ગાઝા પટ્ટીમાં સક્રિય ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે હુમલો કર્યા બાદ હવે ઈઝરાયેલે યુદ્ધ જાહેર કરીને બમણી તાકાતથી કાર્યવાહી શરૂ કરી છે. આ જ ક્રમમાં હવે ઈઝરાયેલના રક્ષા મંત્રીએ ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, વીજળી, ભોજન, ઇંધણ તમામ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યા છે.
ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલેન્ટે કહ્યું કે, “મેં ગાઝા પટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાના આદેશ આપ્યા છે. ન વીજળી અપાય, ન ભોજન, ન ઈંધણ, તમામ બંધ કરી દેવામાં આવ્યું છે.” તેમણે ઉમેર્યું કે, અમે માનવના રૂપમાં પ્રાણીઓ સામે લડી રહ્યા છીએ અને તેમને એ રીતે જ જવાબ આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટી પર આતંકી સંગઠન હમાસનું શાસન છે. 41 કિલોમીટર લાંબા અને 10 કિલોમીટર પહોળા આ પટ્ટામાં 20 લાખ લોકો રહે છે. ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાઓ કરવા માટે હમાસ ગાઝાની ધરતીનો જ ઉપયોગ કરે છે. જેથી હવે ઇઝરાયેલે ગાઝા પર જ ઘેરાબંધી કરીને પૂરી શક્તિથી હુમલો કરવાની યોજના બનાવી લીધી છે.
હાલ છેલ્લા બે દિવસથી ઇઝરાયેલની સેના ગાઝા સ્થિત હમાસનાં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવી રહી છે અને એરસ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં હજારો નાનાં-મોટાં ઠેકાણાં, ઇમારતો તોડી પાડવામાં આવ્યાં છે અને કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. આ કાર્યવાહીમાં હમાસના ઈન્ટેલિજન્સ ચીફનું ઘર પણ સામેલ છે. જેને ઇઝરાયેલની સેનાએ ફૂંકી માર્યું હતું.
עשרות מטוסי קרב של חיל-האוויר תקפו לפני זמן קצר מטרות רבות ברחבי שכונת אל פורקן.
— Israeli Air Force (@IAFsite) October 9, 2023
שכונת אל פורקן משמשת כקן טרור עבור חמאס וממנה יוצאות לפועל פעילויות רבות נגד ישראל. pic.twitter.com/Lth3sVetBo
સોમવારે ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે, તેમનાં ડઝનબંધ ફાઈટર જેટ્સ હાલ ગાઝા પર ત્રાટકી રહ્યાં છે અને એક પછી એક આતંકી ઠેકાણાં નષ્ટ કરવામાં આવી રહ્યાં છે. ઇઝરાયેલી એર ફોર્સે શૅર કરેલા ફૂટેજમાં આ કાર્યવાહી સ્પષ્ટ નજરે પડે છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝામાં 560 લોકો માર્યા ગયા હોવાનું હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે, પરંતુ ઇઝરાયેલી મીડિયા અહેવાલો આ આંકડો 800થી વધુનો હોવાનું જણાવી રહ્યા છે.
પૂર્વ રક્ષામંત્રીએ કહ્યું- હમાસના સંપૂર્ણ નાશ માટે ગાઝા શહેરમાં ઘૂસીને આતંકીઓને મારવાની જરૂર
આ કાર્યવાહીની વચ્ચે હવે ગાઝામાં ઘૂસીને આતંકવાદીઓને મારવા માટેની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ઈઝરાયેલના પૂર્વ રક્ષા મંત્રી એવિગ્ડર લિબરમેને કહ્યું કે, હમાસના સંપૂર્ણ નાશ માટે હવે જમીન માર્ગે ગાઝામાં ઘૂસી જઈને આતંકવાદીઓનો સફાયો કરવો જોઈએ. તેમણે કહ્યું, “હમાસને નષ્ટ કરવા માટે અત્યારે જરૂર છે જમીન માર્ગે ગાઝા શહેરમાં પ્રવેશવાની. આપણે સંપૂર્ણ સફાઈ કરવી પડશે.” તેમણે એમ પણ કહ્યું કે, જો સરકાર આશ્વાસન આપે કે તેઓ હમાસનો સંપૂર્ણ નાશ કરવા માટે તૈયાર છે તો અમે પણ સંયુક્ત સરકારમાં સામેલ થઈને સાથે કામ કરીશું.
જોકે, અત્યાર સુધી ઇઝરાયેલની સેના ગાઝામાં માત્ર હવાઈ હુમલા કરીને આતંકીઓને ઠેકાણે પાડી રહી છે, જો જમીન માર્ગે પણ ઑપરેશન શરૂ કરવામાં આવે તો યુદ્ધ વધુ ભીષણ બનશે. જોકે, સેનાએ હજુ સુધી આવી કોઇ તૈયારી બતાવી નથી. પરંતુ યુદ્ધમાં કંઈ પણ થઈ શકે છે અને આ અધિકારિક રીતે યુદ્ધ લડાઇ રહ્યું છે.