ગયા મે મહિનામાં મણિપુર ખાતે ફાટી નીકળેલી હિંસાના પડઘા હજુ શમ્યા નથી. અનેક લોકોનાં ઘર ભડકે બળ્યાં, બે પક્ષો વચ્ચે થયેલી હિંસામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કેટલાંય બાળકો પોતાના માતા, પિતા કે પછી બંનેની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. હિંસાને લઈને દેશમાં ખૂબ હોબાળો પણ થયો. રાજકારણ થયું, આક્ષેપ-પ્રત્યાક્ષેપો પણ ઘણા થયા. મણિપુરની રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મળીને હિંસાને અટકાવવા તેમજ હિંસા બાદની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અનેક પગલાં પણ લીધા. પરંતુ ગુજરાતની ‘ગોકુલધામ’ એ એક એવી સંસ્થા છે જેણે વાસ્તવમાં એવું કાર્ય કર્યું કે જેનાથી હિંસા પીડિત બાળકોના અંધકારમય ભાસતા જીવનમાં આશાનું એક કિરણ ઝળહળી ઉઠ્યું.
જે સંસ્થાની વાત કરીએ છીએ તે સંસ્થા છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા નાર ગામ સ્થિત ‘ગોકુલધામ’ સંસ્થા. સ્વામિનારાયણ ધામ વડતાલ સંચાલિત આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં અનેક વર્ષોથી બાળકોમાં સંસ્કારોનું ચિંતન અને વૈદિક ઘડતર કરી રહી છે. આ સંસ્થા હવે મણિપુર હિંસા પીડિત 50 મૈતેઈ બાળકોનું ઘર બની છે. ગોકુલધામ સંસ્થાએ મણિપુર હિંસામાં પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા કે પછી અન્ય કોઈ રીતે પીડિત 50 બાળકોને દત્તક લીધાં છે. હિંસા બાદ જે બાળકોનું ભવિષ્ય તદ્દન અંધકારમય ભાસતું હતું, તેવાં બાળકો માટે ગુજરાતની આ સંસ્થા આશાનું કિરણ બનીને આવી છે.
હિંસા પીડિત બાળકોએ જણાવી આપવીતી
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ ગોકુલધામ સંસ્થા ખાતે હાલ મણિપુર રાજ્યનાં 50 મૈતેઈ બાળકો રહે છે. આ બાળકોના ભણતર, રહેવા તેમજ અન્ય તમામ ખર્ચ સંસ્થા ઉપાડી રહી છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા પીડિત બાળકોએ પોતાની આપવીતી જણાવી હતી. મણિપુરના થોભાલ નજીકના એક ગામમાંથી અહીં આવેલા એક મૈતેઈ બાળકે જણાવ્યું હતું કે, “હિંસા સમયે મારા પિતાજી અને તેમના મિત્ર ચર્ચમાં સંતાયેલા હતા. જેની જાણ કુકીઓને થતાં જ તેમણે ચર્ચને ઘેરી લીધું અને મારા પિતાજી ઉપર બોમ્બ ફેંક્યો. આ બોમ્બ વિસ્ફોટના કારણે તેમના પેટનો આખો ભાગ જ ફાટી ગયો અને એક આંગળી પણ કપાઈ ગઈ હતી. બોમ્બ ફેંક્યા પછી કુકી લોકોએ મારા પિતાજીના માથામાં પાછળથી ગોળી મારીને તેમની હત્યા કરી નાખી હતી.”
આ સિવાય અન્ય એક બાળકે પણ પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, “બધે હુમલાઓ થઇ રહ્યા હતા. અમારા ત્યાં હજુ શાંતિ હતી. એક દિવસ હું નાહવા માટે ગયો હતો, એ સમયે અમારા ઘરની બાજુમાં એક બિલ્ડિંગમાં કુકી લોકોએ આગ લગાવી અને એ પછી મૈતેઈ લોકોને મારી નાખ્યા. હું બહાર આવ્યો ત્યારે મારી માતા શાકભાજી સમારી રહી હતી. જેવી તેને આ વિશે જાણકારી મળી એટલે તરત જ હાથમાં જેટલાં કપડાં આવ્યાં એટલાં લીધાં અને મને લઈને પહાડી વિસ્તારમાં જતી રહી.”
