ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને ગઈકાલે દિલ્હી પોલીસે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાના આરોપસર દબોચી લીધો હતો. ઝુબૈરની ધરપકડ થયા બાદથી જ ડાબેરી ગેંગ અને વિપક્ષી પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે અને વિલાપ કરી રહી છે. બીજી તરફ, ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’એ એક લાંબુલચક નિવેદન બહાર પાડીને ઝુબૈરની ધરપકડની નિંદા કરી છે તો તેની મુક્તિની પણ માંગ કરી દીધી છે.
નિવેદનમાં એડિટર્સ ગિલ્ડ મોહમ્મદ ઝુબૈરની ધરપકડને વિચિત્ર ઘટના ગણાવતા કહ્યું છે કે, “દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2020ના એક કેસમાં ઝુબૈરને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે તેને ધરપકડમાંથી રાહત આપી છે. ઝુબૈર પૂછપરછમાં જોડાયા બાદ એક અજ્ઞાત ટ્વિટર હેન્ડલ દ્વારા ઝુબૈરની 2018ની એક પોસ્ટ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપસર કરેલ ફરિયાદ મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.”
The Editors Guild of India condemns the arrest of Muhammad Zubair, co-founder of the fact checking site AltNews, by the Delhi Police on June 27, for a tweet from 2018. EGI demands that the Delhi Police should immediately release Muhammad Zubair. pic.twitter.com/q9uYqFxaPA
— Editors Guild of India (@IndEditorsGuild) June 28, 2022
નિવેદનમાં મોહમ્મદ ઝુબૈરની ધરપકડને અસામાન્ય ગણાવતા એડિટર્સ ગિલ્ડે ઝુબૈર અને તેની વેબસાઈટની વકીલાત કરીને કહ્યું કે ઝુબૈર અને તેની વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝ છેલ્લા કેટલાક સમયમાં ‘ઉત્કૃષ્ટ કાર્યો’ કર્યા છે અને ‘અપપ્રચાર ફેલાવતા અભિયાનોને રોક્યાં’ છે. સાથે જ ગિલ્ડે તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે સત્તાધારી પાર્ટીના એક પ્રવક્તાએ ટીવી પર આપેલા ‘ઝેરીલા નિવેદન’ અંગે પણ ખુલાસો કર્યો હતો જેના કારણે પાર્ટીએ ફેરફારો કરવા પડ્યા હતા.
આ સાથે એડિટર્સ ગિલ્ડ નિવેદનમાં કહ્યું કે ઑલ્ટન્યૂઝનાં કર્યોએ દુષ્પ્રચારને હથિયાર બનાવીને સમાજનું ધ્રુવીકરણ કરનારા અને રાષ્ટ્રવાદી ભાવનાઓ ઉશ્કેરનારાઓને નારાજ કરી દીધા હતા. આ સાથે નિવેદનમાં ઝુબૈરની મુક્તિની માંગ કરવામાં આવી છે અને સાથે લોકશાહી અને હાલમાં જ જર્મનીમાં વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલ પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોઈ રાજકીય પાર્ટીએ જારી કરેલ હોય તેવું આ નિવેદન એવા વ્યક્તિ માટે જારી કરવામાં આવ્યું છે જે પોતે પણ પોતાને પત્રકાર માનતો નથી. તેવા વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કરવામાં આવેલ ધરપકડનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને સાથે તેની ઉપર લાગેલા આરોપોનો ઉલ્લેખ કરવાના સ્થાને તેણે કેવાં કામો કર્યાં છે તેની દલીલો કરવામાં આવી છે.
આવા સમયે એડિટર્સ ગિલ્ડનાં બેવડાં ધોરણો ખુલ્લાં પાડવા માટે રિપબ્લિક ટીવી અને અર્ણબ ગોસ્વામીનું ઉદાહરણ અગત્યનું બની જાય છે. 2020 માં વર્ષો જૂનો કેસ ફરી ખોલીને અર્ણબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે એડિટર્સ ગિલ્ડે એક નિવેદન તો જારી કર્યું હતું, પરંતુ તેમાં ન અર્ણબની મુક્તિની માંગ કરવામાં આવી હતી કે ન કોઈ લાંબી સલાહો અપાઈ હતી. એક નાનકડા નિવેદન દ્વારા જાણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
The Editors Guild of India has issued a statement on the arrest of Arnab Goswami, editor-in-chief of Republic TV. pic.twitter.com/gL3MstVlla
— Editors Guild of India (@IndEditorsGuild) November 4, 2020
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીને પ્રતાડિત કરવા માટે મુંબઈ પોલીસે ધરપકડ કરી ત્યારબાદ એડિટર્સ ગિલ્ડે બે પેરેગ્રાફ જેટલું નિવેદન જારી કરીને પૂરું કરી દીધું હતું. જેમાં અર્ણબની ધરપકડની સીધી રીતે નિંદા કરવામાં આવી ન હતી અને ઉપરથી તેમની ઉપર લાગેલા આરોપોને હાઈલાઈટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ઝુબૈરના- જે પોતે પત્રકાર પણ નથી, કેસમાં કયા કારણોસર તેની ધરપકડ કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ થયો ન હતો.
દેશના એક મોટા મીડિયા હાઉસના એડિટર-ઈન-ચીફની ધરપકડ વખતે ધરપકડનો વિરોધ ન કરીને તેના આરોપો ગણાવવા અને બીજી તરફ, એક કથિત ફેક્ટચેકરની ધરપકડ બાદ તે પાછળના કારણોની ચર્ચા ન કરીને માત્ર તેની ધરપકડનો વિરોધ કરવો અને દેશના વડાપ્રધાન સુધીને સલાહો આપવી; આ બંને કિસ્સાઓમાં એડિટર્સ ગિલ્ડનાં બેવડાં વલણો અહીં ઉડીને આંખે વળગે તેમ છે.
‘તટસ્થતા’ અને ‘બિન-રાજકીય’ દેખાવાની આડમાં આવા અનેક સંસ્થાનો એક ચોક્કસ વિચારધારાને વરીને એજન્ડા ચલાવતાં આવ્યાં છે. જ્યાં તેઓ જ નક્કી કરે છે કે કોણ પત્રકાર છે અને કોણ નહીં. એ પણ નક્કી થાય છે કે ક્યારે માત્ર બે લીટી લખીને છટકી જવામાં આવશે અને ક્યારે ખોટી બાબતોને લઈને પણ હોબાળો મચાવીને દેશ માથે લઇ લેવામાં આવશે, જે-તે ગેંગના સભ્યને રાતોરાત ‘હીરો’ સાબિત કરી દેવામાં આવશે અને સરકાર કે શાસક પક્ષને ‘ફાસીવાદી’ કહી દેવામાં આવશે.