અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહેલા રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય અમદાવાદમાં થઇ રહ્યું છે. શ્રી અંબિકા એન્જીનીયરીંગ વર્કર્સ નામની કંપનીને આ કાર્ય સોપવામાં આવેલું છે. ત્યારે હાલમાં જ ANI સાથેના સંવાદમાં કંપનીના મુખ્ય નિર્દેશક ભરત મેવાડાએ રામ મંદિર માટે તૈયાર થઇ રહેલા ધ્વજદંડ વિશે વાત કરી હતી.
ANI સાથેના સંવાદમાં ભરત મેવાડાએ અયોધ્યા મંદિર માટે અમદાવાદમાં તૈયાર થઈ રહેલાં ધ્વજદંડ વિશે ચર્ચા કરતા જણાવ્યું, “અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેનું મોટાભાગનું બ્રાસનું કામ અમારા હાથમાં છે. જેનું કાર્ય અમારી કંપની કરી રહી છે. હાલ અમે ધ્વજદંડ બનાવી રહ્યાં છે. મંદિરમાં જે ધ્વજદંડ હોય છે એ એક પ્રકારે એન્ટીનાનું કાર્ય કરે છે. તે બ્રહ્માંડના ઉર્જા તરંગોને મંદિર સુધી પહોંચાડે છે. જે માટે તેને બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સંપૂર્ણ ધ્વજદંડ શુદ્ધ પિત્તળમાંથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. 44 ફૂટ લાંબા અને 9.5 ઇંચ પહોળા ધ્વજદંડને મુખ્ય શિખર પર લગાવવામાં આવશે.”
#WATCH | Gujarat: Bharat Mewada, MD of Shree Ambika Engineering Works (a company which has been assigned the construction work of the flag pole) says, "The work of constructing the flag poles for the Ram temple in Ayodhya has been assigned to us. The work is underway in full… pic.twitter.com/fNKykwnAq4
— ANI (@ANI) December 5, 2023
વધુમાં એમને જણાવ્યું, “ધ્વજદંડએ મંદિરની મુખ્ય મૂર્તિ બાદ સૌથી મહત્વની વસ્તુ છે. સંપૂર્ણ દંડને શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાવવામાં આવી રહ્યો છે. જેનું વજન 5,500 કિલોગ્રામ જેટલો છે.”
ક્યાં તૈયાર થઇ રહ્યો છે રામ મંદિરનો મુખ્ય ધ્વજદંડ
અયોધ્યામાં તૈયાર થઇ રહેલા મંદિરના મુખ્ય ધ્વજદંડનું કાર્ય અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થઇ રહ્યું છે. મુખ્ય દંડ સાથે બીજા 7 ધ્વજદંડો પણ તૈયાર થઇ રહ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને અને ઉંચાઈ 44 ફૂટ જેટલી છે. જયારે બીજા દંડો 700 કિલો અને 20 ફૂટ સુધીની ઉંચાઈ વાળા છે. અહેવાલો મુજબ મંદિરના મુખ્ય ધ્વજદંડને પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. જેમાં અંદાજે 15 હજાર કિલો પિત્તળનો ઉપયોગ થવાનો છે.
22 જાન્યુઆરીના રોજ PM મોદી કરશે મંદિરનું ઉદ્દઘાટન
5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરી રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો હતો. ભૂમિપૂજનને ત્રણ વર્ષ વીતી ગયા છે, મંદિરના નિર્માણની સાથે અયોધ્યાનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉદ્ઘાટન માટેની તારીખ 22 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે જેને હવે જુજ દિવસો બાકી છે. મંદિરનું મોટાભાગનું કાર્ય પણ પૂર્ણ થઇ ગયું છે.
22 જાન્યુઆરીનો દિવસ એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યુ છે. મંદિરના ઉદ્ઘાટન માટેની પૂર્વ તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. 7 દિવસ લાંબા યોજાનારા કાર્યક્રમમાં રામલલ્લાના અભિષેક સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાવાની છે. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે લગભગ 6 હજાર જેટલા મહેમાનો હાજર રહેવાના છે.