વર્ષ 2019માં વડોદરાના (Vadodara) મકરપુરા વિસ્તારમાં રહેતી એક હિંદુ સગીરા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાનો ભોગ બની હતી. ઘટનામાં આરોપી મોહમ્મદ મેરાજ છેલ્લાં પાંચ વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો. હવે પોલીસે ભાગતા ફરતા આરોપીઓ સામે ઉપાડેલા અભિયાનના ભાગરૂપે તેને ઝડપી પાડ્યો છે. વડોદરા પોલીસની એક ખાસ ટીમ આરોપીને ઝડપી લેવા છેક મધ્યપ્રદેશ ગઈ, જ્યાં એક સંબંધીના ઘરે રહેતા મેરાજને ઉઠાવીને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેને પોલીસ વડોદરા લઈને આવી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના 2019ની છે. મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક હિંદુ સગીરાએ મેરાજ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ હતી કે, બાળકીને ઉઠાવી જઈને તેણે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ અહીં પરિવારે ગુનો દાખલ કરાવ્યો હોવાની જાણ થતાં જ આરોપીએ બાળકીને બસમાં બેસાડીને વડોદરા મોકલી દીધી હતી. બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતના ગુના નોંધાયા બાદથી તે સતત પોલીસથી ભાગતો ફરતો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ તે પોલીસથી બચવા માટે UP, MP રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભાગતો ફરતો હતો.
પોલીસ પાસેથી જાણો કઈ રીતે પાર પાડ્યું ઑપરેશન
બીજી તરફ વડોદરા પોલીસ પણ સતત તેને ટ્રેક કરવા માટે પ્રયત્નો કરી રહી હતી. આખરે વડોદરા ઝોન 3 LCBના PSI ભગીરથસિંહ વાળાને આરોપીનું પગેરું મળતાં પોલીસ સાબદી થઈ હતી. LCB ઝોન 3ના PSI ભગીરથસિંહ વાળાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે પોલીસે આખી આ કામગીરી કઈ રીતે પાર પાડી. PSI વાળાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા સમયથી આ કેસમાં આરોપીને પકડવા પ્રયત્નો ચાલી રહ્યા હતા. તેવામાં અમારી ટીમને કેટલાક ઈનપુટ મળતાં અમને આશાનું એક કિરણ દેખાયું.”
PSI વાળાએ જણાવ્યું કે, “હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી અમે સતત મેરાજ મોહમ્મદ કયુમ મનિહારને પકડવા પ્રયાસ કરી રહ્યા હતા. તેવામાં કામગીરી દરમિયાન અમને એક સોર્સ મળ્યો. અમારા હાથે એક મોબાઈલ નંબર લાગ્યો. આરોપી સતત પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો. આમ તે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લાના ડુમરિયા ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સૈયાપુરના શાહપુર ગામનો રહેવાસી છે. પરંતુ તે ગુનો આચર્યા બાદથી સતત ફરાર હતો. દરમિયાન અમને જે મોબાઈલ નંબર મળ્યો તેના આધારે અમે તપાસ શરૂ કરી.”
વડોદરા પોલીસની ટીમ રતલામ રવાના થઈ
તેમણે જણાવ્યું કે, “તપાસમાં અમને અન્ય કેટલાક ઈનપુટ મળ્યા અને આખરે આરોપી ત્રણ રાજ્યો ફેરવીને મધ્યપ્રદેશમાં હોવાનું ખુલ્યું. આરોપી રતલામ ખાતે પોલીસ સ્ટેશનની સામે જ મસ્જિદ પાસે આવેલા તેના સંબંધીના ઘરમાં રહેતો હતો. અહીં તે પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેવી અમને માહિતી મળી કે અમે ઝોન 3ના પોલીસ કમિશનરના નિર્દેશ અનુસાર અમે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ, સંદીપસિંહ, વિરમભાઈ તેમજ કોન્સ્ટેબલ હીરેન્દ્રસિંહ અને જગદીશકુમાર એમ 7 લોકોની એક ટીમ બનાવીને મધ્યપ્રદેશ રવાના થયા. દરમિયાન આરોપી ફરી ભાગી જાય તેવી ભીતિ પણ હતી, પરંતુ અમારી ટીમે પહેલાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લઈને તેને કોર્ડન કરાવી દીધો હતો. ઉપરી અધિકારીઓના નિર્દેશ અનુસાર અમારી ટીમે ત્યાં જઈને આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી.”
PSI વાળાના જણાવ્યા અનુસાર આરોપીને વડોદરા લાવીને તેને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન લાવી તેના વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી તકે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવશે. આ કેસની તપાસ હાલ મકરપુરા પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ IPCની કલમ 363, 366, 376 તેમજ પોક્સો એક્ટની કલમ 5 (N) અને 6 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.