બુધવારે (22 ડીસેમ્બર 2023)ના રોજ ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે. બે મહિના આ સેવા બંધ રાખ્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ભારતે કેનેડા વિરુદ્ધ આ કાર્યવાહી PM જસ્ટિન ટ્રુડો દ્વારા ત્યાંની સંસદમાં આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આરોપો લગાવ્યા બાદ કેનેડાના નાગરિકો માટે વિઝા આપવાનું બંધ કર્યું હતું.
India resumes e-visa services to Canadian nationals: Sources pic.twitter.com/CyMY0AIaMC
— ANI (@ANI) November 22, 2023
કેનેડીયન વડાપ્રધાનના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં તણાવ ઉભા થયા હતા. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઇ રહેલા G-20ના વર્ચ્યુઅલ સંમેલન દરમિયાન આ સમાચાર આવવા, તેને ભારત તરફે આપવામાં આવેલ એક સારા સંકેત તરીકે લેવામાં આવી રહ્યું છે.
Delivering my remarks at the @g20org Virtual Summit. https://t.co/u19xStkZX7
— Narendra Modi (@narendramodi) November 22, 2023
કેનેડાના પીએમ ટ્રુડો પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. કેનેડાને ઈ-વિઝા સેવાઓ પુન:સ્થાપિત કરવાના ભારતના પગલાને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ઓટાવાએ ભારતના આ નિર્ણયને કેનેડાના લોકો માટે સારા સમાચાર તરીકે આવકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત મહીને ભારત સરકારે કેનેડાના નાગરિકો પર ઈ-વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ કેટલીક શ્રેણીઓ માટે વિઝા સર્વિસ ફરી શરૂ કરી હતી. તે વખતે પ્રવેશ વિઝા, બીઝનેસ વિઝા, મેડીકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ કેનેડામાં 1,78,410 NRI અને ભારતીય મૂળના 15,10,645 લોકો એટલે કે પીઆઈઓ વસવાટ કરે છે.
ભારતે કેનેડાના ઈ-વિઝા ફરી શરૂ કરતા કેનેડાની નાગરિકતા લેનારા ભારતીયોને ભારત આવવામાં સરળતા રહેશે. આ લોકોને પણ વિઝા સાથે જ ભારત આવવાની મંજૂરી છે. કેનેડાથી ભારત આવતા કેનેડાવાસીઓ માટે પણ આ મોટી રાહતના સમાચાર છે.
નોંધનીય છે કે ભારત-કેનેડા વચ્ચે જૂનમાં રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. તે સમયે બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી જ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોઈ પુરાવા વિના સંસદમાં આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે કોઈ સંબંધ છે. જોકે કેનેડા આમ મામલે કોઈ પણ જાતના પુરાવા આપવામાં અસમર્થ રહ્યું હતું.