હિઝબુલ્લાહ સાથે ચાલતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલી સેનાએ (IDF) શુક્રવારે (27 સપ્ટેમ્બર) લેબનાનના પાટનગર બૈરુત સ્થિત આતંકવાદી સંગઠનના હેડક્વાર્ટર પર ભીષણ એરસ્ટ્રાઇક કરી દીધી હતી, જેમાં સંગઠનનો પ્રમુખ નસરુલ્લાહ પણ માર્યો ગયો હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેનો ચીફ જીવિત અને સ્વસ્થ છે, જ્યારે ઈઝરાયેલી સેના હાલ નસરુલ્લાહ હાલત શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ટાઈમ્સ ઑફ ઈઝરાયેલે સેના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેને જોતાં નસરુલ્લાહ જીવિત બચ્યો હોય તેની સંભાવનાઓ બહુ ઓછી છે. નોંધનીય છે કે IDFએ બૈરુત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું અને અહીં જ નસરુલ્લાહનું બંકર પણ આવેલું છે, જ્યાં તે રહેતો હતો. આ જ કારણ છે કે એરસ્ટ્રાઈકમાં તે માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, એક શક્યતા એ પણ છે કે તે હેડક્વાર્ટર છોડીને આસપાસના નાગરિકોના વિસ્તારમાં ચાલ્યો ગયો હોય.
“Moments ago, the Israel Defense Forces carried out a precise strike on the Central Headquarters of the Hezbollah terror organization…taking the necessary action to protect our people so that Israeli families can live in their homes, safely and securely.”
— Israel Defense Forces (@IDF) September 27, 2024
Listen to IDF… pic.twitter.com/I4hbN7KkO8
જોકે, બીજી તરફ નસરુલ્લાહને હુમલામાં કોઈ અસર થઈ હોવાનું હિઝબુલ્લાહે નકારી દીધું છે અને કહ્યું છે કે તે સ્વસ્થ છે. હિઝબુલ્લાહનાં સૂત્રોએ વિદેશી મીડિયાને જણાવ્યું કે, તેમનો જનરલ સેક્રેટરી સુરક્ષિત છે અને જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો ત્યાં હાજર ન હતો. પરંતુ ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તેઓ નસરુલ્લાહ વિશે વધુ માહિતી મેળવી રહ્યા છે અને વધુ વિગત મેળવ્યા બાદ આગળની જાણકારી આપવામાં આવશે.
આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હોવાનું અને 90 ઈજાગ્રસ્ત થયા હોવાનું હિઝબુલ્લાહનું કહેવું છે, પરંતુ વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં તસ્વીરો સામે આવી છે, જેમાં બૈરુતમાં ઇમારતો પર હવાઈ હુમલા થતા જોઈ શકાય છે અને ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. ઈઝરાયેલે આ હુમલામાં કુલ 6 ઇમારતો ધ્વસ્ત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જે એક વર્ષમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ તેનો સૌથી મોટો હુમલો છે.
بالفيديو: لحظة استهداف الضاحية بغارات عدة pic.twitter.com/N7Q8TAIBNI
— هنا لبنان (@thisislebnews) September 27, 2024
આ નિવેદનમાં ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ આ સ્ટ્રાઈકની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલની સુરક્ષાને ધ્યાને લઈને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના હેડકવાર્ટર પર સટીક એર સ્ટ્રાઈક કરીને તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા બાદ એરફોર્સે બેરુતના વિસ્તારમાં હિઝબુલ્લાહ હેડકવાર્ટરને નિશાન બનાવ્યું હતું. અહીં હથિયારો પણ રાખવામાં આવતાં હતાં. આટલું જ નહીં, આ જ જગ્યા પર આતંકવાદી સંગઠનનું કમાન્ડિંગ સેન્ટર પણ હતું જેને સંપૂર્ણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
બેન્જામિન નેતન્યાહુ અમેરિકામાં, ત્યાંથી જ હુમલાની મંજૂરી આપી
આ હુમલો થયો ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના ન્યૂયોર્કમાં હતા. તેઓ અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંમેલનને સંબોધવા માટે પહોંચ્યા હતા. તેઓ કાર્યક્રમમાં ભાગ લે તેની થોડી જ ક્ષણો પહેલાં હોટેલના રૂમમાંથી તેમણે એરસ્ટ્રાઇક માટે સેનાને લીલી ઝંડી આપી હતી.
આ હુમલા વિશે અમેરિકાનું કહેવું છે કે તેમને પણ ઈઝરાયેલે પછીથી જાણકારી આપી હતી, જ્યારે એરસ્ટ્રાઈક કરવા માટે વિમાનો રવાના થઈ ચૂક્યાં હતાં. નેતન્યાહુએ કહ્યું કે, તેઓ ઈઝરાયેલની રક્ષા માટે સમર્પિત છે અને શક્ય તમામ પગલાં લેશે.