ઇઝરાયેલ પર પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે હુમલો કર્યા બાદ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની ભીષણ જવાબી કાર્યવાહી સતત 8 દિવસથી શરૂ છે. આ કડીમાં જ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે એરસ્ટ્રાઈક કરી ગાઝા પટ્ટીમાં આવેલા આતંકી અડ્ડાઓને જમીનદોસ્ત કરી દીધા છે. આ વચ્ચે ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસનો કમાન્ડર બિલાલ અલ-કેદરા માર્યો ગયો છે. તાજેતરમાં ઇઝરાયેલનાં બે સરહદી ગામો નિરિમ અને નીર ઓજ પર આતંકવાદીઓએ હુમલા કર્યા હતા, તેની આગેવાની બિલાલે લીધી હતી.
ઇઝરાયેલની વાયુ સેના (IAF)એ રવિવારે (15 ઓક્ટોબરે) કહ્યું કે, “ઈઝરાયેલ સુરક્ષા એજન્સી દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, હમાસના નુખબા યુનિટના દક્ષિણી ખાન યુનિસ બટાલિયનનો કમાન્ડર બિલાલ અલ-કેદરા ઇઝરાયેલી વાયુ સેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો છે. ઇઝરાયેલી એરફોર્સે એરસ્ટ્રાઈકનો એક વિડીયો પણ શૅર કર્યો છે.
As part of the extensive IAF strikes of senior operatives and terror infrastructure in the Gaza Strip, the IDF and ISA killed the Nukhba commander of the forces in southern Khan Yunis, who was responsible for the Kibbutz Nirim massacre pic.twitter.com/UTspdQYgSN
— Israeli Air Force (@IAFsite) October 15, 2023
સરહદી ગામો પર હુમલો કરી નરસંહાર માટે હતો જવાબદાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર એક પોસ્ટમાં IAFએ એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “ગાઝા પટ્ટીમાં હમાસના આતંકી અને આતંકી ઢાંચાઓ પર IDFના વ્યાપક હુમલાના ભાગરૂપે, IDF અને IAFએ દક્ષિણી ખાન યુનિસમાં સેનાના નુખબા કમાન્ડરને ઠાર કરી દીધો છે. તે કિબુત્જ નિરિમ નરસંહાર માટે જવાબદાર હતો.”
ઇઝરાયેલ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના સૌથી વધુ અંદાજિત 100થી વધુ આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરીને ધ્વસ કરી દીધા છે. આ અડ્ડાઓ મુખ્ય રૂપે જાયતુન, ખાન યુનિસ અને પશ્ચિમ જબાલિયામાં આવેલા હતા. IDFએ કહ્યું કે હમાસની કાર્યકારી ક્ષમતાઓને નબળી પાડવા અને ઇઝરાયેલના વિસ્તારો પર હુમલા કરવાની તેમની ક્ષમતાને નબળી પાડવા માટે આ હુમલા કરાયા છે.
આ પહેલાં માર્યા ગયા હતા 2 કમાન્ડર
બિલાલને માર્યા પહેલાં ઇઝરાયેલ સેનાએ અન્ય બે કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં અલી કાદી અને અબુ મુરાદ પણ સામેલ છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ દ્વારા X પર એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, “7 ઓક્ટોબરના ઇઝરાયેલી નાગરિકોના બર્બર નરસંહાર જેના આદેશથી થયો, તે અલી કાદીને અમે ઠાર માર્યો છે. હમાસના દરેક આતંકવાદીની હાલત આવી જ થશે.” જાણવા મળ્યા અનુસાર, આ કાર્યવાહીમાં કાદી સાથે હમાસના અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ઇઝરાયેલની સુરક્ષા એજન્સી શીન બેટના ઈન્ટેલિજન્સ ઇનપુટના આધારે સેનાએ એક ઑપરેશન ચલાવીને ગાઝામાં ડ્રોન સ્ટ્રાઈક કરી હતી, જેમાં કાદી માર્યો ગયો હતો.
આ પહેલાં ઇઝરાયેલી સેનાએ હમાસના એરફોર્સ ચીફને પણ મારી નાખ્યો હતો. ગાઝા સ્થિત હમાસના એરિયલ ફોર્સના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં અબુ મુરાદ માર્યો ગયો હતો. જે હુમલો થયો હતો તેમાં તેણે પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. ઇઝરાયેલી સેના એક પછી એક આતંકવાદીઓનો સફાયો કરી રહી છે અને હવે સમાચાર છે કે તેઓ જમીન માર્ગે ગાઝામાં ઘૂસીને ઑપરેશન ચલાવશે.