ડેનમાર્કમાં સ્થિત કોપનહેગનમાં સૌથી મોટા શોપિંગ મોલમાં રવિવારે મોડી રાત્રે ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. પોલીસે આ મામલે એક 22 વર્ષીય સંદિગ્ધને પકડી લીધો છે.
આ ઘટના કોપનહેગનમાં આવેલા શહેરના સૌથી મોટા મોલ ‘ફિલ્ડ્સ શોપિંગ મૉલ’ની છે. રવિવારે રાત્રે અહીં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકો સ્થળ પર જ માર્યા ગયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતોના નામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી.
#UPDATE | Several people were killed in a shooting at a shopping centre in Denmark’s Copenhagen, Danish police said, adding they had arrested a 22-year-old Danish man and could not rule out it was an “act of terrorism”: Reuters
— ANI (@ANI) July 3, 2022
કોપનહેગન પોલીસને સ્થાનિક સમય અનુસાર સાંજે 5:37 કલાકે મૉલમાં ફાયરિંગની જાણકારી મળી હતી. જે બાદ તાત્કાલિક પોલીસની ટીમો પહોંચી ગઈ હતી. પોલીસે મૉલની અંદરના લોકોને સુરક્ષાબળોની રાહ જોવા માટે કહ્યું હતું તેમજ બહારના લોકોને મૉલથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા અને મકાન ઘેરી લેવામાં આવ્યું હતું. જે બાદ સાંજે 5:48 વાગ્યે સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસે પકડાયેલા સંદિગ્ધ વ્યક્તિની ઓળખ હજુ સુધી જાહેર કરી નથી પરંતુ એક ડેનિશ ટીવીએ તેની તસ્વીર જારી કરી છે, જેમાં એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને ફરતો જોવા મળે છે. તેણે હાફ-પેન્ટ પહેરેલું જોવા મળે છે. આ ઉપરાંત, અન્ય એક તસ્વીરમાં એક ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર પર લઇ જતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મૉલમાં ગોળીબાર થવાનો અવાજ સંભળાય છે તેમજ લોકોની ચીસો પણ સંભળાય છે તેમજ કેટલાક લોકો નાસભાગ કરતા પણ જોવા મળે છે. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે, મૉલની અંદર લોકો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે દુકાનોમાં છુપાઈ ગયા હતા.
કોપનહેગન પોલીસ ઓપરેશન યુનિટના પ્રમુખ સોરેન થૉમસને ડેનમાર્કમાં શોપિંગ મોલમાં થયેલ ગોળીબાર અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, આ આખી ઘટનામાં આતંકી મનસૂબાની આશંકા નકારી શકાય તેમ નથી. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ઘટનામાં સંદિગ્ધ વ્યક્તિ ઉપરાંત અન્ય કોણ-કોણ સામેલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ડેનમાર્કના પાડોશી દેશ નોર્વેમાં પણ ગોળીબાર થયો હતો. 25 જૂનના રોજ નોર્વેના ઓસ્લોમાં એક ગે બાર અને નાઈટક્લબમાં ગોળીબાર થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.