કતારના પૈસે ચાલતી અને કટ્ટર ઇસ્લામીઓના એજન્ડાને આગળ વધારવા માટે કુખ્યાત મીડિયા સંસ્થા ‘અલ જઝીરા’ની (Al Jazeera) વેસ્ટ બેન્ક શાખા (West Bank) પણ ઈઝરાયેલે બંધ કરાવી દીધી છે. ‘વેસ્ટ બેન્ક’ સ્થિત અલ જઝીરાની ઑફિસ પર રવિવારે (22 સપ્ટેમ્બર) વહેલી સવારે ઈઝરાયેલની સેનાએ (IDF) દરોડા પાડ્યા હતા અને શટર પાડી દેવડાવ્યું હતું. જવાનોએ ક્લોઝર ઓર્ડર પકડાવી દઈને પત્રકારોને ઑફિસમાંથી તગેડી મૂક્યા હતા. આ બધાનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલમાં ત્યાંની સરકાર પહેલેથી જ અલ જઝીરા પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. તાજો ઘટનાક્રમ વેસ્ટ બેન્કનો છે, જે ‘પેલેસ્ટાઇન’ હેઠળ આવતો ઈઝરાયેલના પશ્ચિમ છેડે આવેલો એક વિસ્તાર છે, જેનું સંચાલન પેલેસ્ટેનિયન ઑથોરિટી કરે છે. જોકે, આ વિસ્તારમાં પણ ઈઝરાયેલનાં અનેક સેટલમેન્ટ્સ છે, જેની સુરક્ષા ઈઝરાયેલની સેના જ કરે છે.
રવિવારે સવારે ઈઝરાયેલની સેના વેસ્ટ બેન્ક સ્થિત અલ જઝીરાની ઑફિસે પહોંચી ગઈ હતી અને ત્યાં જવાબદારોને 45 દિવસ સુધી ચેનલ બંધ રાખવા માટેનો ક્લોઝર ઓર્ડર પકડાવી દીધો હતો. એક ઈઝરાયેલી સૈનિક અલ જઝીરાના પત્રકારોને કહેતો સંભળાય છે કે, “અલ જઝીરાને 45 દિવસ માટે બંધ કરવા માટેનો આ કોર્ટનો આદેશ છે. અહીંથી તમામ કેમેરા લઈ લો અને આ જ ક્ષણે ઑફિસ છોડી દો.”
لحظة اقتحام قوات الاحتلال الإسرائيلي مكتب قناة #الجزيرة برام الله مع أمر عسكري بغلقه 45 يوما#حرب_غزة #الأخبار pic.twitter.com/EKdkgCRSCT
— قناة الجزيرة (@AJArabic) September 22, 2024
ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્લોઝર ઓર્ડરમાં કારણ આપતાં કહેવામાં આવ્યું કે અલ જઝીરા આતંકવાદને પ્રોત્સાહન આપીને ઉશ્કેરણી કરતું હોવાનું જાણવા મળ્યું છે, જેથી 45 દિવસ માટે તેને વેસ્ટ બેન્કમાંથી પણ બંધ કરવામાં આવે.
એપ્રિલમાં ઈઝરાયેલે મૂકી દીધો હતો પ્રતિબંધ
અહીં ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં ઈઝરાયેલે એક કાયદો પસાર કરીને અલ-જઝીરા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેની ઉપર હમાસને સમર્થન આપવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરણી કરવાનો આરોપ છે. જે-તે સમયે 45 દિવસનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં ચાર વખત રિન્યુ કરવામાં આવી ચૂક્યો છે.
જોકે, આ આદેશ ઈઝરાયેલી ભૂમિ પર જ લાગુ પડતો હોવાના કારણે અલ-જઝીરાએ વેસ્ટ બેન્ક અને ગાઝામાં (જે સંયુક્ત રીતે પેલેસ્ટાઇન કહેવાય છે) કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ હવે વેસ્ટ બેન્કમાંથી પણ તેની દુકાન બંધ કરી દેવામાં આવી છે.
ઈઝરાયેલે અલ જઝીરા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો ત્યારે કારણ આપતાં ત્યાંની કોર્ટે કહ્યું હતું કે, હમાસ અને અલ જઝીરા વચ્ચે ગાઢ સંબંધ હતો અને ગાઝામાં જઝીરાના અમુક રિપોર્ટરો આતંકવાદી સંગઠન સાથે કામ કરતા પણ જોવા મળ્યા હતા અને અમુકે તો આતંકવાદી ગતિવિધિઓમાં પણ ભાગ લીધો હતો. ઉપરાંત, ઈઝરાયેલમાં હુમલો કરનારા આતંકવાદીઓ અને અલ-જઝીરાના કન્ટેન્ટ વચ્ચે પણ કનેક્શન જાણવા મળ્યું હોવાનું ત્યાંની કોર્ટે ત્યારે જણાવ્યું હતું.