ગત 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એકસાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપી હતી, જેમાંથી એક ટ્રેન જામનગર-અમદાવાદ રૂટ પર પણ ફાળવવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ રૂટને લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે.
મળતી માહિતી અનુસાર, જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ સુરત ખાતેના ઉધના સ્ટેશન સુધી લંબાવવામાં આવ્યો છે. આ સપ્તાહે અન્ય ત્રણ ટ્રેનોના રૂટને પણ લંબાવવામાં આવ્યા છે. રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “અમારા યાત્રીઓની સુવિધા માટે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના રૂટ લંબાવવામાં આવ્યા છે.” મંત્રીએ આપેલી માહિતી મુજબ ટ્રેન નંબર 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને સુરતના ઉધના સુધી, 20661/62 KSR બેંગલુરુ-ધારવાડ વંદે ભારતને બેલગાવી તો ટ્રેન નંબર 22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારતને પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી છે.
For the convenience of our passengers, three Vande Bharat Express trains are extended to the following destinations ⤵️
— Darshana Jardosh (@DarshanaJardosh) November 16, 2023
✔️ Extension of 20661/62 KSR Bengaluru-Dharwar Vande Bharat Express upto Belgavi
✔️Extension OF 22925/26 Ahmedabad-Jamnagar Vande Bharat Express upto Udhna.… pic.twitter.com/4XM6WFsyyM
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 22925/26 વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી જામનગર વચ્ચે દોડી રહી હતી. જે રૂટ હવે લંબાવાયો છે. આ નિર્ણય બાદ હવે સુરતથી જામનગર જતા યાત્રીઓને પણ વંદે ભારતનો લાભ મળી શકશે. આ પહેલાં તેમને અમદાવાદ સુધી આવીને ત્યાંથી વંદે ભારતની સુવિધાઓ મેળવવી પડતી હતી. સાથે જ અન્ય લંબાવાયેલા રૂટ દ્વારા પણ બેલગાવી અને પ્રયાગરાજના લોકોને વંદે ભારતનો લાભ મળી શકશે.
22925/26 વંદે ભારત સવારે 5:45 કલાકે જામનગરથી યાત્રા શરૂ કરશે. જે 10:10 કલાકે અમદાવાદ આવી પહોંચશે. અહીં પાંચ મિનીટના હૉલ્ટ બાદ 10:15 વાગ્યે ઉપાડીને 1:10 કલાકે ઉધના પહોંચશે. ઉધનાથી ફરી 3:15 કલાકે ઉપડીને 6:05 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યાં 5 મિનીટના હૉલ્ટ બાદ 6:10 વાગ્યે ફરી ઉપાડીને રાત્રે 10:35 કલાકે જામનગર પહોંચશે.
વંદે ભારત ટ્રેનની વિશેષતા
વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌપ્રથમ સ્વદેશી સેમી હાઇસ્પીડ ટ્રેન છે, જે સૌપ્રથમ ફેબ્રુઆરી, 2019માં શરૂ કરવામાં આવી હતી. 4 વર્ષ બાદ આજે મોટાભાગનાં રાજ્યોમાં ટ્રેન શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં 3 વંદે ભારત દોડે છે અને ચાર મોટાં શહેરોને આવરી લે છે. સપ્ટેમ્બર, 2022માં મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. 2023માં અમદાવાદથી જોધપુર અને ત્યારબાદ જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત શરૂ કરવામાં આવી હતી.
આ ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે અને તમામ એસી કોચ છે. તેમાં ખુરશીઓ 360 ડિગ્રી ફરે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન સંપૂર્ણ રીતે ઓનબોર્ડ વાઇફાઇ સુવિધાથી સજ્જ છે. મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરવા માટે દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં બાયો વેક્યૂમ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે દરેક કમ્પાર્ટમેન્ટમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ટ્રેનના કેટલાક કોચમાં વ્હીલચેર રાખવા માટે અલગ જગ્યા બનાવવામાં આવી છે.