પાકિસ્તાનની હાલત સતત કથળતી જઈ રહી છે. આર્થિક સંકટમાં ઘેરાયેલા પાડોશી દેશની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ક્યારેક વિશ્વમાં પાકિસ્તાની ભિખારીઓ વધુ છે તેવા રિપોર્ટસ્ આવે છે. તો ક્યારેક પાકિસ્તાનના એરપોર્ટ પરથી સાઉદી ભીખ માંગવા જતાં ભિખારીઓ ઝડપાઈ જાય છે. આવા બધા સમાચારો વચ્ચે હવે એક નવા સમાચાર પાકિસ્તાનથી આવી રહ્યા છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે કંગાળ થઈ ગઈ છે કે તેની સૌથી મોટી એરલાઈન્સ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ને પણ હાથમાં કટોરો લેવાનો સમય આવી ગયો છે.
હાલત એવી થઈ ગઈ છે કે PIA પાસે પૂરતું ઈંધણ ન હોવાથી ફ્લાઇટ્સ રદ કરવી પડી રહી છે. ગુરુવારે (26 ઓક્ટોબર) PIAએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈંધણ પુરવઠાના અભાવને કારણે છેલ્લા બે અઠવાડિયામાં 349 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. (ઘણા અહેવાલોમાં 500થી વધુ ફ્લાઇટનું કહેવામાં આવી રહ્યું છે.)
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) પાસે ઈંધણના પૈસા ન હોવાથી ફ્લાઇટસ્ રદ કરવામાં આવી રહી છે. PIAના એક પ્રવક્તાએ આ મામલે જણાવ્યું હતું કે, 14 ઓક્ટોબરથી ફ્લાઇટ્સ રદ થવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ઉડાનો પ્રભાવિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈંધણના બચેલા જથ્થા ઉપર ફ્લાઇટ નક્કી કરવામાં આવી રહી છે. બીજી તરફ PIA અને પાકિસ્તાન સ્ટેટ ઓઈલ કંપની (PSO) વચ્ચે પેમેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અધધ ફ્લાઇટો કરાઈ રદ
પાકિસ્તાન એરલાઈન્સ ઇતિહાસના તેમના સૌથી કપરા સંકટનો સામનો કરી રહી છે. હાલ સમય એવો જણાઈ રહ્યો છે કે PSO કંપની એરલાઈન્સને ઈંધણ પૂરું નથી પાડી રહી જ્યારે બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાન એરલાઇન્સ PIAને કોઈપણ જગ્યાએથી લોન કે ઉધારી પણ નથી મળી રહી. આ બધા કારણોસર 350થી વધુ ફ્લાઇટ રદ કરવાનો વારો આવી રહ્યો છે.
PIAને કોઈ લોન આપવા તૈયાર નથી
PIAનું કહેવું છે કે PSO કંપનીએ ઈંધણ માટે તેની ક્રેડિટ લાઇનને સ્થગિત કરી દીધી છે. હવે તે માત્ર ડેઇલી પેમેન્ટના આધારે સપ્લાય રિલીઝ કરી રહી છે. તો બીજી તરફ PIA પાસે નાણાંની અછત હોવાથી તે રોકડો વ્યવહાર કરવા સક્ષમ નથી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે PIAએ લોન માંગવા પ્રયાસો કર્યા હતા પણ કોઈ તેને લોન આપવા તૈયાર થઈ રહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત કથળી રહી છે. પાકિસ્તાનના સામાન્ય લોકો વારંવાર મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરતાં જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની અસર હવે પાકિસ્તાન એરલાઈન્સમાં પણ પડી રહી છે.