ગુજરાત ATSએ રાજ્યમાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. 53 વર્ષીય લાભશંકર મહેશ્વરીને આણંદના તારાપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ ATSની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. આરોપ છે કે તે પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં હતો અને ભારતીય સેનાના જવાનોની માહિતી પહોંચાડતો હતો.
જાણકારી અનુસાર, તે આર્મી પબ્લિક સ્કૂલના કર્મચારી તરીકે ભારતીય સેનાના અધિકારીઓ અને તેમના પરિવારને ટાર્ગેટ કરતો હતો અને તેમની સાથે સંપર્ક સ્થાપિત કરીને અગત્યની માહિતી મેળવીને પાકિસ્તાની એજન્સીઓને મોકલતો હતો. તેની ધરપકડ કરીને એજન્સીઓએ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર ઑપરેશનને લઈને ગુજરાત ATSના SP ઓમપ્રકાશ જાટ દ્વારા માહિતી આપવામાં આવી. તેમણે મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીઓનો એક એજન્ટ ભારતીય સિમકાર્ડ વાપરીને તેની ઉપર વોટ્સએપ ચલાવીને ભારતીય સેના અને સેના સંબંધિત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારને ટાર્ગેટ કરતો હોવાના ઇનપુટ મિલિટરી ઇન્ટેલિજન્સ તરફથી મળ્યા હતા.
રિમોટ એક્સેસ માલવેર મોકલીને માહિતી મેળવતો
વધુ માહિતી અનુસાર, તે આ લોકો સાથે પરિચિત થઈને તેમના મોબાઈલ પર રિમોટ એક્સેસ માલવેર મોકલીને ભારતની આંતરિક સુરક્ષા સંબંધિત માહિતી મેળવી લેતો હતો અને તેને પાકિસ્તાનના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે મોકલી આપતો હતો.
#WATCH | Ahmedabad, Gujarat: On the arrest of a Pakistani spy, Gujarat ATS SP Om Prakash Jat says, "Gujarat ATS received input from the military intelligence that a Pakistani army or a Pakistan agent is using WhatsApp on an Indian SIM Card… He was sending Remote Access Trojan… https://t.co/JvitqnyjS7 pic.twitter.com/p3a362ZreU
— ANI (@ANI) October 20, 2023
આ ઇનપુટની પુષ્ટિ માટે ATSના આદેશ પર આણંદ પોલીસે તપાસ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આ બાબત સત્ય હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખૂલ્યું કે આ સિમકાર્ડ જામનગરના રહેવાસી મોહમ્મદ સકલૈન થઇમ નામના એક વ્યક્તિના નામ પર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અઝગર હાજીભાઈ નામના એક વ્યક્તિના મોબાઈલમાં એક્ટિવેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને આણંદના તારાપુરમાં રહેતા લાભશંકર મહેશ્વરીને આપવામાં આવ્યું. તેને આ સિમકાર્ડ મેળવવાનો આદેશ પાકિસ્તાની દૂતાવાસ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આપ્યો હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે.
મૂળ પાકિસ્તાનનો, પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં આવ્યો હતો
ATS અધિકારી અનુસાર, આરોપી લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાનનો છે, જે વર્ષ 1999માં ભારત આવ્યો હતો. શરૂઆતમાં તે પોતાના સાસરે રહ્યો અને ત્યાં જ દુકાન ખોલીને વેપાર શરૂ કર્યો હતો અને પછીથી સ્થાયી થઈ ગયો. વર્ષ 2006માં તેને ભારતની નાગરિકતા મળી ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર, વર્ષ 2022માં તે મા-બાપને મળવા માટે પાકિસ્તાન ગયો હતો અને ત્યાં દોઢ મહિના રહ્યો ત્યારે પાકિસ્તાની એજન્સીઓએ તેનો સંપર્ક કર્યો હતો. તેનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે.
થોડા સમય પહેલાં તેણે પત્નીને પાકિસ્તાન સ્થિત પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે વિઝાની અરજી કરી હતી અને તે માટે તેણે તેના માસિયાઈ ભાઈ થકી પાકિસ્તાની દૂતાવાસ સાથે સંકળાયેલા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. તેની સાથે તે વોટ્સએપના માધ્યમથી સતત સંપર્કમાં રહેતો હતો. ત્યારબાદ તેણે આ જ વ્યક્તિની મદદથી તેની બહેન અને ભાણેજના વિઝા માટે પણ પ્રોસેસ શરૂ કરી હતી.
પાકિસ્તાની દૂતાવાસ સાથે જોડાયેલા વ્યક્તિએ જ તેને આદેશ આપ્યો હતો કે તે એક સિમકાર્ડ રીસીવ કરે અને બહેન સાથે પાકિસ્તાન મોકલી દે. તે પહેલાં ફોનમાં નાખીને જે OTP આવે તેને શૅર કરે. વોટ્સએપ એક્ટિવેટ કરીને લાભશંકરે સિમ પાકિસ્તાની જાસૂસને આપ્યું હતું. ATS અધિકારીએ જણાવ્યું કે, આ સિમકાર્ડ પર ચાલતું વોટ્સએપ એકાઉન્ટ હાલ પાકિસ્તાનમાં ચાલુ છે. જેના માધ્યમથી ભારતીય સેનાના જવાનો અને તેમના પરિજનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.