પંજાબમાં પરાળ સળગાવવામાં આવી રહી છે, દિલ્હીમાં હદ બહાર પ્રદૂષણ વધી રહ્યું છે પણ બંને રાજ્યોની આમ આદમી પાર્ટીની સરકારોને કેન્દ્ર અને અન્ય રાજ્યો પર દોષના ટોપલા ઢોળવામાં વધુ રસ છે. આ બધાની વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતાં કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી હતી.
કોર્ટે કહ્યું કે, આ રાજકારણનો મુદ્દો નથી અને દરેક મુદ્દે રાજનીતિ કરવી ઠીક નથી. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યું કે, “પરાળ સળગવાની બંધ થવી જોઈએ. અમને ખબર નથી કે તમે એ કેવી રીતે કરશો, એ તમારું કામ છે પણ કોઇ પણ રીતે તે બંધ થવું જોઈએ. તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.” ન્યાયાધીશે પરાળ સળગવા મુદ્દે કહ્યું કે, ગયા અઠવાડિયે તેઓ પંજાબમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તાની બંને બાજુ ખેતરોમાં આગ જોઈ હતી.
Air pollution in Delhi-NCR: Supreme Court asks Punjab government to stop the stubble burning. Supreme Court observes that there can't be a political battle all the time.
— ANI (@ANI) November 7, 2023
“We want it (stubble burning) stopped. We don't know how you do it, it’s your job. But it must be stopped.… pic.twitter.com/VgMWOmBv5l
આ સિવાય કોર્ટે દિલ્હી, હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પણ આ સમસ્યાનું સમાધાન લાવવા માટે નિર્દેશ કર્યા હતા. કોર્ટે કહ્યું કે, પરાળ સળગાવવી એ જ એકમાત્ર પ્રદૂષણનું કારણ ન હોય શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાથી પ્રદૂષણ થતું જ નથી. તે મહત્વનો ભાગ ભજવે છે. જેથી તેને કોઇ પણ રીતે રોકવું પડશે, દિલ્હીને આ સ્થિતિમાં રાખી શકાય નહીં.
કોર્ટે આ તમામ રાજ્યોને એવા પણ આદેશ આપ્યા છે કે પરાળ સળગતી બંધ થાય તે માટે તેઓ મુખ્ય સચિવો અને પોલીસ વડાઓની જવાબદારી નિશ્ચિત કરે છે કોર્ટના આદેશનું પાલન કરાવે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ આદેશ આપ્યા કે તેઓ એ સુનિશ્ચિત કરે કે ઘન કચરાને જાહેરમાં સળગાવવામાં ન આવે.
દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યાં બીજી તરફ સત્તાધારી પાર્ટી AAP બીજા પર દોષ નાખીને દહાડા કાઢી રહી છે. સોમવારે આમ આદમી પાર્ટી પ્રવક્તા પ્રિયંકા કક્કરે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હરિયાણાની આપ સરકારને દિલ્હીના પ્રદૂષણ માટે જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે, ત્યાં પરાળ સળગવાના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. પંજાબને ક્લીન ચીટ આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે, પંજાબ અહીંથી 500 કિમી દૂર છે અને હરિયાણા માત્ર 100 જ કિલોમીટર દૂર છે.
બીજી તરફ, ભાજપ નેતા અને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પોલ ખોલતાં કહ્યું હતું કે, રવિવારે જ આપ શાસિત પંજાબમાં પરાળ સળગવાના 300 કેસ જોવા મળ્યા હતા, પણ કેજરીવાલ ચૂંટણીવાળાં રાજ્યોમાં પ્રચારમાં વ્યસ્ત છે.