ઉજ્જૈનના (Ujjain) નિરંજની અખાડાના મહામંડલેશ્વર (Mahamandaleshwar) ડૉ. સુમનાનંદ ગિરી મહારાજને (Dr. Suman Anand Giri Maharaj) ધમકી મળી રહી છે. ગુરુવારે (19 ડિસેમ્બર) ફરી એકવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આરોપીએ મહામંડલેશ્વરને ધમકી આપતો પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં ઉર્દૂમાં તેમની ઉપર પયગંબરની ‘તૌહીન’ (અપમાન) કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર મહામંડલેશ્વર ડૉ. સુમનાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, સગીર અહેમદ રિઝવાન નામના વ્યક્તિએ પ્રયાગરાજ યુપીના સરનામા પરથી એક પરબીડિયામાં ઉર્દૂમાં લખેલો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
આ પત્રમાં લખ્યું હતું કે, “કાફિર સુમન આનંદ, તું વારંવાર નબીની (પયગંબર) તૌહીન (અપમાન) કરે છે. નામુરાદ, તું સારી રીતે જાણે છે કે ‘ગુસ્તાખે રસૂલ કી એક સજા, સર તન સે જુદા’. તું ખૂબ જ દંભી અને ખરાબ સ્વભાવનો વ્યક્તિ છો. તારું જીવન અમારી દયા પર છે. ખામોશ યાત્રામાં અમારી જમાતને ગુમરાહ કરો છો…અમે કયામતની રાહ જોઈશું નહીં.”
આગળ લખ્યું હતું કે “અમે અમારા દીન (મજહબ) અને ઈમાનની રક્ષા માટે સંપૂર્ણપણે મજબૂત છીએ. એક દિવસ રામ મંદિરમાં અજાન ગુંજશે. જો બચી શકે એમ હોય તો બચજે. ઇન્શાઅલ્લાહ અમે કામયાબ થઈશું.” નોંધનીય છે કે મહામંડલેશ્વરના જણાવ્યા અનુસાર તેઓ પત્ર મોકલનાર વ્યક્તિને જાણતા નથી. એ પણ જાણવું જોઈએ કે આ અગાઉ પણ તેમને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે ધમકીઓ મળી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી મહામંડલેશ્વરને એક ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ‘ગુસ્તાખે રસૂલ કી એક સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’ એવું લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓગસ્ટમાં મોડી રાત્રે ત્રણ યુવકોએ પરવાનગી વિના આશ્રમમાં ઘૂસવાનો પણ પ્રયત્ન કર્યો હતો તથા ગાર્ડ અને વોર્ડન સાથે મારામારી પણ કરી હતી.
આ રીતે સતત મળી રહેલ ધમકીઓના પગલે મહામંડલેશ્વરે પોલીસને સુરક્ષા આપવા વિનંતી કરી હતી તથા ધમકીભર્યા પત્રની માહિતી એસપી પ્રદીપ શર્માને પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે મહામંડલેશ્વર ડૉ. સુમનાનંદ ગિરી મહારાજે અગાઉ તેમના આશ્રમમાં મુસ્લિમ છોકરીઓને સનાતન ધર્મમાં પરિવર્તિત કરી હતી અને આશ્રમમાં જ સનાતન રિવાજો અનુસાર તેમનાં લગ્ન પણ કરાવ્યાં હતાં.