આ પ્રકારે હિંસા પીડિત મૈતેઈ સમાજનાં 50 બાળકો ગોકુલધામ સંસ્થામાં આશ્રય લઇ રહ્યાં છે. અલગ રાજ્ય, અલગ આબોહવા, અલગ બોલી હોવા છતાં આ બાળકો સંસ્થામાં પોતાને ઢાળી રહ્યા છે. આ વિશે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સંસ્થાનો સંપર્ક કરતાં ગોકુળધામ નારના સ્વામી સુખદેવપ્રસાદ દાસ સાથે અમારી વાતચીત થઇ હતી. તેમણે સંસ્થાને આ વિચાર ક્યાંથી આવ્યો તેમજ સંસ્થા કેવી રીતે આ પીડિત બાળકોનો ઉછેર કરી રહી છે તે વિશે વિગતવાર માહિતી આપી.
મણિપુર હિંસામાં પીડિત બાળકોની વહારે ગોકુલધામ સંસ્થા
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્વામી સુખદેવપ્રસાદ દાસે જણાવ્યું હતું કે, “દેશ પર આવેલી કપરી પરિસ્થિતિ આપણે જોઈ, સમાચારો વાંચી કે જોઇને અનેક લોકોને એમ થયું હશે કે આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે મદદરૂપ થઇ શકીએ. મણિપુરમાં આટલી હિંસા થઇ, લોકોની હત્યાઓ થઇ, અનેક લોકો બેઘર થયા, અનેક બાળકોએ પોતાના પરિવારો ગુમાવ્યા. જેનાથી મન વિચલિત થયું અને એવા પીડિત બાળકોની મદદ કરવાની પ્રેરણા ઉદ્ભવી. અનેક એવાં બાળકો છે જેમાંથી અનેક તેમનાં મા-બાપ ગુમાવ્યાં હોય. અનેક બાળકો એવાં પણ છે જેમણે બંનેની છત્રછાયા ગુમાવી. સંસ્થામાં ગુરૂકુળ છે અને તેમાં પહેલેથી અનેક બાળકો ભણી રહ્યાં હતાં. તો વિચાર આવ્યો કે આવાં પીડિત બાળકોને અહીં લાવીને તેમની મદદ કરી શકાય.”
સ્વામીએ આગળ જણાવ્યું કે, “છેલ્લા એકાદ મહિનાથી અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે આ બાળકોને અહીં લાવીએ અને તેમની તમામ જવાબદારીઓ ઉપાડીએ. બાળકોને અહીં લાવવા પાછળ ખૂબ મહેનત લાગી. મહિના સુધી પેપરવર્ક તેમજ અન્ય કામગીરીઓ ચાલી. પણ અંતે અમને એમાં સફળતા મળી અને મૈતેઈ સમાજના 50 બાળકોને હાલ સંસ્થામાં લાવ્યા છીએ અને તેમને ઉત્તમ શિક્ષણ સહિત તમામ જવાબદારીઓ સંસ્થાએ ઉપાડી છે.” અહીં આવેલા તમામ બાળકો કુમળી વયમાં હિંસા જોઈએ આવ્યાં છે, ઘણે અંશે સંસ્થા હિંસાના કારણે તેમના મગજ પર પડેલી અસરને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી હોવાનું પણ સ્વામીએ જણાવ્યું હતું.
અલગ રાજ્ય, અલગ આબોહવા અને અલગ ભાષા, તે છતાં બાળકો ઢળી રહ્યાં છે
આ વિશે વધુ માહિતી આપવા સંસ્થાના જ હરિકૃષ્ણ સ્વામીએ પણ ઑપઇન્ડિયા સાથે વાત કરી. આ દરમિયાન બાળકો આખા એક અલગ માહોલથી અહીં આવ્યા છે અને તેઓ સંસ્થામાં કઈ રીતે ઢળી રહ્યા છે તે વિશે જણાવતા હરિકૃષ્ણ સ્વામી જણાવે છે કે, “બાળકોનું માઈગ્રેશન કરવું જેટલું પડકારજનક નહોતું તેનાથી મોટો પડકાર હતો બાળકોને અહીં ઢાળવાનો. પહેલાં તો આબોહવા, મણિપુર આખો ડુંગરાળ વિસ્તાર છે અને મોટાભાગનાં બાળકો એવા સ્થાનેથી જ આવ્યાં છે જેઓ પહાડો પર વસતા હોય. તો આબોહવા સેટ થાય તેની ચિંતા હતી. શરૂઆતમાં બાળકો બીમાર ન થાય તે માટેની ખાસ કાળજી લેવામાં આવી.”
