દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) વિશ્વની સમસ્યાઓને લઈને આવનાર 5 વર્ષ માટેની ભવિષ્યવાણી કરી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Isranel-Hamas War), રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)અને ઇઝરાયેલ સાથેના ઈરાનના વણસતા સંબંધોને જોતાં તેમણે આવનારા વિશ્વની આગાહી કરી છે. તેમણે દુનિયાની ‘ડાર્ક સાઈડ’ (Dark Side)પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, આવનારા 5 વર્ષ આખી દુનિયા માટે ભયાનક સાબિત થવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દુનિયા યુદ્ધના આરે આવીને ઊભી રહી છે. આ ઉપરાંત તેમણે આબોહવા પરિવર્તન (Climate Change) અને આર્થિક પડકારોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.
મંગળવારે (13 ઑગસ્ટ) રાજધાની દિલ્હીમાં (Delhi) એક ઇવેન્ટને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે દુનિયાને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, “રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અઢી વર્ષ થવા આવ્યા છે. તેનાથી વેસ્ટ એશિયામાં મિલીટરી ટેન્શન વધી રહ્યું છે. જ્યારે સાઉથ-ઈસ્ટમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. દુનિયાની સામે આર્થિક પડકારો (Economic Challenges) મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. બીજી તરફ ક્લાઇમેટ ચેન્જ પણ આપણાં માટે ચિંતા વધારી રહ્યું છે.” આ ઉપરાંત તેમણે આવનારા વિશ્વના પડકારોને લઈને ઊભી થનારી સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી.
#WATCH | Delhi | On being asked how he sees the world today, EAM Dr S Jaishankar says, "…We are going through an exceptionally difficult period. If I were to say give a 5-year forecast, then it would be a grim forecast. And I think the answers are there, you see what is… pic.twitter.com/JVgWwetsco
— ANI (@ANI) August 13, 2024
તેમણે કહ્યું કે, “આવનારા 5 અથવા તો વધીને 10 વર્ષ દુનિયા માટે ખૂબ પડકારજનક રહેવાના છે. આર્થિક પડકારો અને જળવાયુ પરિવર્તનની ઘટનાઓ ભયાનક છે.” દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, દુનિયાની સ્થિતિ પર તેમનો શું મત છે. જેના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું એક આશાવાદી માણસ છું, સામાન્ય રીતે હું સમાધાનમાંથી નિકળનારી સમસ્યાઓની જગ્યાએ સમસ્યાઓના સમાધાન વિશે વધુ વિચારમગ્ન રહું છું.”
‘આજે પણ આપણે કોરોનાના પ્રભાવ હેઠળ’- વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, “મારી પાસે દુનિયા માટેની 5 વર્ષની ભવિષ્યવાણી છે. તમે જુઓ મિડલ-ઈસ્ટમાં શું થઈ રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. સાઉથ-ઈસ્ટ અને ઈસ્ટ એશિયા તરફ પણ નજર દોડાવો. એક એ પણ ખૂબ ગંભીર બાબત છે કે, આપણે હજુ સુધી પણ કોરોના મહામારીના પ્રભાવ હેઠળ છીએ. જે આ મહામારીમાંથી બચી ગયા છે, તે તેને હલકામાં લેવા લાગ્યા છે. ઘણા લોકો હજુ સુધી આ મહામારીની અસરોમાંથી બહાર નથી આવી શક્યા.” આ ઉપરાંત તેમણે લાલ સમુદ્રમાં વધી રહેલી સમુદ્રી લૂંટને લઈને પણ નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પણ પોતાનું નિવેદન અને ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, “આવનારી 5 નવેમ્બરની તારીખે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. તેમાં જે પણ ઉમેદવાર જીતશે, મોદી સરકાર તેની સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો ટ્રમ્પ જીતે તોપણ અને કમલા જીતે તોપણ.. ભારત બંને નેતાઓ સાથે કામ કરવા માટે તૈયાર છે. બંને દેશોની વૈશ્વિક ભાગીદારીને સમજીને ભારતનું સ્પષ્ટ વલણ આ જ છે.”