બિહારનો એક લોકસભા વિસ્તાર છે- મધુબાની. ભાજપના અશોક યાદવ અહીંના લોકસભાના સાંસદ છે. આ પહેલા તેમના પિતા હુકુમદેવ નારાયણ યાદવ સાંસદ હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન હુકુમદેવે તેમની ગરીબ પૃષ્ઠભૂમિનું માર્કેટિંગ કરતા રહ્યા અને તેમનો પરિવાર સમૃદ્ધ થતો ગયો. પરંતુ પિતા-પુત્ર પણ સાથે મળીને મધુબાની શહેરને નરક જેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી શક્યા નહીં.
મધુબનીને અડીને આવેલું છે દરભંગા. અહીંના ભાજપના સાંસદ ગોપાલજી ઠાકુર સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ધારાસભ્ય બન્યા બાદ ઠાકુર રાજકીય ઉથલપાથલમાં સરી પડ્યા હતા. કીર્તિ આઝાદના બળવાને કારણે તેમના માટે તક ઊભી થઈ અને તેઓ સંસદ પહોંચ્યા. પરંતુ દરભંગાના દિવસો ન બદલાયા. પાર્ટીની અંદરના લોકોનું કહેવું છે કે તે ગમે તેટલું ખાય પણ તેમનું (ઠાકુરજી) પેટ નથી ભરાતું. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સહુથી મોટી ઉપલબ્ધી માત્ર એટલી જ છે કે તેમને જે પણ ગરદન મળે તેમાં તેઓ ‘મખાના ની માળા’ પહેરાવી દે છે.
મધુબની જિલ્લાનો જ એક સંસદીય મતવિસ્તાર છે- ઝાંઝરપુર. રામપ્રીત મંડલ અહીંથી જેડીયુના સાંસદ છે. હા, એ અલગ વાત છે કે મંડલની ‘અતિ સક્રિયતા’ના કારણે ઝાંઝરપુરના લોકોને પોતાના સાંસદનું નામ પણ યાદ નથી રહેતું.
2019માં આ બધા જ મોદીના નામે જીત્યા હતા. પરંતુ વિજય બાદ તેમણે પોતાના કર્મોથી ‘અકર્મણ્યતા’ની એક નવી ગાથા લખવાનું કામ કર્યું. આવું કરનારમાં માત્ર આ ત્રણ સાંસદો જ નથી. એવું પણ નથી કે આવા સાંસદો માત્ર ભાજપમાં જ છે. નિશિકાંત દુબે જેવા બહુ ઓછા નામ છે, જેઓ માત્ર વિકાસ યોજનાઓને જ પોતાના મતવિસ્તારમાં લાવ્યા એલતું જ નહીં, પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે તે સમયસર જમીની સ્તરે ઉતારવામાં આવે.
આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું આ સાંસદોની નિષ્ક્રિયતા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને નુકસાન પહોંચાડશે? તો તેનો જવાબ છે- ના. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે આ નિષ્ક્રિયતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ભારે પડ્યો છે. આ જાદુ સતત મજબૂત થતો જઈ રહ્યો છે. આ જાદુ ભાજપને 2024માં 2019 કરતા મોટો જનાદેશ આપી શકે છે. મોદી મેજીકથી 2024માં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડવા સક્ષમ છે.
પીએમ મોદીનો આ જાદુ દર વર્ષે મજબૂત થવાનું કારણ તેવી જનકલ્યાણકારી યોજનાઓ છે, જેનો લાભ સામાન્ય લોકોને બેંક ખાતા કે ઘરના રસોડામાં સીધો જોવા મળે છે. આ સાથે જ ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જે ચૂંટણી લડવાનું પણ જાણે છે અને તેને જીતતા આવડે છે.
