નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFI પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાં 6 જેટલા રાજ્યોમાં PFIના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં NIAએ કાર્યવાહી હાથ ધરી છે. લગભગ 20 સ્થળો પર દરોડા પાડયા હોવાનું સામે આવી રહ્યું છે.
NIAએ ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા’ (PFI) નામના પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠનના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. 6 રાજ્યોમાં PFI સાથે જોડાયેલા લોકોના ઠેકાણા પર કાર્યવાહી હાથ ધરાઈ છે. દિલ્હીમાં થાના હૌજ કાજી વિસ્તારના બલ્લીમારાનમાં NIAએ દરોડા પાડયા છે. એ સિવાય દિલ્હી-એનસીઆરના ઘણા ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. .
NIAની ટીમે જૂની દિલ્હીના બલ્લીમારાનમાં મુમતાઝ બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. NIAની સાથે લોકલ પોલીસ પણ સામેલ છે. મળેલી માહિતી અનુસાર મુમતાઝ બિલ્ડિંગમાં PFI માટે મજહબી સામગ્રી છાપવાનું કામ થઈ રહ્યું હતું. PFI પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં દરોડા, અબ્દુલ વાહીદ શેખના ઘરે પહોંચી NIAની ટીમ
NIAએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લગભગ 5 ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવા વિસ્તારોમાં NIAએ દરોડા પાડયા છે. હાલ પણ ભિવંડી, મુંદ્રા અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં 5 થી 7 ઠેકાણા પર તપાસ કરવામાં આવી રહી છે.
NIA Raids in Multiple Locations Today
— Kumar Ankit (@Kumar_Ankit03) October 11, 2023
In Maharashtra, Came to Abdul Wahid Shaikh House for raids in connection of PFI.
– As per Abdul Shikh Lawyer: NIA doesn't have hard copy of the Search Warrant, Not provide an official ID card. #RAID #Maharashtra #NIA #Mumbai #India pic.twitter.com/WdZSERCW2c
NIAની ટીમ મુંબઈના વિકારોલીમાં PFI સાથે જોડાયેલા અબ્દુલ વાહીદ શેખના ઘરે રેડ પાડવા પહોંચી હતી. જોકે, વાહીદ શેખે દરવાજો ખોલવાની ના કહી દીધી છે. તેણે કહ્યું કે NIAના અધિકારીઓ ઓળખાણ પત્ર બતાવે અને તેને લીગલ નોટિસ મોકલે, ત્યારબાદ તે તેના વકીલ સાથે વાત કરશે. વાહીદ શેખ મુંબઈ હુમલામાં આરોપી હતો. જોકે, પછીથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને હાલ તે PFI સાથે જોડાયેલો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
રાજસ્થાન, યુપી, તમિલનાડુમાં પણ NIAની એક્શન
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં NIAના દરોડા ચાલી રહ્યા છે. જેમાં ટોંક, કોટા, ગંગાપુર વેગેરે જેવા સ્થળો સામેલ છે. રાજસ્થાનમાં મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણા સંદિગ્ધોને કસ્ટડીમાં લેવાયા છે. એ ઉપરાંત યુપીના બારાબંકી સહિતના અન્ય સ્થળો પર પણ દરોડા પડી રહ્યા છે. તમિલનાડુના મદુરાઈમાં NIAની રેડ ચાલી રહી છે.
યુપીના લખનૌ, બારાબંકી, બહરાઈચ, સીતાપુર, હરદોઈ સહિતની જગ્યાઓ પર NIAના દરોડા ચાલી રહ્યા છે. લખનૌના મદેગંજના બડી પકરિયા વિસ્તારમાં ત્રણ ઘરો પર કાર્યવાહી ચાલી રહી છે. NIAની ટીમો સાથે ભારે માત્રામાં પોલીસ દળ અને સુરક્ષા દળ સામેલ છે.
કેન્દ્ર સરકારે PFI પર મૂક્યો પ્રતિબંધ
વર્ષ 2022માં ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેના સહયોગી અથવા મોરચાઓને પાંચ વર્ષના સમયગાળા માટે તાત્કાલિક અસરથી ગેરકાયદેસર સંગઠનો તરીકે જાહેર કર્યા હતા. ટેરર ફંડ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને રાજ્ય પોલીસ વિભાગો દ્વારા PFI નેતાઓ પર દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
નોટિફિકેશનમાં, કેન્દ્રએ જણાવ્યું હતું કે PFI અનેક ગુનાહિત અને આતંકવાદી કેસોમાં સામેલ છે અને બહારથી ભંડોળ અને વૈચારિક સમર્થન સાથે દેશની બંધારણીય સત્તા પ્રત્યે સંપૂર્ણ અનાદર દર્શાવે છે, તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક PFI કાર્યકર્તાઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયામાં જોડાયા હતા અને ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ભારતમાં, તે કોલેજના પ્રોફેસરના અંગ કાપી નાખવા જેવા હિંસક કૃત્યોમાં સામેલ હતા.