બોલિવુડમાં નેપોટીઝમ અને પ્રોપગેન્ડાનું રાજ છે એ વાત ખુદ કલાકારો પણ સ્વીકારે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવુડ માફિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તો આજે વિદેશમાં સ્થાયી થઈ ચૂકેલી અને કહેવાતી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે બોલિવુડમાં તેની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે અભિનેતા વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે પોતાની વ્યથા વર્ણવી છે.
અભિનેતાએ પ્રિયંકાના નિવેદનને ટાંકીને પોતાની વીસ વર્ષ જૂની કોન્ફરન્સને યાદ કરી હતી જેના પછી તેને બહુ કપરો સમય જોવો પડ્યો હતો. તેણે કહ્યું કે, પોતે નસીબદાર છે કે તે આવી પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો છે. વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીએ તેની અગ્નિપરીક્ષા લીધી, જેમાં તે પાસ થઈ ગયો. પરંતુ બધા આટલા ભાગ્યશાળી નથી હોતા.
વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે શું કહ્યું?
વિવેકે કહ્યું કે, તેના વિરુદ્ધ ભરપૂર લોબિગ કરવામાં આવી હતી અને ખોટી વાતો ફેલાવવામાં આવી હતી, જેવું પ્રિયંકા ચોપરાએ કહ્યું તેવું એની સાથે પણ થયું હતું. વિવેકે કહ્યું કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હોલમાર્ક જ આ છે અને સૌથી મોટી ડાર્ક સાઈડ પણ. હું ખુદ એક સમયે આનાથી પીડિત હતો. આ તમને એટલું થકવી નાખે છે કે તમે કમજોર પડી જાઓ છો.”
#VivekOberoi addresses the dark sides of the film industry and how artists are in a vulnerable position.https://t.co/9Ufr5nMBOL
— India TV (@indiatvnews) April 4, 2023
સમાજસેવા તરફ વળી ગયો વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોયે એ દિવસો યાદ કર્યા જ્યારે તેની ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ (2007) થિએટરમાં બહુ ચાલી હતી અને એવોર્ડ્સ પણ મેળવ્યા હતા. ફિલ્મ સફળ થઈ તેમ છતાં અભિનેતાને 14 મહિના ઘરે બેસવું પડ્યું હતું. વિવેકે કહ્યું કે, એ સમયે તે કંઈક એવું કરવા ઈચ્છતો હતો જે તેને ખરાબ સમયમાંથી બહાર લઈ જાય. એ પછી તે બિઝનેસ અને સમાજસેવામાં જોડાઈ ગયો. તેણે ઉમેર્યું કે, એક જગ્યાએથી નીકળીને બીજી નવી જગ્યામાં પોતાની ઓળખ બનાવવાની દિશામાં પ્રિયંકા ચોપરાનું નિવેદન પ્રેરક છે.
વિવેક ઓબેરોયે કહ્યું કે પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ અને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે તેની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગીમાં ચમત્કાર થયા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નિર્માતા અપૂર્વ અસરાનીએ દાવો કર્યો હતો કે 2012માં પ્રિયંકા ચોપરાએ સતત બે હિટ ફિલ્મો આપી હતી, જે પછી બોલિવુડમાં તેને સાઈડલાઈન કરવા માટે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું.