ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યમન સ્થિત હૂતી વિદ્રોહીઓ પણ આ લડાઇમાં કૂદી પડ્યા હતા. યુદ્ધ દરમિયાન અવારનવાર હૂતીઓએ સમુદ્રમાં ઈઝરાયેલનાં જહાજો હાઇજેક કરી લીધાં હોવાના સમાચારો પણ સામે આવતા રહે છે. દરમ્યાન, તાજેતરમાં ઇઝરાયેલના તેલ-અવીવ પર હૂતીઓએ એક ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ હુમલા બાદ ઇઝરાયેલે યમનમાં હૂતીઓ સંચાલિત એક બંદર પર ભીષણ હુમલો કરી દીધો હતો, જેમાં 3 લોકોનાં મોત થયાં છે અને 87ને ઈજા પહોંચી છે. જોકે, આ હૂતીઓએ જાહેર કરેલો આંકડો છે. હુમલાને જોતાં વધુ લોકોનાં મોત થયાં હોવાનું અનુમાન છે.
ઇઝરાયેલી સેનાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘હૂતીઓ દ્વારા સતત 9 મહિનાથી ઇઝરાયેલ પર થતા હવાઈ હુમલાઓ બાદ IAF (ઇઝરાયેલી એરફોર્સ) ફાઈટર જેટ્સે યમનના અલ હોદેયદાહ બંદર વિસ્તારમાં હૂતી આતંકવાદીઓ સંચાલિત ઠેકાણાં પર હુમલો કર્યો છે. આ બંદર હૂતી આતંકવાદીઓના વિસ્તારમાં ઈરાનનાં હથિયારો પહોંચાડવા માટેનું પ્રવેશદ્વાર બની ગયું હતું. IDF ક્યાંય પણ કાર્યવાહી કરવામાં સક્ષમ છે અને જે કોઇ પણ ઇઝરાયેલીઓ સામે જોખમ ઊભું કરશે તેમને નષ્ટ કરી દેવામાં આવશે.”
After 9 months of continuous aerial attacks by the Houthis in Yemen toward Israel, IAF fighter jets conducted an extensive operational strike over 1,800km away against Houthi terrorist military targets in the area of Al Hudaydah Port in Yemen. This port serves as an entryway for… pic.twitter.com/AGJpjsyfs5
— Israel Defense Forces (@IDF) July 20, 2024
સોશિયલ મીડિયા પર તસવીરો અને વિડીયો સામે આવી રહ્યાં છે, જેમાં યમનના હૂતી સંચાલિત બંદર પર ઇઝરાયેલી હુમલા બાદ આગની લપટો જોઈ શકાય છે. રિપોર્ટ અનુસાર, એરસ્ટ્રાઈકમાં ફ્યુલ ડેપો, ઊર્જા સંબંધિત ઠેકાણાં અને અન્ય જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. IDFએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલો તેમણે જ કર્યો છે અને અમેરિકન સેનાની તેમાં કોઇ ભૂમિકા નથી. જોકે, જણાવાયું છે કે હુમલા પહેલાં અમેરિકાને જાણ કરવામાં આવી હતી.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) July 20, 2024
2 days ago, the Houthis in Yemen carried out their first ever deadly drone attack against Israel.
Now, Israel has answered with their first ever missile strikes against the Houthis.
The largest port of Yemen is now completely engulfed in flames. pic.twitter.com/qajK442Sk9
આ હુમલામાં F-35 ફાઈટર જેટ, F-15 ફાઈટર જેટ, રિફ્યુલિંગ પ્લેન સહિત એક ડઝન એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો અને ઇઝરાયેલથી 1800 કિલોમીટર દૂર જઈને સેનાએ ઑપરેશન પાર પાડ્યું હતું. IDF પ્રવક્તાએ કહ્યું કે, “આ એક જટિલ મિશન હતું અને અત્યાર સુધી ઇઝરાયેલી સેનાએ પાર પાડેલાં સૌથી લાંબાં મિશનો પૈકીનું એક હતું. આવાં કામો માટે કાળજીપૂર્વકની યોજના બનાવવી પડે છે અને તૈયારીઓ પણ પૂરતી કરવાની રહે છે.”
ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે હૂતીઓએ તેલ અવીવ પર એક ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં એક નાગરિકનું મોત થયું હતું. આ ડ્રોન ઈરાન નિર્મિત હતું અને ઇઝરાયેલનું કહેવું છે કે ‘માનવીય ભૂલ’ના કારણે તેને રડાર પર ટ્રેસ કરી શકાયું ન હતું. આ હુમલા બાદ શનિવારે સવારે રક્ષામંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં હૂતીઓ ઉપર હુમલાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી. જોકે, હૂતીઓએ આ પહેલી વખત હુમલો કર્યો ન હતો. યુદ્ધ દરમિયાન તેઓ 220થી વધુ બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન ઇઝરાયેલ તરફ મોકલી ચૂક્યા છે. જોકે, ઈઝરાયેલની આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમ મોટાભાગનાં હથિયારો હવામાં જ નષ્ટ કરી દે છે.