ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) છેલ્લા થોડા સમયથી અતિક્રમણ કરવામાં આવેલાં અતિપ્રાચીન હિંદુ મંદિરો ફરી ખોલવામાં આવી રહ્યાં છે ત્યારે તાજેતરમાં બરેલીમાં (Bareilly) પણ આવું એક મંદિર મળી આવ્યું. અહીં પ્રશાસન અને સ્થાનિક હિંદુ સંગઠનોએ લગભગ દોઢસો વર્ષ પ્રાચીન ગંગા મહારાની મંદિરને મુક્ત કરાવ્યું છે. કહેવાય છે કે અહીં 40 વર્ષથી મુસ્લિમ પરિવાર રહેતો હતો. હિંદુ સંગઠનોએ મંદિરનું શુદ્ધિકરણ કરીને પૂજાપાઠ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ, મંદિર પરથી લીલો ઝંડો હટાવીને ભગવો ધ્વજ પણ ફરકાવી દેવામાં આવ્યો છે.
આ મંદિર છેલ્લાં 40 વર્ષોથી વાહીદ અલી અને તેના પરિવારના કબજામાં હોવાની રાવ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. વાહીદ કોઈ સંસ્થામાં ચોકીદાર હોવાનું કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે. તે પરિવાર સાથે અહીં રહેતો હતો. પરંતુ જે સહકારિતા વિભાગનો ચોકીદાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેના સંચાલકોએ જણાવ્યું હતું કે તેમને ત્યાં વાહીદ કામ કરતો નથી.
ચાર દાયકાઓથી હતો વાહીદ અલીનો કબજો
લગભગ ચાર દશકાઓ સુધી વાહીદ અલી અને તેનો પરિવાર ગેરકાયદેસર રીતે આ મંદિરમાં રહેતા હતા. બીજી તરફ, ધ્યાને આવતાં સ્થાનિકોએ આ મામલે મુખ્યમંત્રી આદિત્યનાથથી માંડીને સ્થાનિક જિલ્લા પ્રશાસન સુધી રજૂઆત કરીને મંદિરને મુક્ત કરાવવા માંગ કરી હતી. થોડા સમયમાં જ મુદ્દો ગરમાયો અને પ્રશાસન હરકતમાં આવ્યું. યોગી સરકારના પ્રશાસને તપાસ કરતાં અહીં વાસ્તવમાં 150 વર્ષથી વધુ જૂનું ગંગામહારાની મંદિર હોવાનું અને તેના પર ગેરકાયદેસર કબજો હોવાનું સામે આવ્યું હતું.
વાસ્તવિકતા સામે આવતાંની સાથે જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તેમણે તાત્કાલિક મંદિરને વાહીદના કબજામાંથી મુક્ત કરાવવા કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સ્થાનિક પ્રશાસને અને પોલીસે મંદિરને કોર્ડન કરીને સીલ મારી દીધું હતું. દરમિયાન વાહીદને પરિવાર સહિત બિસ્તરા-પોટલા બાંધીને કબજો હટાવી લેવા નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા. ચાળીસ વર્ષથી ગેરકાયદેસર રીતે રહી રહેલા વાહીદે પહેલાં સમય માંગ્યો હતો, પરંતુ પછીથી તેણે સામાન ખાલી કરવા માંડ્યો.
દિવ્ય શિવલિંગ અને ગંગામાતાની મૂર્તિઓ હટાવી લીધી હતી
બીજી તરફ મંદિર કબજામુક્ત થતાંની સાથે જ સ્થાનિક હિંદુઓમાં હરખ જોવા મળ્યો. હિંદુ સંગઠનોએ ગંગાજળ અને ગૌમૂત્રથી મંદિરના શુદ્ધિકરણનું કાર્ય કર્યું. હિંદુ સંગઠનોનું કહેવું છે કે બહુ જ જલદી અહીંથી હટાવી દેવામાં આવેલી મૂર્તિઓ ફરી અહીં સ્થાપિત કરવામાં આવશે અને પૂજાપાઠ શરૂ કરી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક દુધિયા રંગનું દિવ્ય શિવલિંગ પ્રસ્થાપિત હતું અને આખા શિવ પરિવારની પ્રતિમાઓની અહીં સ્થાપના કરવામાં આવી હતી. અહીં ગંગામૈયાની પણ મૂર્તિનું સ્થાપન હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ચાંદીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. વાહીદ અલી અને તેના પરિવાર પર મૂર્તિઓ હટાવવાનો આરોપ છે.
હિંદુ સંગઠનો શનિવારે (21 ડિસેમ્બર, 2024) બરેલીના આ ગંગામહારાની મંદિરમાં ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. સાથે-સાથે વહેલામાં વહેલી તકે આ મંદિર ફરી કાર્યરત થાય અને સ્થાનિક હિંદુઓ અહીં પૂજા-અર્ચના કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. હાલ પ્રશાસન દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હિંદુ સમુદાય અને સંગઠનો સિવાય અહીં અન્ય કોઈ નજરે નથી પડી રહ્યું.