ગુજરાતમાં ડમી ઉમેદવાર કાંડમાં રોજ નવા નાટકીય વળાંક આવી રહ્યા છે. હજુ ગઈ કાલે જ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર SOGએ સમન્સ પાઠવ્યું હતું. આજે પોલીસ સામે હાજર થવાના સમયે જ યુવરાજસિંહના પત્નીનું એક ટ્વીટ સામે આવે છે જેમાં તેઓએ કહે છે કે અચાનક યુવરાજસિંહની તબિયત બગડી છે અને તેઓ ભાવનગર SOG પાસે હાજર થવા માટે વધુ સમય માંગી રહ્યા છે. જે બાદ હાલ મળી રહેલા અહેવાલો મુજબ ભાવનગર SOGએ યુવરાજસિંહને 21 એપ્રિલના રોજ બપોરના 12 વાગ્યે હાજર રહેવા બીજું સમન્સ પાઠવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, “યુવરાજસિંહ વિરુદ્ધ કેટલાક આક્ષેપો મામલે સમન્સ આપ્યું હતું. યુવરાજ સિંહ આજે તબિયત ખરાબ થતા હાજર થયા નહોતા, અને તેમણે પોલીસ સમક્ષ હાજર થવામાં 10 દિવસનો સમય માંગ્યો છે. ભાવનગર પોલીસ તરફથી 21 તારીખે 12 વાગ્યા સુધીમાં હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે.”
યુવરાજને પોલીસનું તેડું! ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજાને ફટકારી બીજી નોટીસ #BreakingNews #Gujarat #Ahmedabad #police #notice #Bhavnagar #GujaratiNewshttps://t.co/RKwxV6dkJb
— Zee 24 Kalak (@Zee24Kalak) April 19, 2023
તેઓએ વધુમાં જણાવ્યું કે, “તપાસમાં પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, 6ની ધરપકડ થઈ છે. ડમીકાંડમાં તમામ દોષીઓને ઝડપી લેવાશે. આક્ષેપો મુજબ તટસ્થ તપાસ માટે યુવરાજનો પક્ષ જાણવો જરૂરી છે. બીજીવાર હાજર ના રહે તો કાયદાકીય પ્રક્રિયા વિશે વિચારણા થશે.”
તબિયત ખરાબ થઇ હોવાનું જણાવી માંગ્યો હતો 10 દિવસનો સમય
આ પહેલા આજે બપોરના 12:30 વાગ્યે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુવરાજસિંહની તબિયત અચાનક બગડી છે. સાથે જ તેઓએ ભાવનગર SOGને મેલ કરીને જવાબ લખાવવા માટે 10 દિવસોનો સમય માંગ્યો હતો.
ભાવનગર:યુવરાજસિંહના પત્નીનું ટવીટ
— News18Gujarati (@News18Guj) April 19, 2023
અચાનક યુવરાજસિંહની તબિયત લથડી
પોલીસ સમક્ષ જવાબ રજૂ કરવા મેઈલ કરીને સમય માંગ્યો#NEWS18GUJARATINO1 #Bhavnagar #YUVRAJSINH
અહેવાલો મુજબ યુવરાજસિંહ જાડેજાના પત્ની યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં લખ્યું છે કે, “યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો.”
@YAJadeja ના સતત વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશન ને કારણે તબિયત અચાનક લથડી.
— Bindiyaba Gohil Jadeja (@bindiyabagohil) April 19, 2023
SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરી લેખિત માં સમય માંગ્યો. pic.twitter.com/9FUPKZn8q6
બિપિન ત્રિવેદીએ આરોપ લગાવ્યા બાદ ભાવનગર SOGએ મોકલ્યું હતું સમન્સ
બિપિન ત્રિવેદી દ્વારા આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. યુવરાજસિંહને સમન્સ પાઠવીને પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યે હાજર થવા જણાવ્યું હતું.
મહત્વનું છે કે, બિપિન ત્રિવેદીના આક્ષેપ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.
તેણે આગળ કહ્યું, “આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.”
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
હવે યુવરાજસિંહની તબિયત બગડી હોવાના અહેવાલો બાદ જોવાનું રહેશે કે ભાવનગર SOG તરફથી શું પગલાં લેવામાં આવે છે.