શિયાળામાં શાળાએ આવતાં બાળકોને અમુક ચોક્કસ પ્રકારનાં જ સ્વેટર પહેરવા માટે દબાણ કરતી ખાનગી શાળાઓ પર રાજ્ય સરકારે લગામ કસી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને આદેશ આપ્યો છે કે શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકશે નહીં.
7 ડિસેમ્બર, 2023ના રોજ (ગુરૂવાર) નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવ્યો છે. જેમાં શિયાળામાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા માટે સૂચના આપવામાં આવી છે.
#Gujarat #gandhinagar
— Hiren (@hdraval93) December 7, 2023
શિયાળામાં શાળાઓ વિધ્યાથીઓ પાસે ચોક્કસ ગરમ કપડા પહેરવાનો આગ્રહ રાખી શકશે નહી
વિધ્યાર્થીઓ જે પણ ગરમ કપડા પહેરે તે માન્ય રાખવા પડશે
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જીલ્લાઓમા પત્ર કરી સુચના અપાઈ
ગયા વર્ષે બે વિધ્યાર્થીઓના થયા હતા મોત pic.twitter.com/67c8zoafjz
સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું કે, શિયાળાની ઋતુ શરૂ થઈ છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ઘરેથી જે ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવાં અને કોઇ પણ શાળા વિદ્યાર્થીને ચોક્ક્સ પ્રકારનાં ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ બાબતે પ્રાથમિક શાળાઓને જરૂરી સૂચના આપવા માટે આદેશ કર્યો છે.
આ પરિપત્ર અને સૂચનાને લઈને રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે શાળાઓને કોઇ પ્રકારની જડતા ન રાખવા માટે અપીલ કરી હતી અને કહ્યું કે, બાળક તેની ઈચ્છા અનુસાર ગરમ કપડાં પહેરીને શાળાએ જઈ શકશે.
તેમણે કહ્યું કે,“શાળાઓની અંદર પાતળાં સ્વેટર કે પછી કોઇ ચોક્કસ કપડાં પહેરવાનાં એવું ચાલશે નહીં પરંતુ વાલી તેમનાં બાળકને તેની રુચિ અનુસાર, જાડું સ્વેટર, ટોપી કે સ્કાર્ફ પહેરાવી શકશે.” તેમણે કહ્યું કે, “શાળા અને વાલીઓ વચ્ચે સમન્વય થાય અને કોઇ શાળા કે કોઇ વાલી એવી જડતા પણ ન રાખે કે આમ જ થવું જોઈએ.” આગળ ઉમેર્યું કે, “જો બાળકને પાતળાં સ્વેટરમાં અનુકૂળતા ન હોય તો વાલી તેને જાડાં કપડાં પહેરાવી શકશે અને આનો પરિપત્ર આજે થઈ ચૂક્યો છે.”
ઉલ્લેખનીય છે કે રાજ્યની ઘણી ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને અમુક જ પ્રકારનાં સ્વેટર પહેરવા માટે દબાણ કરતી હોય છે, જે ઘણી જગ્યાએ શાળા પાસેથી જ લેવાનાં હોય છે. પરંતુ જરૂરી નથી કે દરેક બાળકની પ્રકૃતિ સમાન હોય અને દરેકને એક પ્રકારનું જ કાપડ માફક આવે. જેથી બાળકો બીમાર પડવાના કિસ્સા પણ નોંધાતા રહે છે. જેના કારણે સરકારે આ વખતે પહેલેથી જ સાવચેતી રાખીને આ પ્રકારનો આદેશ જાહેર કરી દીધો છે જેથી શાળાઓ અવળચંડાઈ ન કરી શકે.