Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સભારતના બોલરો સામે પાકિસ્તાનીઓ પરાસ્ત, ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત: વર્લ્ડ કપમાં આઠમી...

    ભારતના બોલરો સામે પાકિસ્તાનીઓ પરાસ્ત, ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત: વર્લ્ડ કપમાં આઠમી વખત પાક.ને હરાવ્યું, ‘વંદે માતરમ્’થી ગુંજી ઉઠ્યું મોદી સ્ટેડિયમ

    ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 વખત ભારત-પાકિસ્તાન સામસામે ટકરાયા છે અને તેમાંથી એક પણ વખત ભારત હાર્યું નથી. જે રેકોર્ડ હજુ પણ યથાવત રહ્યો છે.

    - Advertisement -

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પછાડીને ભારતે જીત મેળવી છે. જેની સાથે ODI વર્લ્ડ કપમાં 8 મેચ રમીને તમામ 8 વખત પાકિસ્તાનને હરાવવાનો રેકોર્ડ પણ ભારતીય ક્રિકેટ ટીમે બરકરાર રાખ્યો છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ઐતહાસિક અને ભવ્ય જીત બાદ સ્ટેડિયમ ‘વંદે માતરમ’થી ગુંજી ઉઠ્યું હતું.

    આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 42.5 ઓવરમાં 10 વિકેટના નુકસાન સાથે 191 રન બનાવ્યા. જેમાં કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર રિઝવાન સિવાય બાકીના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. બીજી તરફ, ભારતના બોલરોએ તરખાટ મચાવીને પાકિસ્તાનની ટીમને 42 ઓવરમાં જ પેવેલિયન ભેગી કરી દીધી હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે કોઇ અડચણ વગર સરળતાથી લક્ષ્યાંક પાર કરી લીધો અને જીત મેળવી લીધી હતી. આ વર્લ્ડ કપમાં આ ભારતની સતત ત્રીજી જીત છે. જેની સાથે ટીમ ઇન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે.

    પાકિસ્તાનના બેટરો પર ભારે પડ્યા ભારતીય બોલરો

    મેચમાં પ્રથમ ટોસ જીતીને ભારતે પાકિસ્તાનને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી, પરંતુ સામે ભારતીય બોલરોએ પણ લડત આપી અને થોડા-થોડા સ્કોર પર વિકેટ ખેરવવાની ચાલુ રાખી. 41 રન પર પ્રથમ વિકેટ પડ્યા બાદ બીજી વિકેટ માટે પાકિસ્તાનના ખેલાડીઓએ 32 રનની પાર્ટનરશિપ કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી થઈ અને પાકિસ્તાનના ચાહકોને આશા બંધાઇ પણ ભારતીય બોલરો હાવી થઈ પડ્યા અને 155 રને ત્રીજી વિકેટ પડ્યા બાદ સતત વિકટ પડતી ગઈ અને માત્ર 191 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયનભેગા થઈ ગયા હતા. ચોથી વિકેટ 162 રન પર, પાંચમી 166, છઠ્ઠી, 168, સાતમી 171, આઠમી 187, નવમી 187 અને દસમી વિકેટ 191 રન પર પડી. 

    પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન કેપ્ટન બાબર આઝમે (50) બનાવ્યા. જ્યારે વિવાદિત ક્રિકેટર મોહમ્મદ રિઝવાને 49 રનની ઈનિંગ રમી. ઇમામ અલ હકે 36 રન, જ્યારે અબ્દુલ્લા શફીકે 20 રન બનાવ્યા. તે સિવાય બાકીના ખેલાડીઓ કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. 

    બીજી તરફ, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કુલ 5 બોલરોને 2-2 વિકેટ મળી. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ બોલિંગ જસપ્રીત બુમરાહની રહી, જેમણે 7 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ખેરવી હતી. 

    ભારતે સરળતાથી લક્ષ્યાંક પાર કરી લીધો

    બીજી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે મક્કમ શરૂઆત કરી. જોકે, શુભમન ગિલ અને વિરાટ કોહલી 16-16 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ બાજી સંભાળી લીધી અને 63 બોલમાં 86 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. શ્રેયસ ઐયરે પણ રોહિત શર્માનો સાથ આપીને છેક સુધી અણનમ રહ્યા. ઐયરે 62 બોલમાં 53 રન બનાવ્યા. જ્યારે કેએલ રાહુલે 29 બોલમાં અણનમ 19 રન બનાવ્યા. આ ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શનના જોરે ભારતે માત્ર 30.3 ઓવરમાં 192 રણનો લક્ષ્યાંક પાર કરી લીધો હતો.

    પાકિસ્તાનની બોલિંગની વાત કરવામાં આવે તો શાહીન આફ્રિદીને 2 વિકેટ મળી હતી. જ્યારે એક વિકેટ હસન અલીને મળી. બાકીના બોલરો કાંઈ ઉકાળી શક્યા ન હતા. 

    ઉલ્લેખનીય છે કે ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 વખત ભારત-પાકિસ્તાન સામસામે ટકરાયા છે અને તેમાંથી એક પણ વખત ભારત હાર્યું નથી. જે રેકોર્ડ હજુ પણ યથાવત રહ્યો છે. આ પહેલાં 2019ના વર્લ્ડ કપમાં બંને ટીમો ટકરાઈ હતી, જેમાં પણ ભારતે જીત મેળવી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં