ગાઝા પટ્ટી પર આતંકવાદી સંગઠન હમાસનો સફાયો કરતા ઈઝરાયેલે હવે ઉત્તર મોરચે લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લા સાથે યુદ્ધ શરૂ કર્યું છે. રવિવારે સવારે ઈઝરાયેલે લેબનોન સ્થિત હિઝબુલ્લાના ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો અને જણાવ્યું હતું કે તેમને મળેલાં ઇનપુટ્સ મુજબ આતંકી સંગઠન ઇઝરાયેલી ભૂમિ પર મોટો હુમલો કરવા જઈ રહ્યું હતું. પછીથી હિઝબુલ્લાએ પણ ઇઝરાયેલ તરફ રૉકેટમારો ચલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 7 ઑક્ટોબર, 2023ના હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદથી જ હિઝબુલ્લા પણ ઇઝરાયેલની ઉત્તર સરહદે નાની-નાની અવળચંડાઈ કરતું રહે છે. દરમ્યાન, ઘણી વખત ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લા સામે પણ ઑપરેશનો પાર પાડ્યાં હતાં. થોડા સમય પહેલાં ઇઝરાયેલની ઉત્તર સરહદે થયેલી એક મિસાઇલ સ્ટ્રાઈકમાં 12 વ્યક્તિઓનાં મોત થયાં હતાં. હિઝબુલ્લાએ આ હુમલા પાછળ સંડોવણી નકારી દીધી હતી, પરંતુ ઇઝરાયેલે પામી જતાં ગત 30 જુલાઈએ એરસ્ટ્રાઈક કરીને હુમલાનો બદલો લીધો હતો, જેમાં આતંકી સંગઠનનો એક કમાન્ડર ફૌદ શુકર માર્યો ગયો હતો. હિઝબુલ્લાનું કહેવું છે કે તેઓ કમાન્ડરના મોતનો બદલો લેવા માટે ઇઝરાયેલ પર હુમલો કરવા જઈ રહ્યા હતા.
Approx. 100 IAF fighter jets struck and eliminated thousands of Hezbollah rocket launcher barrels, aimed for immediate fire toward northern and central Israel.
— Israel Defense Forces (@IDF) August 25, 2024
More than 40 Hezbollah launch areas were struck.
We will do whatever is needed to defend our civilians and the State… pic.twitter.com/1nuuo9NEZj
રવિવારે સવારે કરેલા હુમલા વિશે ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે, તેમનાં 100 ફાઈટર જેટ્સે લેબનોનમાં હજારો રૉકેટ લોન્ચરો ધ્વસ્ત કરી દીધાં હતાં, જે ઉત્તર અને મધ્ય ઇઝરાયેલ તરફ હુમલો કરવા માટે તાંકવામાં આવ્યાં હતાં. IDFની વાયુસેનાએ 40 જેટલા હિઝબુલ્લાનાં ઠેકાણાં ફૂંકી માર્યાં હતાં સાથે કહ્યું કે, ઈઝરાયેલ અને તેના નાગરિકોની સુરક્ષા માટે સેના કોઇ પણ હદ સુધી જશે.
હુમલાઓ અને યુદ્ધ જેવી સ્થિતિને પગલે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની બેઠક કરી હતી. તેમના કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, ઈઝરાયેલના રક્ષામંત્રીએ આગામી 48 કલાક સુધી દેશમાં ઇમરજન્સી ઘોષિત કરી છે. જેના કારણે આ સમય દરમિયાન ઇઝરાયેલી સેનાને નાગરિકો પર થોડાં વધુ નિયંત્રણો લાદવા માટે સત્તા મળશે. બીજી તરફ, અમુક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યાં છે.
ધમાલ વચ્ચે અમેરિકાનું ઈઝરાયેલની સેનાને સમર્થન મળ્યું છે. USના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખે કહ્યું કે, “રાષ્ટ્રપતિ જો બાયડનની સૂચનાથી USના વરિષ્ઠ અધિકારીઓ સતત ઇઝરાયેલી સરકાર સાથે સંપર્કમાં છે અને અમે ઇઝરાયેલના સ્વરક્ષાના આ અધિકારનું સમર્થન કરતા રહીશું. વિસ્તારમાં સ્થિરતા સર્જાય તે માટે અમે કટિબદ્ધ છીએ.”