મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અથવા તો ઉતરાણ, ગુજરાતમાં ત્રણ ત્રણ નામે ઉજવાતા આ પર્વનો ઈતિહાસ બહુ લાંબો છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમ્યાન બાણશૈયા પર સુતેલા ભિષ્મ પિતામહે આ જ દિવસે પોતાનો દેહત્યાગ કર્યો હતો અને મોક્ષ પામ્યા હતા. પરંતુ શું આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસની સંધ્યાએ જે ફટાકડા ફૂટે છે તે પરંપરા ફક્ત ત્રણ જ દાયકા જૂની છે?
દર વર્ષે લગભગ આખા ગુજરાતમાં ઉત્તરાયણની સાંજે ફટાકડા ફૂટે છે, આકાશમાં રોકેટ છોડવામાં આવે છે અને આતશબાજી પણ કરવામાં આવે છે. બે ઘડી જાણે કે બે-ત્રણ મહિના પછી દિવાળી પાછી આવી ગઈ હોય એવું લાગતું હોય છે. મારી ઉંમરના કે મારાથી મોટા ઘણીવાર એમ કહેતા સાંભળ્યા છે (મોટાભાગે ફરિયાદના સ્વરમાં) કે, “અમે નાના હતા ત્યારે આવું કશું નહોતું.”
પણ ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે ગુજરાતમાં ઉત્તરાયણ અને ફટાકડાનો સંબંધ અચાનક કેમ બંધાઈ ગયો? મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી આવું સૌથી પહેલીવાર બન્યું હતું 1993ની ઉત્તરાયણે.
તે દિવસની વાત કરીએ તો લગભગ એક મહિનાને આઠ દિવસ અગાઉ અયોધ્યામાં બાબરી મસ્જીદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં એકઠા થયેલા કારસેવકોને આમ કરવા પ્રેરિત કરવાના આરોપ હેઠળ ભાજપના મોટામોટા નેતાઓ જેવા કે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંઘ, ઉમા ભારતી વગેરેને કેન્દ્રમાં રહેલી પી.વી. નરસિમ્હા રાવની સરકારે પકડીને જેલમાં નાખી દીધા હતા.
અમદાવાદમાં રહેતા વિશ્વ હિંદુ પરિષદના મોટા આગેવાન સાથે કરેલી ચર્ચામાં એ કન્ફર્મ કર્યું કે વર્ષ 1993ની સંક્રાંતિના એક અથવા તો બે દિવસ અગાઉ આ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પ્રસંગને દિવાળી તરીકે ઉજવવા માટે વિહિપ દ્વારા હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રજાને એવી વિનંતી પણ કરવામાં આવી હતી કે આવનારી મકરસંક્રાંતિની સંધ્યાએ પોતપોતાની અગાસી અથવા તો ધાબા પર મશાલ પ્રગટાવવી અને થાળીઓ વગાડવી.
આપણે ગુજરાતીઓ આમ પણ પહેલેથી જ ઉત્સાહી છીએ. એટલે વિશ્વ હિંદુ પરિષદની હાકલને તો આપણે સ્વીકારી જ લીધી પરંતુ મશાલ પ્રગટાવવા અને થાળી વગાડવાની સાથે આપણા ઉત્સાહમાં આપણે ફટાકડા પણ ફોડવાના શરૂ કરી દીધા. ખરેખર એ દિવસે એવું લાગતું હતું કે આપણા ગુજરાતમાં દિવાળી ફરીથી આવી ગઈ છે.
તે દિવસે મને બરોબર યાદ છે કે મારા ફ્લેટના ધાબા ઉપરાંત દૂર-દૂર સુધી ધાબાઓ પર મશાલ સળગતી જોવા મળી હતી અને જેમ ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણે પણ પતંગ ચગે છે એમ બીજા દિવસે સાંજે પણ અમુક ધાબાઓ પર મશાલ સળગી હતી.
પરંતુ તેના બીજા જ વર્ષે એટલે કે 1994ની મકરસંક્રાંતિએ મશાલ નહોતી સળગી કે પછી થાળીઓ નહોતી વાગી પરંતુ અમદાવાદીઓનો ઉત્સાહ મોળો ન પડતાં ફક્ત અને ફક્ત ફટાકડા જ ફૂટ્યા હતા. બસ તે દિવસ છે અને આજનો દિવસ છે દર વર્ષે ફટાકડા અને ભવ્ય આતશબાજી સાથે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનું આકાશ દરેક મકરસંક્રાંતિની સંધ્યાએ ઝગમગી જાય છે.
તમામ વાચકોને ઑપઇન્ડિયા ટીમ તરફથી મકરસંક્રાંતિની અઢળક શુભેચ્છાઓ.