ઈરાને પાકિસ્તાનના અમુક આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર અન્ય કોઈ મીડિયા દ્વારા નહીં પરંતુ ઈરાન સરકારની આધિકારિક એજન્સીએ આપ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાનમાં ઈરાને એરસ્ટ્રાઈક કરી છે અને આતંકી જૂથના ઠેકાણાં પર તાબડતોડ મિસાઈલો વરસાવી છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ આ અંગેની પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને ઈરાનને કહ્યું છે કે, આ ઘટનાનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની આ ધમકી ખૂબ જ હાસ્યાસ્પદ બની રહી છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનની મુલાકાત લીધી હતી.
ઈરાને મંગળવારે (16 જાન્યુઆરી) પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો કર્યો છે. બલૂચિસ્તાનમાં સ્થિત આતંકી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણાં પર તાબડતોડ મિસાઈલો વરસાવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.બીજી તરફ પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, ઈરાનના એરસ્ટ્રાઈકથી બે બાળકોના મોત થયા છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ પહેલાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ એક આધિકારિક નિવેદન આપતા કહ્યું હતું કે, “આ અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન છે.” સાથે ઈરાનને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે.
Iran's Revolutionary Guard Corps launched a ballistic missile and drone attack on Jaish Al Adl militant bases in Pakistan.
— Global: Military-Info (@Global_Mil_Info) January 16, 2024
It is unclear if Pakistan was aware of the strikes beforehand.
(stock image) pic.twitter.com/XpDbxtW9RU
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAની રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં હુમલો માટે મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, આ હુમલાને ઈરાનના અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડે અંજામ આપ્યો છે. જોકે, પાકિસ્તાને હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેના ગંભીર પરિણામો આવશે.”
પાકિસ્તાને ઈરાનના વિદેશ મંત્રાલય પર કરી ફરિયાદ
પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને પાકિસ્તાન વિદેશ મંત્રાલય પણ બોલાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે આતંકવાદ એ ક્ષેત્રના તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે, જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. જોકે, આ પ્રકારના હુમલા એક સારા પાડોશી હોવાનો પુરાવો નથી આપતા. આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે.
બીજી તરફ જૈશ-અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેણે માહિતી આપી છે કે, ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ-અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશ-અલ-અદલના આતંકીઓના બે મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા.
ભારતના વિદેશ મંત્રીએ કરી હતી ઈરાન મુલાકાત
નોંધનીય છે કે, આ ઘટના તેવા સમયે બની રહી છે, જ્યારે તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રીએ ઈરાનની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં સોમવારે (15 જાન્યુઆરી) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહ્યાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ચાબહાર પોર્ટ અને સમુદ્રમાં જહાજો પર થઈ રહેલા હુમલા અંગે વાતચીત કરવામાં આવી હતી. આ બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારત અને ઈરાન વચ્ચે થયેલા કરારોને લાગુ કરવા અને તેને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો.