Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદ પાસેની ગલીમાંથી ત્રણ ઈસમો ધસી આવ્યા, રાઇફલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો: વડોદરામાં...

    મસ્જિદ પાસેની ગલીમાંથી ત્રણ ઈસમો ધસી આવ્યા, રાઇફલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો: વડોદરામાં પથ્થરમારા દરમિયાન SRP જવાન પર હુમલો, ત્રણ સામે ગુનો

    પોલીસ કર્મચારી કંઈ પણ સમજે તે પહેલાં આ ઈસમોએ તેમની ઉપર હુમલો કરી બે-ચાર લાફા ઝીંકી દીધા હતા તેમજ ઝપાઝપી કરીને તેમના ખભે લટકાવેલી બંદૂક પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદનાં તોફાનો દરમિયાન ત્રણ મુસ્લિમ યુવાનોએ ફરજ પર હાજર SRP જવાન પર હુમલો કરીને રાયફલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આ ઈસમોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    વિગતો અનુસાર, રામનવમીના દિવસે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા કુંભારવાડામાં ગોધરા એસઆરપી ગ્રુપ-5ના જવાનોને સવારથી બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા હતા. સાંજે આ જ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તોફાનો દરમિયાન કુંભારવાડામાં ફરજ પર હાજર એક SRP જવાન પંકજ બારૈયા પર ત્રણ ઈસમોએ હુમલો કરી દીધો હતો અને લાફા ઝીંક્યા હતા તેમજ ખભે લટકાવેલી બંદૂક પણ આંચકી લેવાના પ્રયાસ કર્યા હતા. 

    વારસિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં SRP જવાન પંકજ બારૈયાએ જણાવ્યું હતું કે, તેઓ વડોદરામાં કુંભારવાડા ડીપ પોઇન્ટમાં દરગાહની પાછળ આવેલા ગેટ નજીક ફરજ બજાવી રહ્યા હતા. જ્યાં સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ત્યાં આવેલી મસ્જિદ પાસેની ગલીમાંથી ત્રણ યુવકો અચાનક તેમની તરફ ધસી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -

    પોલીસ કર્મચારી કંઈ પણ સમજે તે પહેલાં આ ઈસમોએ તેમની ઉપર હુમલો કરી બે-ચાર લાફા ઝીંકી દીધા હતા તેમજ ઝપાઝપી કરીને તેમના ખભે લટકાવેલી બંદૂક પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કર્મચારીએ આ ત્રિપુટીનો સામનો કરી તેમનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો હતો અને આ દરમિયાન નજીકના પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. 

    ઘટના બાદ પંકજ બારૈયાએ વારસિયા પોલીસ મથકે બનાવની જાણ કરી હતી. જે પછી પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં તેમણે આ ત્રણેય હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. 

    પોલીસની તપાસમાં આ આરોપીઓની ઓળખ રસીદ શેખ, બીટુ રફીક અને મોહસીન તરીકે થઇ હતી. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ IPCની કલમો 393, 353, 332, 323, 186 અને 114 હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. 

    વડોદરામાં રામનવમીના દિવસે બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલાં ફતેપુરાના મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારો થયો હતો ત્યારબાદ સાંજે કુંભારવાડામાંથી પસાર થતી રામયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે અને જુદા-જુદા કેસોમાં કુલ ત્રીસેક લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં