણું નુકસાન થયું અને સંગ્રહ માટે રાખવામાં આવેલ ડુંગળીનો પણ લગભગ 60 ટકા જેટલો જથ્થો ખરાબ થઈ ગયો. 

    ચોમાસું મોડું આવવાના કારણે જૂનમાં પાકની વાવણીમાં પણ વિલંબ થયો, જેથી ઓક્ટોબરમાં તે તૈયાર ન થઈ શક્યો. ઉપરાંત, સપ્ટેમ્બરમાં જે સામાન્ય રીતે ખરીફ પાક વાવવામાં આવે છે તેમાં પણ વિલંબ થયો. જેથી હાલ જે બજારમાં સંગ્રહવામાં આવ્યો છે તે માત્ર રવિ પાક જ છે. આ સપ્લાય ચેનમાં ગડબડ થવાના કારણે કિંમતોમાં વધારો થયો છે. સરકારે આમ તો જણાવ્યું છે કે તેમની પાસે સંગ્રહ છે, પરંતુ તે પણ જરૂરિયાત કરતાં ઓછો હોવાના કારણે આખરે નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. 

    એવું પણ નથી કે સરકાર સફાળી જાગી અને અચાનક પગલાં લેવામાં આવ્યાં. ગત ઓગસ્ટ મહિનામાં કેન્દ્રએ સ્થાનિક બજારોમાં ડુંગળીનું પ્રમાણ વધારવા માટે એક્સપોર્ટ ડ્યુટી 40 ટકા કરી દીધી હતી. તેમ છતાં વધુ ફેર ન પડ્યો તો ઓક્ટોબરના અંતમાં સરકારે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ 800 ડોલર પ્રતિ ટન કરવાનો નિર્ણય કર્યો. આ સિવાય નવેમ્બર સુધીમાં સરકારે 5 લાખ ટન ડુંગળીનો સંગ્રહ કરી લીધો હતો. આમ સમયે-સમયે વિવિધ પગલાં લેવાતાં જ રહ્યાં છે. 

    સમજવાની વાત એ છે કે દર વર્ષે પ્રાકૃતિક કારણોસર કે અન્ય કોઇ કારણને લીધે આવો સમય આવે છે જ્યારે અમુક પાક કે ચીજોના ભાવમાં વધઘટ જોવા મળે છે. સરકાર પોતાની રીતે નિર્ણયો લઈને નિયંત્રણમાં લાવી દે છે અને એક-બે મહિના પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જાય છે. અગાઉ પણ આવું બની ચૂક્યું છે. કંઈક આવી જ વાતો એક સાથી પેનલિસ્ટે પણ ઈસુદાન ગઢવીને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમણે ખાસ ધ્યાન ન આપ્યું. 

    અંતે AAP નેતાની પીડા છલકાઈ 

    કાર્યક્રમનો અંત આવતાં સુધીમાં ઈસુદાનની એક પીડા પણ છલકાઈ ગઈ. તેઓ કહેતા સંભળાય છે કે જે લોકો આટલી પીડા આપતા હોવા છતાં આપણે તેમને જ ફરીથી ચૂંટીને મોકલીએ છીએ. હવે આમ જોવા જઈએ તો એક નિષ્પક્ષ વ્યક્તિને કોણ કોને ચૂંટે છે તેની સાથે શું લેવાદેવા હોય? એક પાર્ટીના પ્રદેશ પ્રમુખને ચોક્કસ હોય શકે. 

    સમજવાની વાત એટલી જ છે કે ટ્વિટ-પોસ્ટમાં ‘ટાઇગર’ લખી દેવાથી કે બે-પાંચ માણસોના કહ્યામાં આવીને કશુંક કરી બતાવવાની લ્હાયમાં કેમેરા સામે આવીને બે-ચાર શાયરીઓ બોલી નાખવાથી ક્રાંતિ થતી નથી. એક પત્રકારનું કામ જુદું હોય છે અને એક નેતાનું જુદું. પત્રકાર નેતા બની શકતો નથી, નેતા પત્રકાર બની શકતો નથી. બંને એકબીજાનું કામ કરવા માંડે છે ત્યારે માણસ ઈસુદાન ગઢવી બની જાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં