Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાહવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારશે ઇઝરાયેલી સેના, IDFએ કહ્યું- ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન...

    હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારશે ઇઝરાયેલી સેના, IDFએ કહ્યું- ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન માટે તૈયાર: જળ-જમીન-આકાશ, ત્રણેય મોરચે એકસાથે હુમલા થશે 

    યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઇઝરાયેલી સેનાએ માત્ર હવાઇ માર્ગે હમાસનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા પરંતુ હવે ગ્રાઉન્ડ ઓપરેશન થકી આરપારની લડાઇ લડશે.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસ સાથે ચાલતા યુદ્ધ વચ્ચે હવે ઇઝરાયેલે જમીની આક્રમણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, ગમે ત્યારે ઇઝરાયેલી સેના ગાઝામાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો ચાલુ કરી દેશે. બીજી તરફ, સેનાએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે. IDFએ કહ્યું કે, તેઓ ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. 

    એક નિવેદનમાં IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) તરફથી જણાવવામાં આવ્યું કે, હવે તેઓ અન્ય ઑપરેશન પ્લાન્સ અમલમાં મૂકીને આક્રમણનો વિસ્તાર વધારવા માટે તૈયાર છે, જેમાં જળ, જમીન અને આકાશમાંથી એકસાથે હુમલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઇઝરાયેલી સેનાએ ગાઝામાં માત્ર હવાઇ માર્ગે હમાસનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા પરંતુ હવે ગ્રાઉન્ડ ઓપરેશન થકી આરપારની લડાઇ લડશે.

    જમીની આક્રમણ માટે જે કાંઈ હથિયારો અને અન્ય ઉપકરણોની જરૂર પડશે તે પૂરાં પાડવા માટે હાલ કામ ચાલી રહ્યું છે. બીજી તરફ સૈન્ય બળ પણ વધારવામાં આવી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, યુદ્ધ માટે જરૂરી ઉપકરણો તમામ ક્ષેત્રોમાં પહોંચાડી દેવામાં આવ્યાં છે અને તકનીકી અને લોજિસ્ટિક્સ ડિરેક્ટોરેટનાં વિવિધ યુનિટ દ્વારા હાલ લડાઈ માટે જરૂરી અદ્યતન ઉપકરણોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આગળ કહેવામાં આવ્યું કે, આખા દેશમાં સેના પથરાઇ ચૂકી છે અને હવે યુદ્ધના આગલા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ સામેલ હશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલે ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં રહેતા નાગરિકોને સ્થળાંતર કરીને દક્ષિણ તરફ ચાલ્યા જવા માટે કહ્યું ત્યારથી જ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે સેના ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે, જેની હવે પુષ્ટિ કરી દેવામાં આવી છે. હવે માત્ર જોવાનું એ રહેશે કે ઇઝરાયેલી સેના આ ઑપરેશનનાં મંડાણ ક્યારથી કરે છે. 

    ઇઝરાયેલ 10 હજાર સૈનિકો મોકલશે, હમાસના નેતૃત્વને ખતમ કરવાનો પ્લાન

    ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનું માનીએ તો ઇઝરાયેલ ગાઝામાં 10 હજાર સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેઓ સરહદપાર ઘૂસીને હમાસના આતંકીઓનો સફાયો કરશે. ઈઝરાયેલનો મૂળ ઉદ્દેશ્ય હમાસના નેતૃત્વને ખતમ કરવાનો છે, જેમાં યાહ્યા સિનવાર જેવા હમાસના ટોચના આતંકવાદીઓ પણ સેનાના નિશાને છે, જેમને ઑપરેશન દરમિયાન ખતમ કરવામાં આવશે. યાહ્યા ગાઝામાં રહીને હમાસનું સંચાલન કરે છે. જ્યારે આ સંગઠનનો વડો ઇસ્માઇલ હનિયાહ છે, જે કતાર રહે છે. 

    ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં ઇઝરાયેલી સેનાના અધિકારીઓને ટાંક્યા છે. જેમણે જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન સેનાના અમુક નિયમોમાં પણ ઢીલાશ મૂકવામાં આવી છે. જેમકે, સંદિગ્ધ દુશ્મનોને ઠાર કરવા પહેલાં સૈનિકોએ જે અમુક બાબતોની પુષ્ટિ કરવાની રહે છે તે નિયમો હળવા કરાયા છે. એટલે કે કોઇ શંકાસ્પદ વ્યક્તિ અવળચંડાઈ કરતો દેખાય તો સૈનિકો જુએ ત્યાં તેને ઠાર કરી શકશે. આ ઑપરેશન માટે ખાસ ઇઝરાયેલી સૈનિકોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જેથી તેઓ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહે. 

    રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલે આ શનિ-રવિમાં જ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ હવામાન અનુકૂળ ન રહેવાના કારણે વિલંબ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે સૈનિકો ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવશે ત્યારે હવાઇ માર્ગે વાયુસેનાનાં ફાઇટર જેટ્સ અને ડ્રોન તેમને કવર પૂરું પાડશે. જેમની ઉડાન સ્વચ્છ હવામાન સિવાય શક્ય નથી. ઈઝરાયેલનું કહેવું છે કે તેમના આ ઑપરેશન બાદ હમાસ ગાઝા પર શાસન કરવાની સ્થિતિમાં નહીં રહે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં