રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કરવામાં આવી છે. આ પહેલાં 23 નવેમ્બર, 2023ના રોજ યોજાનાર ચૂંટણી હવે 25 નવેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તારીખોમાં ફેરબદલ થયા બાદ પણ એક તબક્કામાં જ મતદાન યોજાશે. રાજસ્થાનનાં રાજકીય દળો તેમજ સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે તારીખોમાં ફેરબદલ કરી છે. જોકે, પરિણામો પહેલેથી નિયત કરેલી તારીખ 3 ડિસેમ્બરે જ જાહેર કરવામાં આવશે.
વાસ્તવમાં પહેલાં ઈલેકશન કમિશન દ્વારા રાજસ્થાન માટે અગામી 23 નવેમ્બરના રોજ ચૂંટણીની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 23 તારીખના રોજ દેવઉઠી એકાદશી હોવાના કારણે અનેક રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંસ્થાઓએ કમિશનને તારીખોમાં ફેરબદલ કરવા વિનંતી કરી હતી. આ માંગને ધ્યાને રાખીને ઈલેકશન કમિશને રાજસ્થાનની ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કરીને 23ની જગ્યાએ 25 નવેમ્બરે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે.
ECI changes the date of Assembly poll in Rajasthan to 25th November from 23rd November; Counting of votes on 3rd December pic.twitter.com/lG1eYPJ4Hg
— ANI (@ANI) October 11, 2023
વાસ્તવમાં દેવઉઠી એકાદશીના રોજ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો તેમજ અન્ય માંગલિક અને ધાર્મિક ઉત્સવો હોય છે. જેના કારણે મતદાન કરવામાં લોકોને અનેક પ્રકારની અસુવિધાઓ ઉભી થઇ શકે છે. વાહનોની અછત, ટ્રાફિક તેમજ પ્રસંગોને લઈને મતદાન પર પણ અસર થવાની શક્યતાઓને ધ્યાને રાખીને રાજકીય દળો તેમજ સામાજિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિઓ થકી કમીશનને તારીખોમાં ફેરબદલ આવેદન કર્યું હતું.
આવેદન મળ્યા બાદ કમિશને પણ આ વિશે વિચારણા કરીને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોમાં મોટો ફેરબદલ કરી તારીખોને પાછળ ઠેલવી હતી. નિર્ણય બાદ હવે 23 નવેમ્બર 2023ના રોજ યોજાનાર ચૂંટણી હવે 25 નવેમ્બરે (શનિવાર) યોજાશે. નવી તારીખો જાહેર થયા બાદ હવે 30 ઓકટોબરના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. સાથે જ 6 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે અને ઉમેદવારી પત્રોની તપાસ 7 નવેમ્બર સુધી ચાલશે. 25 નવેમ્બરના રોજ મતદાન બાદ 3 નવેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાશે. રાજ્યમાં કુલ 5.25 કરોડ મતદારો છે. જેમાં 2.73 કરોડ પુરુષ તેમજ 2.52 કરોડ મહિલા મતદારો છે. આ સાથે જ 22.04 લાખ મતદાતા એવા છે જેઓ પ્રથમ વાર મતદાન કરીને રાજસ્થાનમાં અગામી સરકારનું ભાવિ નક્કી કરશે.