2014ની સામાન્ય ચૂંટણીઓ બાદથી જ ભાજપના સતત વખાણ થતાં રહ્યાં છે કે તેનું તંત્ર ચૂંટણી લડવા માટે હંમેશા તત્પર રહે છે. ચૂંટણી જીત્યા પછી તેના નેતાઓ ઉજવણી કરવા માટે અટકતા નથી, પરંતુ બીજા મોરચે નીકળી પડે છે. સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપની ટોચની નેતાગીરી પોતાની તમામ તાકાત લગાવીને પરિણામની ચિંતા કર્યા વિના જ યુદ્ધની જેમ ચૂંટણી લડે છે એ વાતની પણ પ્રશંસા કરવામાં આવે છે.
પરંતુ આ પ્રશંસાઓ વચ્ચે ભાજપના તે સાહસિક નિર્ણયોનો ઉલ્લેખ ખૂબ ઓછો જ થાય છે, જેનો ઉલ્લેખ કરવામાં કોઈ પણ પરાજકીય પાર્ટીના શ્વાસ ફૂલી જાય છે. દાખલા તરીકે, 2018ની દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીએ તમામ કાઉન્સિલરોની ટિકિટ કાપી હતી. આ કાઉન્સિલરોના પરિવારના સભ્યોને પણ ટિકિટ નહોતી આપવામાં આવી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી દરમિયાન તમામ સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. આમાં આ રાજ્યના પાર્ટીના સૌથી મોટા નેતા અને ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા રમણ સિંહના સાંસદ પુત્ર પણ સામેલ હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પાર્ટીએ 44 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. આ વખતે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં માત્ર સાંસદો જ નહીં, પરંતુ મોદી કેબિનેટના કેટલાક સભ્યોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
હિંમતભેર નિર્ણયો લેનારી આજની ભાજપ પણ પોતાની ભૂલોમાંથી પણ શીખતી નજરે પડે છે. સપ્ટેમ્બર 2023માં ઑપઇન્ડિયાએ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે કેવી રીતે તેલંગાણામાં સતત આગળ વધી રહેલા ભાજપના પગ અચાનક પાછા પડવાનું શરૂ થયું અને તેની જગ્યા કોંગ્રેસ લેવા લાગી. 3 ડિસેમ્બર 2023ના રોજ તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ દર્શાવે છે કે ભાજપે આ રાજ્યમાં ઘણી મોટી વ્યૂહાત્મક ભૂલો કરી હતી. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ભાજપના નેતૃત્વને પણ આ ભૂલ સમજાઈ ગઈ હતી. આ જ કારણ છે કે જે પરિસ્થિતિઓના કારણે બંદી સંજયને તેલંગાણાથી હટાવી લીધા, બસ તેવી જ પરિસ્થિતિઓ તમિલનાડુમાં બન્યા બાદ અન્નામલઈને ન હટાવ્યા.
પરંતુ માત્ર નિર્ણયો અને રણનીતિથી જ ચૂંટણીઓ નથી જીતી શકાતી. સામાન્ય મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ‘આશા’ની જરૂર હોય છે, આશા સારા દિવસોની. કેટલાક ચહેરાઓ આ આશા જગાડે છે. એ યોજનાઓ આશા જગાડે છે જેનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે છે અને તેઓ પોતાના રોજ-બરોજના જીવનમાં તેનાથી બદલાવ અનુભવે છે અને ભવિષ્યમાં વધુ સુધારાઓ થશે તેવા સપના જોવે છે.
ભાજપે આશા જગાડનારો ચહેરો 13 સપ્ટેમ્બર 2013ના રોજ શોધી લીધો હતો, જ્યારે તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. મોદીએ સામાન્ય લોકોના મનમાં ‘અચ્છે દિન આને વાલે હૈં’ની આશા જગાવીને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ તેઓ ‘અચ્છે દિન’ લાવવાવાળી યોજનાઓ લાવ્યા અને તેના પરિણામો 2019માં ત્યારે દેખાયા જયારે ભાજપ સામાન્ય ચૂંટણીઓમાં 303 બેઠકો જીતી.
મોદી સરકાર ગરીબોને બેન્કિંગ સિસ્ટમમાં સામેલ કરવા માટે ‘જનધન યોજના’ લાવી. આ ખાતું ઝીરો બેલેન્સ પર ખુલે છે અને તેમાં ચેકબુક ઉપરાંત પાસબુક, અકસ્માત વીમો, ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. ઓવરડ્રાફ્ટ સુવિધાના કારણે જનધન ખાતાધારકો બેલેન્સ ન હોવા છતાં પણ પોતાના ખાતામાંથી 10 હજાર રૂપિયા ઉપાડી શકે છે. આ યોજનાથી અત્યાર સુધીમાં લગભગ 51 કરોડ લોકોને લાભ મળ્યો છે. કોવિડ સંકટ જેવા સમયમાં આ યોજના ગરીબોને સીધા પૈસા પહોંચાડવા માટે પણ કામમાં આવી હતી.
કોવિડ મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશન એટલે કે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં તેને 2028 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર મહિને 80 કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત ગરીબોના રસોડામાં ગેસ સિલિન્ડર આપવા માટે ‘ઉજ્જવલા યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં બીપીએલ કાર્ડ ધારકોને મફત ગેસ કનેકશન મળે છે. સબસિડીવાળા દરે લોકોને એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સબસિડી સીધી બેંક ખાતામાં જમા થાય છે. 1 માર્ચ 2023 સુધીમાં 9.60 કરોડ લોકોને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. આગામી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ 75 લાખ નવા જોડાણો આપવાનો લક્ષ્યાંક છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના નાના, લઘુ અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. લગભગ આઠ કરોડ ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. એ જ રીતે શ્રમિકો માટે ‘પીએમ વિશ્વકર્મા યોજના’ લાવવામાં આવી છે. આના પર 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
આ સિવાય 10 કરોડથી વધુ શૌચાલય બનાવવાના હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના. ઘર-ઘરમાં વીજળી અને પાણી પહોંચાડવાની યોજના હોય કે પછી ગરીબોની સારવાર માટે લાવવામાં આવેલ આયુષ્યમાન ભારત. અથવા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના… છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે શરૂ કરેલી તમામ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે.
2014માં સામાન્ય લોકો માટે આશાઓ લઈને આવેલા વડાપ્રધાન મોદીને વર્ષ-દર વર્ષ મજબૂત બનાવનારી આ યોજનાઓ જ છે, કારણકે તેની અસર સામાન્ય લોકોના રોજ-બરોજના જીવનમાં દેખાઈ રહી છે. તેમનું જીવન સરળ બની રહ્યું છે. આ યોજનાઓ થકી જ પીએમ મોદીએ એક એવી વોટ બેંક તૈયાર કરી છે, જેના સામે જાતિય/ક્ષેત્રીય/મઝહબી સમીકરણો દમ તોડી દે છે. દર વર્ષે આ યોજનાઓની અસર વધતી જઈ રહી છે. જેના કારણે મોદીનો જાદૂ પણ અસરદાર થતો જઈ રહ્યો છે. તેવામાં જયારે લોકો મતદાન કરવા જાય છે ત્યારે અકર્મણ્ય સાંસદોને ભૂલી જાય છે, કારણકે તેમને સામે મોદીનો ચહેરો દેખાય છે. તેઓ એવા રાજ્યોમાં પણ ભાજપને સત્તા આપી રહ્યા છે, જ્યાં રાજકીય પંડિતો અઘરો મુકાબલો કે ભાજપ માટે જીતવું અસંભવ ગણાવતા હોય.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો પણ આશાઓનો જનાદેશ છે. જે રીતે આ જનાદેશ આવ્યો છે તે પણ બતાવે છે કે 2024ની સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા જ મતદારો પર પીએમ મોદીનો પ્રભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે.