રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધિતક કરતી વખતે પીએમ મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને હવે ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી છે. કમિશને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.
Election Commission of India issues notice to Congress MP Rahul Gandhi on his 'panauti' and 'pickpocket' jibes at PM Modi, asks him to respond by 25th November pic.twitter.com/CcrIlU6I9o
— ANI (@ANI) November 23, 2023
આ નોટિસ ભારતીય જનતા પાર્ટીના ફરિયાદના આધારે પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે આ મામલે 22 નવેમ્બરે ફરિયાદ મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ બાડમેરમાં એક સભા સંબોધતી વખતે વડાપ્રધાન વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ‘પનૌતી પીએમ’ કહ્યા હતા.
રાહુલે કહ્યું હતું કે, “અચ્છા ભલા હમારે લડકે વહાં જીત જાતે, લેકિન પનૌતીને હરવા દિયા.’ પછીથી કહ્યું હતું કે, “ક્યારેક ક્રિકેટ મેચમાં ખબર પડી જશે, એ અલગ વાત છે કે હરાવી દીધા પનોતી પીએમ. મતલબ પનોતી મોદી.’
આ સિવાય રાહુલ ગાંધીએ ‘જેબકતરા’ જેવા શબ્દો વાપરીને પણ અમુક ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જો બે ખિસ્સાકાતરુ કોઈનું ખિસ્સું કાપવાના હોય તો પહેલાં શું કરે છે? ધ્યાન હટાવવાનું કામ કરે છે. એક સામેથી આવે છે અને તમારી સાથે કોઈને કોઈ વાતચીત કરીને ધ્યાન તે તરફ લઇ જાય છે અને પાછળથી બીજો આવીને ખિસ્સું કાપી લે છે અને જતો રહે છે, પણ ખિસ્સાકાતરુ સૌથી પહેલાં ધ્યાન ભટકાવે છે.” આગળ પીએમ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને રાહુલે કહ્યું હતું કે, મોદીજીનું કામ તમારું ધ્યાન અહીં-તહીં ભટકાવવાનું છે અને બીજાનું કામ તમારું ખિસ્સું કાપવાનું છે.
ભાજપે ફરિયાદ કરીને રાહુલ ગાંધીના આ શબ્દોને લઈને વાંધો ઉઠાવ્યો હતો. સાથે એમ પણ કહ્યું હતું કે, આ રિપ્રેઝન્ટેશન ઑફ પબ્લિક એક્ટ અને IPCની કલમોનું ઉલ્લંઘન છે. ચૂંટણી પંચે આ આરોપોને લઈને કહ્યું કે, તે મોડેલ કોડ ઑફ કન્ડક્ટની વિરુદ્ધ છે અને જેથી રાહુલ ગાંધી ખુલાસો આપે કે આખરે શા માટે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં ન આવે.
રાહુલ ગાંધીને ચૂંટણી પંચે 25 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો ત્યાં સુધીમાં કોઇ જવાબ આપવામાં ન આવે તો કમિશન પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી દેશે. રાહુલ ગાંધી કે કોંગ્રેસે આ નોટિસને લઈને કોઇ પ્રતિક્રિયા આપી હોવાનું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.