ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બુધવારે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં વિરાટ અનુષ્કા નીમકરૌલી આશ્રમમાં બાબા નીમ કરૌલીના દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાને પ્રસાદ રૂપે કામળો આપવામાં આવ્યો હતો. વિરાટ-અનુષ્કાના આખા પ્રવાસને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયાને પણ આ વાતની જાણકારી નહોતી મળી.
મળતા અહેવાલો મુજબ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા નીમકરૌલી આશ્રમમાં પહોંચ્યાં બાદ બાબાની સમાધિ સ્થળના દર્શન કર્યા હતા, ત્યાર બાદ વિરાટ-અનુષ્કાએ આશ્રમની એક કુટિરમાં એક કલાક સુધી ધ્યાન પણ કર્યું હતું. વિરાટ અને અનુષ્કા ગત વર્ષે નવેમ્બરમાં પણ નૈનીતાલમાં આવેલા બાબા નીમ કરૌલીના કેંચીધામ પણ દર્શન માટે ગયા હતા.
આશ્રમમાં એક કલાક સુધી રોકાયા
બુધવારે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે બાંકેબિહારીની નગરી વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે બાબા નીમકરૌલીના સમાધિ સ્થળે દર્શન કર્યા હતા. વિરાટ-અનુષ્કા તેમના આશ્રમમાં આશરે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે બાબા નીમ કરૌલીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને હાથ જોડ્યા હતા. સમાધિ સ્થળે દર્શન કર્યા બાદ તેમણે કુટિરમાં ધ્યાન કર્યું હતું. વિરાટ અનુષ્કા એ નીમકરૌલી આશ્રમમાં હાજર પ્રશંસકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જે બાદ તેઓ આનંદમયી આશ્રમમાં જવા રવાના થયા હતા.
નોંધનીય છે કે તેમના આ પ્રવાસ દરમિયાન આનંદમયી આશ્રમમાં મીડિયાને પ્રવેશ નહોતો અપાયો. વિરાટ અને અનુષ્કા બુધવારે બપોરે વૃંદાવન આવવાના હતા પરંતુ તેઓ સવારે જ નીમ કરોલી આશ્રમ પહોંચી ગયા હતા. તેમનો કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રખાયો હતો. મીડિયા અહેવાલોમાં જણાવ્યાં પ્રમાણે, વિરાટ-અનુષ્કા મથુરા આવ્યા એ પહેલા અહીંની એક હોટેલમાં રૂમ પણ બુક કરાયા હતા.
બાબા નીમ કરૌલીમાં શ્રદ્ધા ધરાવે છે વિરાટ-અનુષ્કા
વિરાટ અને અનુષ્કાને પ્રસાદ તરીકે કામળા આપવામાં આવ્યા હતા. બંનેએ બાલ ભોગ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા બંને બાબા નીમ કરૌલી મહારાજમાં ખૂબ આસ્થા ધરાવે છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ટી-20 સીરીઝ રમી રહી છે. જોકે, આ સીરીઝમાંથી વિરાટને આરામ અપાયો છે. ટી-20 બાદ શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝ રમાશે જેમાં વિરાટ કોહલી રમવાના છે. અનુષ્કાની વાત કરીએ તો, તે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી ચાર વર્ષ બાદ કમબેક કરી રહી છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થવાની છે.