શનિવારે (6 જાન્યુઆરી, 2024) રાત્રે માલદીવ સરકારની અનેક વેબસાઈટ અચાનક ડાઉન થઈ ગઈ હતી. માલદીવના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયની વેબસાઈટ કામ કરવાની બંધ થઈ જતાં મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ એ છે કે તાજેતરમાં PM મોદીએ લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત લીધા બાદ માલદીવના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા વડાપ્રધાન, ભારતીયો અને ભારતને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
Just in: Websites of Maldives President, Foreign ministry & Tourism Ministry are down & unreachable in a suspected cyber attack according to Maldives' media. pic.twitter.com/NGpjZLkBLN
— Sidhant Sibal (@sidhant) January 6, 2024
માલદીવના મીડિયા દ્વારા આ પાછળ સાયબર અટેકની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે માલદીવના રાષ્ટ્રપતિના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ હાલ અનિચ્છનીય ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહી છે. નેશનલ સેન્ટર ફોર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય સંસ્થાઓ તેના ઉકેલ માટે કામ કરી રહી છે. કોઇ પણ અવ્યવસ્થા બદલ ખેદ છે. સહકાર બદલ આભાર.”
જોકે, પછીથી આ ત્રણેય વેબસાઈટ રિકવર કરી લેવાઈ હતી. હાલ ફરીથી આ વેબસાઈટ કાર્યરત છે. જો સાયબર અટેક હોય તો તે પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
PM મોદીની લક્ષદ્વીપ યાત્રા બાદ સોશિયલ મીડિયા પર બેબાકળા થયા હતા માલદીવિયનો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સરખામણી માલદીવ સાથે થવાની શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ, માલદીવનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ કૂદી પડ્યાં હતાં અને ભારત, ભારતીયો અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરતી પોસ્ટનો મારો ચલાવ્યો હતો.
આ અકાઉન્ટ્સમાં માત્ર સોશિયલ મીડિયા ટ્રોલ જ નહીં પરંતુ માલદીવ સરકારના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. શનિવારે માલદીવ સરકારનાં યુવા સશક્તિકરણ, માહિતી અને કળા વિભાગનાં ડેપ્યુટી મિનિસ્ટર મરિયમ શીઓનાએ X પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી અને તેમને ‘ઈઝરાયેલની કઠપૂતળી’ ગણાવ્યા હતા.
તે સિવાય શુક્રવારે (5 જાન્યુઆરી, 2023) પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવના એક કાઉન્સિલર ઝહીદ રમીઝે X પર એક પોસ્ટ કરીને ભારતીયોની મજાક ઉડાવી હતી. ભારતના જાણીતા X યુઝર મિ. સિન્હાએ લક્ષદ્વીપ યાત્રાના PM મોદીના ફોટો શૅર કરીને ભારતીય દ્વીપને માલદીવનો બીજો વિકલ્પ ગણાવ્યો હતો. જેનાથી ધૂઆપૂઆ થયેલા માલદીવના નેતાએ ભારતીયો પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.
તેમણે લખ્યું કે, “પગલું ઉત્તમ છે. પરંતુ અમારી સાથે સ્પર્ધા કરવાની વાત ભ્રમ છે. અમે જે સર્વિસ આપીએ છીએ તે સર્વિસ તેઓ ક્યાંથી આપી શકશે? તેઓ આટલા ચોખ્ખા કઈ રીતે રહી શકે? રૂમોમાં એક કાયમી રીતે આવતી વાસ જ સૌથી મોટી સમસ્યા હશે.”