પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગ્નિવીરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા છે. સાથે જ તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર તરફથી મળેલા પત્રને લઈને આ પ્રતિક્રિયા આપી હતી.
મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “મને એક પત્ર (કેન્દ્ર તરફથી) મળ્યો છે જેમાં તેમણે રાજ્ય સરકારને 4 વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે. તેઓ ઈચ્છે છે કે હું ભાજપના કાર્યકરોને નોકરી આપું… આપણે આવું શા માટે કરીએ?… રાજ્યના યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.”
આ પહેલાં પણ મમતા બેનર્જીએ અગ્નિપથ યોજનાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્રના પત્ર અંગે તેમણે કહ્યું હતું કે, ‘આર્મ્ડ ફોર્સના એક કર્નલે તાજેતરમાં એક વિનંતી સાથે એક પત્ર મોકલ્યો હતો. પણ આપણે ભાજપની ડસ્ટબીન કેમ સાફ કરીએ? જ્યારે કેન્દ્ર ચાર વર્ષ પછી તેમને મુક્ત કરશે, ત્યારે રાજ્યએ તેમને સંપૂર્ણ કાર્યકાળની નોકરી આપવાની જવાબદારી શા માટે લેવી જોઈએ? તેઓ 60 વર્ષ પૂરા કરે ત્યાં સુધી તેમને સૈનિક તરીકે પૂર્ણ કાર્યકાળ આપવાની જવાબદારી કેન્દ્ર શા માટે નથી લેતું?”
મમતા બેનર્જીએ અગ્નિપથ યોજનાને મત મેળવવા અને કેડર બનાવવા માટે ભાજપની ‘લોલીપોપ’ ગણાવી હતી. વિધાનસભામાં તેમના સંબોધનમાં મમતાએ કહ્યું, “અગ્નિપથ વાસ્તવમાં ભાજપ કેડર ગઠન પ્રોજેક્ટ છે. કેન્દ્ર યુવાનોને કાયમી નોકરી આપે એ અલગ વાત છે, પરંતુ અગ્નિપથ વાસ્તવમાં ચાર વર્ષની લોલીપોપ છે. ચાર વર્ષ પછી તેમને બંદૂકનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે અને તે પછી તેઓ શું કરશે? જો એમ હોય તો ભાજપ યુવાનોને છેતરે છે!’
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “અગ્નવીર’ નામ એવા લોકોને આપવામાં આવી રહ્યું છે જેમને યોજના હેઠળ ભરતી કરવામાં આવશે અને તેઓ ભાજપ માટે મત લૂંટશે”.
મમતા બેનર્જીએ અગ્નિવીરોની સેવાનિવૃત્તિની ઉંમર 4 વર્ષથી વધારીને 65 વર્ષ કેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલાં ઉજાલા લાવવામાં આવ્યું હતું અને હવે અગ્નિવીરોનો લૉલીપૉપ દેખાડવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં લોકસભામાં વિપક્ષ નેતા અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી સમક્ષ બંગાળ વિધાનસભા સભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. તદુપરાંત તેમણે પશ્ચિમ બંગાળના સિવિલ વોલેન્ટિયર્સની સરખામણી અગ્નિવીરો સાથે કરી હતી.
અગ્નિપથ યોજના કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ચાર વર્ષ સેવા આપવાની તક મળશે. જોકે, આ વર્ષ માટે સરકારે મહત્તમ વયમર્યાદા 23 વર્ષ સુધીની કરી છે. સેવા દરમિયાન તેમને આકર્ષક પેકેજ પણ મળશે. ચાર વર્ષ બાદ અગ્નિવીરો સ્વેચ્છાએ અરજી કરી શકશે, જે બાદ બેચમાંથી 25 ટકા અગ્નિવીરોને સેનાની મુખ્ય કેડરમાં સામેલ કરવામાં આવશે.
અગ્નિપથ યોજના માટે સરકારે એક વિશેષ ડિગ્રી કોર્સને પણ માન્યતા આપી હતી. આ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓએ પણ યોજનાને સમર્થન આપીને તેમને પોતાની કંપનીઓમાં રોજગાર આપવા માટેની વાતો કહી હતી. જોકે, રાજકારણનો એક વર્ગ પોતાના ફાયદા માટે યોજનાનો વિરોધ કરી રહ્યો છે અને યુવાનોને પણ ગેરમાર્ગે દોરી રહ્યો છે.