પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ફિયાદિન એટેકમાં 5 ચીની એન્જિનિયરો સહિત 6ના મોત નીપજ્યા છે. તમામ મૃતકો એક ગાડીમાં જઈ રહ્યા હતા, દરમિયાન અન્ય એક ગાડીમાં વિસ્ફોટક ભરી ભીષણ બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટ ગલા જિલ્લાના બેશમ ખાતે કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 24 કલાકની અંદર આ બીજો હુમલો છે.
મળતી માહિતી અનુસાર આ ગાડીમાં એક પાકિસ્તાની ડ્રાઈવર સહિત 5 ચીની એન્જિનિયર બેઠા હતા. આ તમામ લોકો ઇસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દાસૂ જઈ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ચીન અહીં એક ડેમ બનાવી રહ્યું છે અને આ એન્જિનિયર દાસૂ ખાતે બનાવવામાં આવેલા ચાઇનીઝ કેમ્પ જઈ રહ્યા હતા.
⛔ BIG NEWS 🇵🇰🇨🇳
— Kreately.in (@KreatelyMedia) March 26, 2024
– At least 5 Chinese engineers and a driver killed in suicide attack in Pakistan
– A vehicle full of explosives rammed into the convoy in Besham, KPK
– More casualties expected pic.twitter.com/oNaq3315aQ
સ્થાનિક મીડિયાના જણાવવા અનુસાર જયારે તમામ લોકો ગાડીમાં સવાર જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરનાર લોકોએ વિસ્ફોટ ભરેલી ગાડીથી તેમને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરથી ભીષણ વિસ્ફોટ થયો હતો અને ગાડીના ચિંથડા ઉડી ગયા હતા. ગાડીમાં સવાર તમામ લોકો મોતને ભેટ્યા હતા. હુમલાને લઈને પાકિસ્તાની વડાપ્રધાન સહિત અધિકારીઓ હાંફળા થઈને દોડતા થઈ ગયા છે. હાલ આ હુમલાની કોઈ સંગઠન દ્વારા જવાબદારી નથી લેવામાં આવી.
આ મામલે પાકિસ્તાની પોલીસના એક અધિકારી બખ્ત ઝહિરે જણાવ્યું હતું કે, “આ એક આત્મઘાતી હુમલો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. પૂરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.”
After failing in their earlier attempts, these terrorists and their allies have turned to assaulting soft targets.
— Dukhtar-E- Balochistan 🇵🇰 (@Dukhtar_E_B) March 26, 2024
Five Chinese nationals lost their lives in an IED strike on a car in #Shanghai, Khyber Pakhtunkhwa.
These terrorists are enemies of #Pakistan and its development.… pic.twitter.com/M5j69nmjXI
બીજી તરફ ચીને પણ આ હુમલા બાદ આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન સ્થિત ચીનના દુતાવાસ દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, “ચીની દુતાવાસ આ હુમલાની આકરી નિંદા કરે છે અને બંને દેશોના પીડિતો પ્રત્યે સહાનુભુતિ દર્શાવે છે. ચીન પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના દર્શાવી રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ચીનના 5 નાગરિક મર્યા છે, જયારે ગાડી ચલાવનાર ડ્રાઈવર પાકિસ્તાની હતો અને તેનું પણ ઘટનામાં મોત નીપજ્યું છે.
થોડા જ કલાકો પહેલા નેવી એરબેઝ પર થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં બીજો આત્મઘાતી હુમલો છે. હજુ થોડા જ કલાકો પહેલા પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી BLAની મજીદ બ્રિગેડે લીધી છે. BLA (બલોચ લિબરેશન આર્મી) બલોચિસ્તાનને સ્વતંત્ર કરાવવા માટે સશસ્ત્ર ક્રાંતિકારીઓનું એક સમૂહ છે.
મોડી રાત સુધી અહીં ગોળીબાર અને બૉમ્બ બ્લાસ્ટના અવાજો સાંભળવા મળ્યા હતા. PNS સિદ્દિકી પાકિસ્તાનનું બીજું સૌથી મોટું એરબેઝ છે અને એવો દાવો કરવામાં આવે છે કે, પાકિસ્તાનના અત્યાધુનિક હથિયારો અહીં જ રાખવામાં આવે છે. તુર્બતમાં BLAએ કરેલો આ હુમલો આ અઠવાડિયાનો બીજો અને વર્ષનો ત્રીજો સૌથી મોટો હુમલો છે. આ પહેલાં 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં પાકિસ્તાન આર્મીના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. જ્યારે તે પછી ગ્વાદર પોર્ટ ઓથોરીટી કોમ્પ્લેકસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તે પહેલાં પણ BLAએ ઓપરેશન દારા-એ-બોલાન ચાલુ કર્યું હતું. જે દરમિયાન તેમણે બલૂચિસ્તાનના માચ જેલ અને કોલપુર કોમ્પ્લેકસ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેમાં 15 લોકોના મોત થયા હતા.
જોકે, પાકિસ્તાની એજન્સીઓનો દાવો છે કે, તેમણે હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પરંતુ તે વિસ્તારના લોકોએ મોડી રાત સુધી ગોળીબાર અને બૉમ્બ વિસ્ફોટના અવાજો સાંભળ્યા હતા. તેમજ બલોચ લિબરેશન આર્મીના એક વ્યક્તિને ફોનમાં એવું કહેતો સાંભળવામાં આવ્યો છે કે, તે લોકોએ એરબેઝને ઘણું નુકશાન પહોંચાડ્યું છે. આ મામલે પાકિસ્તાન સરકારના આધિકારિક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. હાલ ત્યાં સુરક્ષા દળના જવાનો કાર્યરત છે અને હોસ્પિટલમાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.