બિગ બોસ OTT 2 વિજેતા યુટ્યુબર એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી છે. સાપના ઝેરની તસ્કરીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, એલ્વિશ યાદવ પર પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે. ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે, લેબમાં લઈ જવામાં આવેલા ઝેરના નમૂના કોબ્રાના હતા.
નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલે FIR નોંધી હતી, જેમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે કેસમાં એલ્વિશે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો, પરંતુ ફોરેન્સિક લેબ, કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે નોઈડા પોલીસે તેને તપાસમાં જોડાવા કહ્યું હતું. એલ્વિશ યાદવે આ મામલે જ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને જ્યારે પોલીસને પ્રશ્નોના સંતોષકારક જવાબો ન મળ્યા ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
Noida Police arrests YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav. He will be presented in the Court today: DCP Noida Vidya Sagar Mishra
— ANI (@ANI) March 17, 2024
Further details awaited.
(file pic) pic.twitter.com/ZVxh7rM5rK
એલ્વિશની ધરપકડ બાદ નોઈડા પોલીસ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈને ગઈ હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ એલ્વિશને પોતાની સાથે લઈને ગઈ છે. હવે નોઈડા પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. જોકે, રવિવાર (17 માર્ચ) હોવાના કારણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, તેને સોમવારે (18 માર્ચ) કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે કે, કે પછી જ્જના ઘરે રજૂ કરવામાં આવશે.
શું છે મામલો?
નોંધનીય છે કે, ગયા વર્ષે એટલે કે 8 નવેમ્બર 2023ના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલે FIR નોંધી હતી. આ કેસમાં નોઈડા પોલીસે રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથની ધરપકડ કરી હતી. નોઈડા પોલીસે રાહુલ નામના વ્યક્તિ પાસેથી સાપનું ઝેર પણ મેળવ્યું હતું અને બાદમાં તેના ઠેકાણાં પર દરોડા પાડીને કેટલાક જીવતા સાપ પણ પકડ્યા હતા. ભાજપ સાંસદ મેનકા ગાંધીના સંગઠને પણ આ મામલે હસ્તક્ષેપ કરીને એલ્વિશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
નોઈડા પોલીસે ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓમાં આ ઝેરના ઉપયોગની વાત કરી હતી. આ કેસમાં એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. જો કે, આ મામલો સામે આવ્યા પછી, એલ્વિશે સ્પષ્ટતા આપતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો.
પોતાના બચાવમાં એલ્વિશ યાદવે કહ્યું હતું કે, “હું સવારે ઉઠ્યો, મે મીડિયામાં ન્યૂઝ જોઈ કે, એલ્વિશ નશીલા પદાર્થોના બિઝનેસમાં સામેલ છે. હું જણાવી દઉં કે, મારી વિરુદ્ધ જેટલી પણ વસ્તુઓ ચાલે છે, તે તમામ ખોટી છે. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.” જોકે, નોઈડા પોલીસે હવે ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડિટેલ્સ અને સ્ટેટમેન્ટના આધારે એલ્વિશ યાદવની ધરપકડ કરી લીધી છે.