ઇઝરાયેલ (Israel) જાણે હિઝબુલ્લાહનું નામોનિશાન ભૂંસી નાખવા પર ઉતરી આવ્યું હોય તેમ તેણે લેબનાન પર અત્યાર સુધીની સહુથી મોટી અને ખતરનાક એરસ્ટ્રાઈક (Airstrikes on Lebanon) કરી છે. ઇઝરાયેલે લેબનાન પર 200થી વધુ રોકેટ ફટકાર્યા, જેમાં 500થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં 1600થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે હિઝબુલ્લાહના (Hezbollah) 1300થી વધુ ઠેકાણાઓ પર ધડા-ધડ રોકેટોનો મારો ચલાવ્યો હતો. જોકે આ પહેલા સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે ચેતવણી આપી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ લેબનાનમાં અફરાતફરીનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધ શરૂ થયા બાદનો આ સહુથી મોટો હુમલો છે. હાલ આખા લેબનાનમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. બજારો પણ જડબેસલાક બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. લોકોને તેમના ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર આ હુમલામાં 500 લોકો માર્યા ગયા છે.
હિઝબુલ્લાહના 1300 ઠેકાણા ફૂંકી માર્યા
અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઇઝરાયેલની સેનાએ આ હુમલા વિશે આધિકારિક માહિતી જાહેર કરીને જણાવ્યું છે કે તેમણે હિઝબુલ્લાહના 1300 ઠેકાણા ફૂંકી માર્યા છે. આ સ્ટ્રાઈક 2006ના યુદ્ધ બાદ હિઝબુલ્લાહ દ્વારા બનાવવામાં આવેલા કામચલાઉ બંકરોને નષ્ટ કરવા માટે કરવામાં આવી છે. યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયેલનો ચોથો અને સહુથો મોટો હુમલો છે. બીજી તરફ લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે.
લેબનાનના સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે આ હુમલામાં 492થી વધુ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 1600થી વધુ લોકો હુમલામાં ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. બીજી તરફ ઇઝરાયેલ દ્વારા હુમલા પહેલા જ લેબનાનના લોકો માટે એલર્ટ જાહેર કરી દીધું હતું.
નેતન્યાહૂનો લેબનાનના નાગરિકો જોગ સંદેશ
નોંધનીય છે કે આ હુમલા પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂનો એક રેકોર્ડેડ સંદેશ લેબનાનના નાગરિકોને મોકલવામાં આવ્યો હતો. આ સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે હિઝબુલ્લાહ તેમને માનવ ઢાલની જેમ વાપરી રહ્યું છે. આ સંદેશમાં પહેલા જ ચોખવટ કરી દેવામાં આવી હતી કે ઇઝરાયેલની સેના ગમે ત્યારે મોટો હુમલો કરી શકે છે, માટે સુરક્ષિત સ્થળે ખસી જવું. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, “આ ચેતવણીને ગંભીરતાથી લેવી. ઇઝરાયેલ લેબનાન કે તેના નાગરિકો સાથે યુદ્ધ નથી લડી રહ્યું, પરંતુ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન સાથે યુદ્ધ કરી રહ્યું છે.”
ચેતવણી સંદેશમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, “કૃપા કરી જોખમી વિસ્તારથી દૂર ચાલ્યા જવું. એક વાર અમારું ઓપરેશન સમાપ્ત થયે આપ સુરક્ષિત રીતે તમારા ઘરે પરત આવી શકો છો.” બીજી તરફ લેબનાનની ન્યુઝ એજન્સી NNAએ પણ માહિતી આપી હતી કે લેબનાનના નાગરિકોને સંદેશ મળ્યા હતા કે ઇઝરાયેલ હુમલો કરવાનું છે.