ઉત્તર પ્રદેશમાં શહેરોના મૂળ નામ ફરીથી સ્થાપિત કરવાનો સિલસિલો હજુ સુધી ચાલી રહ્યો છે. આ પહેલાં અનેક માર્કેટ અને શહેરનાં નામ બદલીને મૂળ નામ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે અલીગઢનું નામ બદલવા માટેનો એક પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટી તંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયરે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું છે.
#WATCH | Aligarh, UP: On the proposal of changing the name of Aligarh, Prashant Singhal, Mayor of Aligarh, says, "In a meeting yesterday, a proposal was presented to change the name of Aligarh to Harigarh. All councillors unanimously supported this. Now, this proposal will be… pic.twitter.com/3V0RlwtGKl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 7, 2023
ઉત્તર પ્રદેશમાં ઘણાં શહેરો, રેલવે સ્ટેશનોનાં નામ બદલાયાં છે. ત્યારે હવે અલીગઢનું નામ બદલવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે. મંગળવારે (7 નવેમ્બર) અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે કહ્યું હતું કે, “ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ પાર્ષદોએ સર્વસંમતિથી પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “હવે આ પ્રસ્તાવ વહિવટી તંત્રને મોકલવામાં આવશે. મને વિશ્વાસ છે કે પ્રશાસન આ વિષય પર સંજ્ઞાન લેશે અને અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની અમારી માંગને પૂર્ણ કરશે.” આ માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચનથી પસાર કરવામાં આવ્યો છે.
અલીગઢનું નવું નામ હરિગઢ કરવાનો પ્રસ્તાવ
અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં વિષયને લઈને ઘણીબધી ચર્ચા-વિચારણાઓ પણ કરવામાં આવી હતી. એ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેઠકમાં ભારે હોબાળો પણ થયો હતો. આ હોબાળા વચ્ચે જ ભાજપના કાઉન્સિલરે અલીગઢ જિલ્લાનું નવું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની માંગ કરવામાં આવી હોય. આ પહેલાં પણ ઘણા સમયથી ભાજપના નેતાઓ આવી માંગણીઓ કરતા આવ્યા છે, જ્યારે હવે તો નગરપાલિકા દ્વારા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
તાળાંનગરી તરીકે ઓળખાય છે અલીગઢ
અલીગઢ ઉત્તર પ્રદેશનું એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર છે. તે તેના તાળાં ઉદ્યોગ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં બનેલાં તાળાં દુનિયાભરમાં નિકાસ કરવામાં આવે છે. એટલા માટે જ અલીગઢને તાળાંનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અલીગઢ પીતળના હાર્ડવેર અને મૂર્તિકલા માટે પણ પ્રસિદ્ધ છે. અલીગઢ ભારતના મુખ્ય શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં શહેરો, જંકશન અને બજારોના નામ બદલવામાં આવ્યાં છે. આ પહેલાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત મિયાંબાજારનું માયાબાજાર કરવામાં આવ્યું હતું. મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું હતું. ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું.