મહારાષ્ટ્રના પૂણે શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. વાત જાણે એમ છે કે અહીં એક પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે તેનો પતિ તેને જન્મદિવસ પર દુબઈ ન લઈ ગયો. આ ઘટનામાં પત્નીએ તેના પતિને નાક પર જોરથી મુક્કો મારી દીધો હતો અને પછી પણ તે તેના પતિને પીટવા લાગી હતી. નાક પર માર પડતાં પતિ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
આ ઘટના શુક્રવારે (24 નવેમ્બર) મહારાષ્ટ્રના પૂણે શહેરના વાનવાડી વિસ્તારમાં એક પોશ રહેણાંક વિસ્તારમાં બનવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બરે પત્નીનો જન્મદિવસ હતો અને તે પોતાનો બર્થડે દુબઈમાં મનાવવા માંગતી હતી. પરંતુ તેનો પતિ તેની આ માંગણી પૂરી ના કરી શક્યો. જે બાદ બીજી અમુક ઘટનાઓ બની અને પત્નીએ ગુસ્સામાં પતિને નાક પર મુક્કો મારી દીધો. જે બાદ પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ નિખિલ ખન્ના તરીકે થઈ છે જ્યારે આરોપી પત્નીની ઓળખ રેણુકા તરીકે થઈ છે.
પાડોશીઓને જાણ થતાં પોલીસ બોલાવી
વાનવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દંપતીની 5 નવેમ્બરના રોજ મેરેજ એનિવર્સરી પણ હતી. જેને લઈને પત્ની કોઈ મોટી ભેટ કે ટ્રીપની અપેક્ષા રાખી રહી હતી અને તેને તેને તેના સંબંધીના જન્મદિવસ પર દિલ્હી પણ જવું હતું. પરંતુ તેના પતિ તરફથી તેને કોઈ અનુકૂળ પ્રતિસાદ ના મળ્યો. આ મુદ્દાઓ પર શુક્રવારે (24 નવેમ્બરે) બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં ભરાયેલી પત્નીએ પતિના નાક પર મુક્કો મારી દીધો હતો, જેના કારણે નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું હતું અને પતિ બેભાન થઈ ગયો હતો.
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, જ્યારે પાડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિત નિખિલને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી. પરંતુ ત્યાં સુધીમાં નિખિલનું મોત થઈ ગયું હતું.
પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તે તપાસ કરવામાં આવી રહી છે કે શું મહિલાએ મુક્કાથી તેના પતિ પર હુમલો કર્યો હતો કે પછી કોઈ વસ્તુ વડે માર્યું હતું.” તેમણે વધુમાં કહ્યું કે, “મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ કર્યા પછી જાણવા મળી શકે છે. હાલ તો મહિલાને કસ્ટડીમાં લઈ લેવાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે”