દિવસો સુધી ફરાર રહ્યા બાદ આખરે ગુરુવારે (29 ફેબ્રુઆરી, 2024) પશ્ચિમ બંગાળના TMC નેતા શેખ શાહજહાંની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આ દરમિયાનનો તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે કોઇ બાહુબલી નેતા હોય તેમ પોલીસ સાથે ચાલતો જોવા મળે છે.
#WATCH | West Bengal | TMC leader Sheikh Shahjahan brought to Basirhat Court lockup after his arrest.
— ANI (@ANI) February 29, 2024
ADG (South Bengal) Supratim Sarkar said that he has been arrested in a case which happened on 5th January 2024 where ED officers were assaulted during the course of raid they… pic.twitter.com/ItD5468T3s
આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે અને તેને લઈને ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. લોકોને પોલીસ કસ્ટડીમાં TMC નેતાની વર્તણૂક પસંદ આવી રહી નથી.
5 જાન્યુઆરીના રોજ જ્યારે EDની ટીમ સંદેશખાલીમાં દરોડા પાડવા માટે ગઈ હતી ત્યારે શેખ શાહજહાંના માણસોએ અધિકારીની ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. એજન્સી રાશન કૌભાંડ મામલે તેની પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. શાહજહાંની ધરપકડ આ ED પર હુમલાના કેસમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એ પણ નોંધવું જોઈએ કે સંદેશખાલીમાં ED પર હુમલાના થોડા દિવસો બાદ સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ સામે આવીને શાહજહાં અને તેના માણસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગથી માંડીને અત્યાચાર અને યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. ત્યારથી સંદેશખાલી ચર્ચામાં છે. સ્થાનિકો દિવસો સુધી શેખ શાહજહાંની ધરપકડની માંગ કરતા રહ્યા, પરંતુ બંગાળ પોલીસ તેને શોધતી જ ફરતી હતી. આખરે બુધવારે (28 ફેબ્રુઆરી) કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે, બંગાળ પોલીસ જ નહીં પરંતુ ED અને CBI પણ TMC નેતાની ધરપકડ કરી શકે છે. બીજા દિવસે સવારે તેની ધરપકડ કરી લેવામાં આવી.
શેખ શાહજહાંની ધરપકડ બાદ દક્ષિણ બંગાળના ADG સુપ્રતિમ સરકારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ ધરપકડ ED પર થયેલા હુમલા મામલે કરવામાં આવી છે. જ્યારે IPCની કલમ 354 હેઠળની ફરિયાદો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આ કેસ 354ને લગતો નથી. નોંધનીય છે કે IPC 354 મહિલાની લજ્જા ભંગ કરવાના ઈરાદે તેની ઉપર હુમલો કે ગુનાહીત બળના પ્રયોગ માટે લગાવવામાં આવે છે.
યૌનશોષણના આરોપોને લઈને પોલીસે કહ્યું કે, તેના ઘણા કેસો નોંધાયેલા છે અને તેમાંથી મોટાભાગના બનાવ 2 વર્ષ પહેલાં બન્યા છે, જેથી તેની તપાસમાં સમય જશે.
શેખ શાહજહાંની ધરપકડ બાદ પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, આ કોઇ ધરપકડ નથી પરંતુ પરસ્પર સહમતિ છે. જ્યાં સુધી કેન્દ્રીય એજન્સીઓ તેને (શાહજહાં) કસ્ટડીમાં ન લે ત્યાં સુધી લોકોને ન્યાય મળશે નહીં.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે TMC નેતાને જેલમાં ફાઈવ-સ્ટાર સુવિધાઓ મળશે અને તે મોબાઈલનો ઉપયોગ કરીને ત્યાંથી વિસ્તાર પર નિયંત્રણ રાખશે.