વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં દુબઈના પ્રવાસે છે. અહીં તેમણે ભારતીય સમુદાય સાથે એક કાર્યક્રમમાં ચર્ચા કરતી વખતે ગુજરાતીઓ વિશે ટિપ્પણીઓ કરી હતી, જે ચર્ચામાં છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે ગુજરાતીઓ વચ્ચે રહીને કેવું લાગે છે?- જેનો જવાબ પછી તેમણે આપ્યો હતો.
EAM S. Jaishankar while speaking to students in Dubai on being asked about being surrounded by Gujarati people given PM and HM are from Gujarat ? – I like it … it’s for me quite interesting. We too had families from gujarat with whom we had family connections .. I find it a… pic.twitter.com/5ej6jgt87V
— DeshGujarat (@DeshGujarat) December 9, 2023
ચર્ચા દરમિયાન એક વિદ્યાર્થીએ વિદેશ મંત્રીને પૂછ્યું કે, તેઓ પણ ગુજરાતી રાજ્યસભા સાંસદ છે, તેમજ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાતી છે. તો ગુજરાતીઓ વચ્ચે રહીને તેમને કેવું લાગે છે? જવાબમાં એસ જયશંકરે કહ્યું કે, “મને બહુ ગમે છે. ભારતમાં તો દરેક ભાગમાં આપણા મિત્રો હોય છે. જીવનના વિવિધ તબક્કે મારા પણ ગુજરાત સાથે સંબંધો રહ્યા છે અને અનેક પરિવારો સાથે પણ અમારા સંબંધો હતા. પરંતુ સાંસદ તરીકે ચૂંટાયા બાદ જ્યારે હું ત્યાં જાઉં છું અને સ્વાભાવિક રીતે અન્ય રાજ્યો કરતાં ત્યાં જવાનું વધારે થાય છે, મને લાગે છે કે તેઓ (ગુજરાતીઓ) મળતાવડા છે.
આગળ કહ્યું કે, “ગુજરાતીઓ વૈશ્વિક રીતે સૌથી વધુ ફેલાયેલા છે. તેમનામાં એક અલગ આત્મવિશ્વાસ અને અભિગમ હોય છે. એક સમય એવો હતો કે ભારત પાસે સંસાધનો ન હતાં અને એટલી સુવિધાઓ ન હતી જેટલી આજે છે. તેમ છતાં ગુજરાતીઓ કપરા સંજોગોમાં પણ વિશ્વભરમાં ગયા અને ફેલાવો કર્યો. મને હંમેશા એવું લાગ્યું છે કે તેમનામાં સામુદાયિક એકતાની ભાવનાઓ થોડી વધુ છે.”
અંતે તેમણે હળવા મૂડમાં કહ્યું કે, “મને લાગે છે કે વિદેશ મંત્રી ગુજરાતથી ચૂંટાઈને આવે તે સ્વાભાવિક વાત છે.” ઉલ્લેખનીય છે ડૉ. એસ જયશંકર ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે. આ તેમની બીજી ટર્મ છે. તાજેતરમાં જ તેઓ ગુજરાતથી બિનહરીફ રાજ્યસભા સાંસદ ચૂંટાયા હતા. આ પહેલાંની ટર્મમાં પણ તેઓ ગુજરાતથી જ સાંસદ હતા.
Happy to interact with Indian students and young professionals in Dubai today.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 9, 2023
They will at the forefront of building a Viksit Bharat in the Amritkaal.
Shared perspectives on transformations in India and the impact it is having on everyday lives of Indians at home and abroad. pic.twitter.com/ajEujvaiDX
શનિવારે વિદેશ મંત્રીએ X પર એક પોસ્ટ કરીને આ કાર્યક્રમ વિશેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરીને આનંદ થયો. તેઓ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં અગ્રિમ પંક્તિમાં કામ કરનારા લોકો છે. તેમની સાથે ભારતમાં થઈ રહેલાં પરિવર્તનો વિશે અને તેની દેશ અને વિદેશમાં રહેતા ભારતીયોનાં દૈનિક જીવન પર થતી અસરો વિશે ચર્ચા કરી હતી.