સ્વામીએ આગળ જણાવ્યું કે, “આબોહવા બાદ બીજો પડકાર હતો બાળકોની ભાષા. કેટલાંય બાળકો એવાં છે જેઓ માત્ર મણિપુરી ભાષા જ સમજતાં હતાં. જોકે, કેટલાંક બાળકોને હિન્દી અને અંગ્રેજી પર ખૂબ સારી પકડ છે. પણ માવજત અને પ્રેમની ભાષા દરેક જીવ સમજે એ જ રીતે બાળકો અહીં ઢળી રહ્યાં છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને તેઓ મણિપુરનાં છે, તો ભોજન પણ એક અલગ વિષય હતો. પણ અમે તેમાં પણ બાળકોને સારાં વ્યંજનો અને તેમની મનગમતી વાનગીઓ આપીએ છીએ જેથી તેઓ પ્રસન્ન રહે અને ભૂતકાળમાં થયેલી હિંસાની છાપ તેમના મગજમાંથી ભૂંસાઈ જાય.”
બાળકો માટે વિદેશથી બોલાવવામાં આવી ફેકલ્ટી
બાળકોના શિક્ષણ વિશે જણાવતાં સ્વામીએ કહ્યું હતું કે, “હાલ તેમનું કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ ચાલી રહ્યાં છે, જે તેમના મગજમાં હિંસાથી થયેલી વિપરીત અસરને ઓછી કરશે. તેના માટે અમેરિકા, ફ્રાંસ, લંડન જેવા દેશોથી 6 લોકોને બોલાવવામાં આવ્યા છે. જેઓ તેમને દરરોજ સેશનવાઈઝ ક્લાસ આપે છે. આ બાળકો એટલાં હોંશિયાર છે કે જો તેમને સરખી રીતે કેળવવામાં આવે તો ભવિષ્યમાં IAS, IPS કે અન્ય કોઈ ઉચ્ચ પદ સુધી પણ જઈ શકે. તેઓ ભણીને સરસ તૈયાર થાય એમ છે. ગુજરાતમાં આપણી એક માત્ર સંસ્થા છે આ રીતે મણિપુર હિંસા પીડિત બાળકોનું ઘડતર કરી રહી છે. આ સિવાય મહારાષ્ટ્રના નાસિકમાં અમારી અન્ય એક સંસ્થામાં પણ મણિપુરનાં અન્ય કેટલાક બાળકોને લાવવામાં આવશે જેની તૈયારીઓ ચાલી રહી છે.”
હિંસાના કારણે બાળકોના મગજ પર પડેલી અસર દૂર કરવા સંસ્થામાં બાળકોને અનેક પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવતી હોવાનું પણ સ્વામીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું. જેમાં મેડિટેશન, રમતગમત, સંગીત, તેમજ બને તેટલું સરળ ભણતર આપવાની કામગીરી સંસ્થા કરી રહી છે. વાતચીતના અંતમાં તેમણે જણાવ્યું હતું કે, “આવી કપરી પરિસ્થિતિમાં આપણે એક સાથે આવીએ તો દેશ કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા સક્ષમ છે. આજે ભારત વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે અને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે અને દેશને વધુ મજબૂતીથી આગળ લઇ જવાની ફરજ આપણા તમામની છે.”
મણીપુરમાં ભડકી હતી હિંસાની આગ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં મણિપુર રાજ્યમાં હિંસા ભભૂકી ઉઠી હતી. હિંસામાં અનેક લોકોનાં મોત થયાં હતા, જ્યારે હજારો લોકોને ઇજા પહોંચી હતી. લગભગ 50 હજાર લોકો ઘરો છોડીને રિલીફ કેમ્પમાં રહેવા મજબુર બન્યા હતા. મણિપુરમાં બે સમૂહો કુકી અને મૈતેઈ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.
3 મેના રોજ ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંસા ફાટી નીકળી હતી. આ માર્ચ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે કરવામાં આવતી માંગ વિરુદ્ધ આયોજિત કરવામાં આવી હતી, જેમાં આ બે સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.